IPL 2026: લખનઉ સુપર જાયન્ટ્સમાં મોટો ભડાકો
ઋષભ પંતે કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું, ટોમ મૂડીએ કરી પુષ્ટિ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Rishabh Pant Resign: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના પ્લેઓફની રોમાંચક મેચો વચ્ચે ક્રિકેટ જગતમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટમાં અત્યંત ખરાબ પ્રદર્શન બાદ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંતે ટીમનું સુકાન છોડી દીધું છે. શુક્રવારે ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ ચોંકાવનારા નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટે જણાવ્યું કે પંતે પોતે જ કેપ્ટનશીપની ફરજોમાંથી મુક્ત થવાની વિનંતી કરી હતી, જેને તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવી છે. શુક્રવાર, 29 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની બીજી ક્વોલિફાયર મેચ રમાય તે પહેલાં જ લખનઉ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મોટી જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
'નિર્ણય સરળ નહોતો': ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડી
લખનઉ સુપર જાયન્ટ્સના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ પંતના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "ઋષભે પોતે આ બાબતે ફ્રેન્ચાઇઝીનો સંપર્ક કર્યો હતો અને અમે તેના નિર્ણયને આદરપૂર્વક સ્વીકાર્યો છે. આવા કઠિન નિર્ણયો લેવા ક્યારેય સરળ નથી હોતા. કેપ્ટન તરીકે ઋષભે ડ્રેસિંગ રૂમમાં જે નેતૃત્વ અને સમર્પણ આપ્યું છે, તેના માટે અમે આભારી છીએ. અમારું સંપૂર્ણ ધ્યાન હવે ટીમના પુનર્નિર્માણ અને પ્રદર્શનમાં સુધારો કરવા પર કેન્દ્રિત છે." જોકે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી નવા કેપ્ટનના નામની જાહેરાત કરી નથી.
પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને ફેંકાયું લખનઉ
IPL 2026 ની આ સીઝન લખનઉ સુપર જાયન્ટ્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. ટીમ લીગ સ્ટેજની 14 મેચોમાંથી માત્ર 4 મેચ જ જીતી શકી હતી, જ્યારે 10 મેચોમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 8 પોઈન્ટ અને -0.740 ના અત્યંત નબળા રન રેટ સાથે લખનઉ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે એટલે કે 10મા સ્થાને રહ્યું હતું. આ ખરાબ પ્રદર્શનના કારણે સીઝનની મધ્યમાં જ પંતને કેપ્ટન પદેથી હટાવવાની અફવાઓ તેજ થઈ હતી, જેનો અંત હવે રાજીનામા સાથે આવ્યો છે.
પંત ફોર્મ અને દબાણ સામે ઝઝૂમ્યો
આ સીઝનમાં માત્ર ટીમ જ નહીં, પરંતુ ખુદ ઋષભ પંત પણ બેટ્સમેન અને કેપ્ટન તરીકે ખરાબ ફોર્મ અને સતત વધતા દબાણ સામે ઝઝૂમતો જોવા મળ્યો હતો. હવે ક્રિકેટ ગલીઓમાં એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું પંતે આ નિર્ણય સંપૂર્ણપણે સ્વેચ્છાએ લીધો છે, કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટના આકરા વલણ બાદ તેને આ પગલું ભરવા મજબૂર થવું પડ્યું છે. આગામી મેગા ઓક્શન પહેલા લખનઉની ટીમ હવે તદ્દન નવા નેતૃત્વ અને વ્યુહરચના સાથે મેદાનમાં ઉતરે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
ઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. નવેમ્બર 2024 ના મેગા ઓક્શન દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ તેને ₹27 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો હતો. આ જંગી ખરીદી બાદ, જાન્યુઆરી 2025 માં ફ્રેન્ચાઇઝી દ્વારા તેને સત્તાવાર રીતે ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, આટલી મોટી કિંમતે ટીમમાં આવેલા પંતની કેપ્ટનશીપ હેઠળ લખનઉનું પ્રદર્શન બંને સીઝનમાં ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ટીમ વર્ષ 2025 ની સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને રહી હતી, જ્યારે વર્તમાન 2026 ની સીઝનમાં વધુ કથળેલા પ્રદર્શન સાથે છેલ્લે એટલે કે 10મા સ્થાને ફેંકાઈ ગઈ હતી.
કેપ્ટન તરીકે ઋષભ પંત નિષ્ફળ
કેપ્ટન તરીકેના વ્યક્તિગત આંકડા પણ ઋષભ પંતની નિષ્ફળતાની કહાની રજૂ કરે છે. તેણે વર્ષ 2025 અને 2026 ની બંને સીઝન થઈને કુલ 28 મેચોમાં લખનઉનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ટીમ માત્ર 10 મેચમાં જીત મેળવી શકી હતી જ્યારે 18 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ, નેતૃત્વના મોરચે પંત ફ્રેન્ચાઇઝીની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહોતો. એક બેટ્સમેન તરીકે પણ પંત આ બંને વર્ષોમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. IPL 2025 ની સીઝનમાં તેનું પ્રદર્શન ખાસ કરીને ખરાબ રહ્યું હતું, જ્યાં તેણે 14 મેચોમાં માત્ર 24.33 ની નબળી સરેરાશથી 269 રન બનાવ્યા હતા. જ્યારે વર્તમાન IPL 2026 ની સીઝનની 14 મેચોમાં તેણે 138.05 ના સ્ટ્રાઇક રેટથી 312 રન જોડ્યા હતા, જે તેની ક્ષમતા વત્તા તેને મળેલી કિંમતની સરખામણીએ ઘણા ઓછા કહી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.