રાજસ્થાન રોયલ્સના વેચાણ મામલે મોટો વિવાદ
કાલ સોમાણી ગ્રુપનો ગંભીર આક્ષેપ - "અમે બોલી પાછી ખેંચી નહોતી, અમને બાકાત રખાયા"

ઇન્ટરનેટ

ઇન્ટરનેટ
IPL 2026 RR Sale Row: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝી પૈકીની એક એવી રાજસ્થાન રોયલ્સ (RR) ના માલિકી હક્કોના વેચાણને લઈને હજુ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. સ્ટીલ કિંગ લક્ષ્મી એન. મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલા દ્વારા આ ટીમ હસ્તગત કર્યાની સત્તાવાર જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ અમેરિકા સ્થિત 'કાલ સોમાણી ગ્રુપ' મેદાનમાં આવ્યું છે. સોમાણી ગ્રુપે દાવો કર્યો છે કે તેઓ વેચાણ પ્રક્રિયામાં અંત સુધી સામેલ હતા અને તેમણે ક્યારેય પોતાની બોલી પાછી ખેંચી નહોતી, પરંતુ તેમને જાણીજોઈને પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
દોઢ મહિનામાં બદલાઈ ગયું ચિત્ર: $1.63 બિલિયનનો સોદો મુકાયો પડતો
રાજસ્થાન રોયલ્સના વેચાણની આ ગાથામાં માર્ચ મહિનામાં મોટો વળાંક આવ્યો હતો. અહેવાલો મુજબ, તે સમયે કાલ સોમાણી ગ્રુપે રેકોર્ડબ્રેક $1.63 બિલિયનની બોલી લગાવીને ટીમમાં હિસ્સો ખરીદવા માટે સંમતિ સાધી હતી. આ સોદો 2026ની આઈપીએલ સીઝન બાદ પૂર્ણ થવાની ધારણા હતી. જોકે, અચાનક ગત રવિવારે જાહેરાત કરવામાં આવી કે મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ મનોજ બડાલેના ઈમર્જિંગ મીડિયા ગ્રુપ પાસેથી બહુમતી હિસ્સો ખરીદવા માટે નિશ્ચિત કરાર કરી લીધો છે. આ અણધારી જાહેરાતે સોમાણી ગ્રુપને ચોંકાવી દીધું છે.
"અમે સૌથી મજબૂત બોલી લગાવનાર હતા"
કન્સોર્ટિયમના ચાર મુખ્ય રોકાણકારો - કાલ સોમાણી, રોબ અને જોર્ડન વોલ્ટન તથા માઈકલ હેમ્પે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "છ મહિના લાંબી ચાલેલી આ પ્રક્રિયામાં અમે શરૂઆતથી અંત સુધી અગ્રણી બોલી લગાવનારા હતા. અમે NFL, MLB, EPL અને લા લિગા જેવી વૈશ્વિક સ્પોર્ટ્સ લીગમાં અનુભવ ધરાવતા માંધાતા રોકાણકારોનું ગ્રુપ બનાવ્યું હતું. અમારું લક્ષ્ય IPL ને નવી આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ પર લઈ જવાનું હતું. પ્રામાણિકતા અને સદ્ભાવના સાથે પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં અમને બાકાત રાખવા તે વાજબી સ્પર્ધા નથી." સોમાણી ગ્રુપે તે અહેવાલોને પણ સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફંડની અછતને કારણે તેમનો સોદો તૂટી ગયો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું જૂથ સંપૂર્ણ ભંડોળ સાથે તૈયાર હતું અને સોદો પૂર્ણ કરવા માટે સક્ષમ હતું.
મિત્તલ અને પૂનાવાલા પરિવારનો હવે ટીમ પર કબજો
બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના વર્તમાન મેનેજમેન્ટ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમાણી ગ્રુપના દસ્તાવેજોમાં કેટલીક ખામીઓ અને જટિલતાઓ જોવા મળી હતી, જેના કારણે મનોજ બડાલેના ગ્રુપે મિત્તલ અને પૂનાવાલા પરિવાર સાથે આગળ વધવાનું નક્કી કર્યું. નવા કરાર મુજબ, મિત્તલ પરિવાર ટીમમાં આશરે 75 ટકા જેટલો બહુમતી હિસ્સો ધરાવશે. પૂનાવાલા પરિવાર આશરે 18 ટકા હિસ્સા સાથે ભાગીદાર બનશે. જ્યારે બાકીનો આશરે 7 ટકા હિસ્સો હાલના રોકાણકારો ઈમર્જિંગ મીડિયા (મનોજ બડાલે) પાસે રહેશે.
શું રાજસ્થાન રોયલ્સનો સોદો કાનૂની ગૂંચમાં ફસાશે?
કાલ સોમાણી ગ્રુપના આ ગંભીર આક્ષેપો બાદ હવે એવી અટકળો તેજ બની છે કે શું આ મામલો કોર્ટ સુધી પહોંચશે? જો સોમાણી ગ્રુપ આ વેચાણ પ્રક્રિયાને કાનૂની પડકાર આપશે, તો રાજસ્થાન રોયલ્સની માલિકીનું ટ્રાન્સફર વિલંબમાં પડી શકે છે. હાલમાં તો મિત્તલ અને પૂનાવાલા પરિવાર નવી આશા સાથે ટીમનું સુકાન સંભાળવા તૈયાર છે, પરંતુ સોમાણી ગ્રુપના નિવેદને આ મલ્ટી-બિલિયન ડોલરના સોદા પર વિવાદના વાદળો ઘેરા કર્યા છે. આઈપીએલના ઈતિહાસમાં ટીમના વેચાણને લઈને સર્જાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ગણાઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.