સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન
"દબાણ એક વિશેષાધિકાર છે..."

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Virat Kohli: ક્રિકેટમાં કહેવત છે કે ‘ફોર્મ ટેમ્પરરી છે, પણ ક્લાસ પરમેનન્ટ છે.’ આ ઉક્તિને ફરી એકવાર સાચી સાબિત કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આઈપીએલ (IPL) માં શાનદાર વાપસી કરી છે. સતત બે મેચમાં શૂન્ય રન (ડક) પર આઉટ થયા બાદ ચોતરફથી ટીકાઓનો સામનો કરી રહેલા કોહલીએ રાયપુરના મેદાન પર પોતાના બેટથી સણસણતો જવાબ આપ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી રોમાંચક મેચમાં વિરાટે અણનમ સદી ફટકારીને પોતાની ટીમને એક યાદગાર જીત અપાવી છે. આ જીત સાથે જ RCB પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.
ધોની અને રોહિતને પછાડી બન્યો નવો ‘કિંગ’
આ મેચ વિરાટ કોહલી માટે માત્ર સદીના કારણે જ નહીં, પરંતુ એક ઐતિહાસિક રેકોર્ડના કારણે પણ યાદગાર બની ગઈ છે. વિરાટ કોહલી પોતાની 279મી IPL મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો. આ સાથે જ તે એમએસ ધોની અને રોહિત શર્માને પાછળ છોડીને આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. આ ઐતિહાસિક પળને તેણે પોતાની આઈપીએલ કરિયરની 9મી સદી ફટકારીને વધુ ખાસ બનાવી દીધી હતી.
‘છેલ્લા બે મેચની નિષ્ફળતા મને અંદરથી ખાઈ રહી હતી’
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં વિરાટ કોહલીએ પોતાના મનની વાત ખુલ્લેઆમ શેર કરી હતી. તેણે સ્વીકાર્યું કે, "જ્યારે હું છેલ્લી બે મેચમાં રન ન બનાવી શક્યો, ત્યારે તે બાબત મને અંદરથી ખાઈ રહી હતી. હું જાણતો હતો કે હું બોલને સારી રીતે હિટ કરી રહ્યો છું, છતાં ઇનિંગ્સ મોટી નહોતી થઈ રહી. જ્યારે તમે ટીમ માટે પ્રદાન ન કરી શકો ત્યારે ભારે નિરાશા થાય છે." રસપ્રદ વાત એ છે કે, જ્યારે વિરાટ કોહલી 98 રનના વ્યક્તિગત સ્કોર પર હતો, ત્યારે કાર્તિક ત્યાગીની 18મી ઓવરમાં ગગનચુંબી છગ્ગો ફટકારીને તેણે અનોખા અંદાજમાં મેદાન પર જ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. સતત બે ડક બાદ આ મેચમાં જ્યારે તેણે પોતાનો પહેલો રન બનાવ્યો ત્યારે પણ તેના ચહેરા પર એક અલગ જ રાહત અને ખુશી જોવા મળી હતી.
'દબાણ એક વિશેષાધિકાર છે અને વાપસીની તક છે'
પોતાની માનસિક મક્કમતા વિશે વાત કરતા કોહલીએ જણાવ્યું કે, નિષ્ફળતાઓ જ માણસને મજબૂત બનાવે છે. જો બે મેચ ખરાબ જાય તો ગભરાટ થવો સ્વાભાવિક છે, પરંતુ તે જ ગભરાટ તમને નેટ્સમાં વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. તેણે ઉમેર્યું, "લોકો સાચું જ કહે છે કે દબાણ એક વિશેષાધિકાર (Privilege) છે. આ સારું દબાણ તમને હંમેશા નમ્ર રાખે છે, ધ્યાન કેન્દ્રિત રાખે છે અને તમારી રમતને આગલા સ્તર પર લઈ જાય છે. મને બેટિંગ પ્રત્યે અતૂટ પ્રેમ છે અને જ્યાં સુધી રમું છું ત્યાં સુધી મારું સર્વસ્વ મેદાન પર આપતો રહીશ."
કેપ્ટન રજત પાટીદાર પણ ગદગદિત
બીજી તરફ, વિરાટની આ ધમાકેદાર ઇનિંગ્સ અને ટીમની જીતથી આરસીબીબો કેપ્ટન રજત પાટીદાર અત્યંત ખુશ દેખાતો હતો. પાટીદારે જણાવ્યું કે, "ટીમ માટે આ ખૂબ જ શાનદાર ક્ષણ છે. કિંગ કોહલીની આ ઇનિંગ્સે ટીમમાં નવો આત્મવિશ્વાસ ફૂંક્યો છે. કેકેઆર જેવી મજબૂત ટીમને 192 રન સુધી મર્યાદિત રાખવી અને પછી આસાનીથી ટાર્ગેટ ચેઝ કરવો તે દર્શાવે છે કે અમારી ટીમ યોગ્ય દિશામાં જઈ રહી છે." વિરાટ કોહલીની આ ઇનિંગ્સ માત્ર એક સદી નહોતી, પરંતુ દબાણની સ્થિતિમાં કેવી રીતે શાંત રહીને સામ્રાજ્ય ઊભું કરી શકાય તેનો ઉત્કૃષ્ટ નમૂનો હતો. વિરાટે સાબિત કરી દીધું છે કે વાપસી કેવી રીતે કરાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.