બિલેશ્વર મહાદેવ મંદિરમાં કેમ બહાર બિરાજે છે નંદી?
પોરબંદરમાં આવેલું 1300 વર્ષ જૂનું બિલેશ્વર મહાદેવ મંદિર તેની ઐતિહાસિક કથાઓ માટે જાણીતું
બિલેશ્વર મહાદેવ મંદિર
બિલેશ્વર મહાદેવ મંદિર
ભારતમાં અનેક શિવ મંદિરો આવેલા છે, જેમાંથી એક વિશેષ સ્થાન પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલા બિલેશ્વર ગામના પૌરાણિક બિલેશ્વર મહાદેવ મંદિરનું છે. બિલ્વગંગા નદીના કિનારે આવેલું આ સ્વયંભૂ શિવલિંગ આશરે 1300 વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ રાજસ્થાનના બુંદાકોટી શહેરના રાજા સુરજમલ હાડાએ કરાવ્યું હતું.
એવી પૌરાણિક માન્યતા છે કે, આ શિવલિંગની પ્રથમ પૂજા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પુત્ર પ્રાપ્તિ માટે કરી હતી. તેમણે સવા લાખ કમળ ચઢાવીને પૂજા કરી હતી, અને જ્યારે એક કમળ ઓછું પડ્યું, ત્યારે તેઓ પોતાની આંખ અર્પણ કરવા તૈયાર થયા હતા. આ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રીકૃષ્ણને પુત્રપ્રાપ્તિ સહિત અનેક વરદાનો આપ્યા. આ પૂજા દરમિયાન શુદ્ધ જળ માટે ગંગા માતા પ્રગટ થયા હતા, તેથી આજે પણ શિવલિંગની પાછળ ગંગા અને પાર્વતી માતા બિરાજમાન છે.
આ મંદિરની એક અનોખી વિશેષતા એ છે કે, દરેક શિવ મંદિરમાં નંદી મહારાજ શિવની નજીક બિરાજમાન હોય છે, જ્યારે અહીં વિશાળકાય નંદી શિવાલયની બહાર ઊંચા ઓટલા પર બિરાજે છે. આ પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. જ્યારે મહમદ ગઝની સોમનાથ સહિતના શિવાલયો તોડીને આ મંદિરે પહોંચ્યો, ત્યારે શિવના આદેશથી નંદીએ પોતાના મુખમાંથી હજારો ભમરાઓ કાઢીને તેના લશ્કરને ભગાડ્યું હતું. આ ઘટના બાદ નંદી અહીં મંદિરની બહાર જ બિરાજે છે, અને એવી માન્યતા છે કે, નંદીની 4 પ્રદક્ષિણા કરીને તેમના કાનમાં પ્રાર્થના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત, મંદિરના ગર્ભગૃહમાં 1865માં પોરબંદર અને જામનગરના મહારાજા દ્વારા વિશ્વ શાંતિ માટે મૂકવામાં આવેલી 2 અખંડ જ્યોત પણ અવિરત પ્રજ્વલિત છે.
મંદિરના પરિસરમાં ધનકેશ્વર મહાદેવનું એક અનોખું મંદિર પણ આવેલું છે. તેનું નિર્માણ બિલેશ્વર મંદિરના નિર્માણ બાદ વધેલા સોના-ચાંદીના આભૂષણો અને પૈસાથી થયું હતું, તેથી તેનું નામ ધનકેશ્વર પડ્યું. સામાન્ય રીતે શિવ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો નથી, પરંતુ બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પ્રથમ પૂજા થઈ હોવાથી દર શ્રાવણ વદ આઠમે અહીં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે.
રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ બાદ મહાદેવની આરતી કરવામાં આવે છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીં ભવ્ય લોકમેળો ભરાય છે, જેમાં હજારો શિવભક્તો ઉમટી પડે છે. આ પૌરાણિક બિલેશ્વર મહાદેવ મંદિર ગુજરાત સરકાર દ્વારા પૌરાણિક રક્ષિત સ્મારક તરીકે પણ જાહેર કરાયું છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર