ત્રિદેવના અંશાવતાર: ભગવાન દત્તાત્રેય
ભગવાન દત્તાત્રેય મહાસતી અનસૂયા અને મહર્ષિ અત્રિના પુત્ર છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું

ભગવાન દત્તાત્રેય

ભગવાન દત્તાત્રેય
વૈદિક કાળના સપ્ત ઋષિઓમાંના એક મહર્ષિ અત્રિ અને કર્દમકન્યા મહાસતી અનસૂયાના પુત્ર તરીકે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. આ ઋષિ દંપતીનું જીવન અત્યંત સાત્ત્વિક અને તેજસ્વી હતું. અત્રિ ત્રિગુણ (સત્ત્વ, રજ, તમ)થી પર હતા, જ્યારે અનસૂયાને સ્ત્રીસહજ ઈર્ષ્યા ક્યારેય સ્પર્શી શકી ન હતી. એકવાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સંન્યાસીના રૂપમાં મહાસતી અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા માટે તેમના આશ્રમમાં ઉપસ્થિત થયા. તેમણે અનસૂયાને એવી શરત મૂકી કે, જો તે નિ:વસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપશે, તો જ તેઓ ભિક્ષા ગ્રહણ કરશે. ધર્મસંકટની આ સ્થિતિમાં, અનસૂયા એ પ્રભુસ્મરણ અને પોતાના તપના પ્રભાવથી તે ત્રિદેવને નાના બાળકો બનાવી દીધા. તેમણે માતૃરૂપ ધારણ કરીને નિર્વસ્ત્ર અવસ્થામાં ત્રણેય દેવતાઓને સ્તનપાન કરાવ્યું અને સંતુષ્ટ કર્યા.
માતા અનસૂયાએ માંગ્યું વરદાન
ત્રણેય દેવોએ પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહ્યું, ત્યારે અનસૂયા એ વિનંતી કરી કે, તમે ત્રિદેવ મારા પુત્ર તરીકે જન્મ લો. આ વિનંતીના ફળ સ્વરૂપે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશાવતારરૂપે બાળકનો જન્મ થયો, જે 'દત્ત' કહેવાયા. તેઓ અત્રિ ઋષિના ગુણસંપન્ન સંતાન હોવાથી 'આત્રેય' કહેવાયા. આમ, તેમનું નામાભિધાન 'ભગવાન દત્તાત્રેય' થયું. ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ ત્રિમૂર્તિ સ્વરૂપ ગણાય છે, જેમાં સર્જન કરનાર બ્રહ્મા, પાલન કરનાર વિષ્ણુ અને નાશ કરનાર શિવની શક્તિરૂપ ગુણો છે. પ્રતિ વર્ષ માગશર સુદ પૂનમના દિવસે તેમની જન્મજયંતિ ભક્તિભાવથી ઉજવાય છે.
આ પણ વાંચો: માર્ગશીર્ષ પૂર્ણિમા: શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
દત્તાત્રેયનું સ્વરૂપ અને પ્રતીકાત્મક મહત્ત્વ
ભગવાન દત્તાત્રેયના હાથમાં રહેલા પ્રતીકો ભારતીય અધ્યાત્મનો ઊંડો સાર દર્શાવે છે. તેમના હાથમાં સર્જક દેવ બ્રહ્માનાં કમંડળ અને માળા છે. કમંડળનું પાણી જીવનનું પ્રતીક છે અને જીવનને પ્રાણવાન બનાવવા માટે માળા ભક્તિનું પ્રતીક છે. પાલકદેવ વિષ્ણુ પ્રદત્ત શંખ અને ચક્રનો ભાવાર્થ એ છે કે, તેજસ્વી વિચારોનો શંખની જેમ ઉદ્ઘોષ કરી, તેને ચક્રની જેમ જગતમાં ફેલાવી શ્રેયનો માર્ગ પ્રાપ્ત કરવો. શિવના ત્રિશૂળ અને ડમરું જીવનમાં સંહાર અને નવસર્જનનું સંગીત દર્શાવે છે. ભગવાન દત્તાત્રેયના સ્વરૂપમાં ગાય, કૂતરાઓ અને પક્ષીઓ વગેરે જોવા મળે છે, જે પ્રકૃતિ સાથેનું સહચાર્ય, વફાદારી અને પશુઓનું લાલનપાલન કરીને પુણ્ય કમાવવાનો સંદેશ આપે છે.
ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ
ભગવાન દત્તાત્રેયની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે, તેમણે સર્વ તત્ત્વોમાંથી શિક્ષા મેળવી અને તેમને 24 ગુરુઓ તરીકે સ્થાપિત કર્યા. આ સૂચવે છે કે, જ્ઞાન કોઈ એક વ્યક્તિ પૂરતું સીમિત નથી અને જ્યાંથી કંઈ શીખવાનું મળે તેનું સન્માન કરવું જોઈએ. તેમના મુખ્ય ગુરુઓ અને તેમાંથી મળેલા અમૂલ્ય જીવનસૂત્રો નીચે મુજબ છે.
પૃથ્વી: તેમણે પૃથ્વી પાસેથી સહનશીલતા અને પરોપકારની ભાવના શીખી.
સૂર્ય: સૂર્ય એક હોવા છતાં અનેક રૂપમાં દેખાય છે, તેમાંથી આત્માની સમદ્રષ્ટિનો પાઠ શીખવા મળ્યો.
વાયુ: સારી કે ખરાબ જગ્યાએ ગયા પછી પણ વાયુની જેમ મૂળ સ્વરૂપ સ્વચ્છ જ રાખવું જોઈએ.
સમુદ્ર: જીવનના ઊતાર-ચઢાવમાં પણ ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.
અગ્નિ: અગ્નિની જેમ ગમે તેવી પરિસ્થિતિઓમાં ઢળી જવું અને દરેક સ્થિતિમાં એકસમાન રહેવું.
ચંદ્ર: ઘટવા-વધવા છતાં ચંદ્રની જેમ આત્મા લાભ-હાનિથી પર હોય છે.
અજગર: સંતોષી બનવું અને જે મળી જાય તેનો ખુશીથી સ્વીકાર કરવો.
ભમરો: જ્યાં પણ સાર્થક વાત શીખવા મળે, તેને ગ્રહણ કરી લેવી જોઈએ.
પતંગિયું/માછલી: રૂપ-રંગના આકર્ષણ અને સ્વાદના લોભમાં ગૂંચવાવું ન જોઈએ.
કુંવારી કન્યા: કન્યાએ જેમ બંગડીઓનો અવાજ ટાળવા એક જ બંગડી રાખી, તેમ શાંત રહીને એકલા કામ કરતાં રહેવું જોઈએ.
બાળક: નાના બાળક પાસેથી હંમેશાં ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવું તે શીખ મળી.
કુતરૂં: વસ્તુઓ પાસે રાખવાનું છોડવું જોઈએ, કારણ કે આસક્તિ દુઃખનું કારણ બને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.