શું PCB ના ચીફ ભારત આવશે?
અમદાવાદમાં ICC ની હાઈપ્રોફાઈલ બેઠક, મોહસીન નકવીને પણ આમંત્રણ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
ICC Board Meeting Ahmedabad: IPL 2026ની ફિનાલેના અંતિમ સપ્તાહ દરમિયાન ક્રિકેટ જગતનું કેન્દ્રબિંદુ અમદાવાદ બનવા જઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈપ્રોફાઈલ બેઠકનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. શેડ્યૂલ અનુસાર, ICC ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી (CEC)ની 21 મેના રોજ એક વર્ચ્યુઅલ બેઠક યોજાશે, જેની પાછળથી 30 અને 31 મેના રોજ અમદાવાદમાં ICC બોર્ડની રૂબરૂ બેઠક મળશે. જોકે, આ પ્રતિષ્ઠિત બેઠક શરૂ થાય તે પહેલાં ક્રિકેટ વર્તુળોમાં સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવી આ બેઠકમાં ભાગ લેવા ભારત આવશે કે નહીં.
ભારત-પાક. સંબંધો અને મોહસીન નકવીની હાજરી પર અનિશ્ચિતતા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લાંબા સમયના ભૌગોલિક-રાજકીય તણાવપૂર્ણ સંબંધોને જોતાં મોહસીન નકવીની ભારત યાત્રા પર ભારે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. સામાન્ય પ્રોટોકોલ મુજબ, તમામ સભ્ય દેશોના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષો ICC બોર્ડની વાર્ષિક અને મહત્વની બેઠકોમાં રૂબરૂ હાજરી આપતા હોય છે. પરંતુ વર્તમાન રાજદ્વારી સંજોગો અને સુરક્ષાના કારણોસર, પાકિસ્તાની મીડિયા કે પીસીબી તરફથી હજુ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે નકવી અમદાવાદ આવશે કે પછી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકમાં જોડાશે.
એશિયા કપ ટ્રોફી વિવાદ અને BCCI-PCB વચ્ચેનો ગજગ્રાહ
મોહસીન નકવી ગયા વર્ષે એશિયા કપ ટ્રોફીના વિતરણ દરમિયાન થયેલા એક મોટા વિવાદના કારણે ભારે ચર્ચામાં રહ્યા હતા. એશિયા કપમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ હોવા છતાં, પીસીબી અધ્યક્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સત્તાવાર ટ્રોફી અને મેડલ એનાયત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજેતા ભારતની આ ટ્રોફી હજુ પણ દુબઈમાં આવેલી પીસીબીની ઓફિસમાં રાખવામાં આવી છે. મોહસીન નકવીએ આ મામલે બીસીસીઆઈ સમક્ષ માફી માંગવાનો પણ સાફ ઈનકાર કર્યો હતો અને આડોડાઈ કરતાં એવી માંગ કરી હતી કે ભારતીય ટીમે પોતે દુબઈ આવીને આ ટ્રોફી લઈ જવી પડશે. આ અહંકારી વલણના કારણે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી ગઈ હતી. જોકે, બીસીસીઆઈએ આ સમગ્ર મામલો આઈસીસી સમક્ષ સત્તાવાર રીતે ઉઠાવવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી.
26/11 હુમલા બાદ ક્રિકેટ સંબંધો ઠપ્પ, ક્રિકેટ પ્રેમીઓની નજર અમદાવાદ પર
વર્ષ 2008માં મુંબઈમાં થયેલા 26/11ના ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો કાપી નાખ્યા છે અને ભારતીય ટીમે ત્યારથી પાકિસ્તાનનો કોઈ પ્રવાસ કર્યો નથી. ભારતીય ટીમ માત્ર આઈસીસી (ICC) ટૂર્નામેન્ટ્સ અથવા એશિયા કપ જેવી મલ્ટિ-નેશનલ સ્પર્ધાઓમાં જ તટસ્થ સ્થળો (ન્યૂટ્રલ વેન્યૂ) પર પાકિસ્તાન સામે મેચ રમે છે. આવી સ્થિતિ વચ્ચે, અમદાવાદમાં યોજાનારી આ બેઠકને લઈને વૈશ્વિક ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે. ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો એ જોવા માટે આતુર છે કે આઈસીસીના મંચ પર ભારત-પાકિસ્તાન વચ્ચેના આ વણસેલા ક્રિકેટ વિવાદ પર કોઈ નક્કર ચર્ચા થાય છે કે પછી આ ગજગ્રાહ યથાવત્ રહે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.