સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધુ છે. ભાજપે સ્થાનિક સ્વરાજની 215 બેઠકો બિનહરીફ કરાવીને પ્રથમ તબક્કાનો જંગ જીતી લીધો છે. વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય રૂપાણી સરકારે 77 ટકા બેઠકો જીતી હતી. ત્યારે કોઈપણ પ્રકારના રાજકીય કે કર્મચારી આંદોલન વગર ભૂપેન્દ્ર પટેલ સરકાર વિજય રૂપાણીનો બેઠકો જીતવાનો રેશિયો જાળવી શકશે કે કેમ તેની રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા શરૂ થઈ છે. ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે લીટમસ ટેસ્ટ સાબિત થશે.
વર્ષ-2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણી સરકારે કુલ 8809 બેઠકોમાંથી 6490 બેઠકો જીતી હતી. એટલે કે 77 બેઠકો ભાજપે જીતી હતી. 6 મહાનગરપાલિકાની 575 બેઠકોમાંથી 482 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 955 બેઠકોમાંથી 775 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4654 બેઠકોમાંથી 3240 બેઠકો અને 81 નગરપાલિકાની 2625 બેઠકોમાંથી 1993 બેઠકો ભાજપે જીતી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 1858 બેઠકો જીતી શક્યુ હતુ. આમ આદમી પાર્ટીએ 69 બેઠકો મેળવી હતી. જ્યારે 290 બેઠકો પર અપક્ષો મેદાન મારી ગયા હતા.
મહાનગરપાલિકામાં ભાજપને 52.90 ટકા મત સાથે 84 ટકા બેઠકો, જિલ્લા પંચાયતમાં 52.88 ટકા મત સાથે 81 ટકા બેઠકો, તાલુકા પંચાયતમાં 51.20 ટકા મત સાથે 70 ટકા બેઠકો અને નગરપાલિકામાં 52.52 ટકા મત સાથે 76 ટકા બેઠકો મળી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડેલાં 1.81 કરોડ મતમાંથી ભાજપને 95.82 લાખ કરતાં વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને માત્ર 48.45 લાખ મત મળ્યા હતા. વર્ષ 2015માં પાટીદાર અનામત સહિતના આંદોલનોના કારણે ગુમાવેલી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.
વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આનંદીબેન પટેલની ભાજપ સરકારમાં પાટીદાર સહિતના સમાજના લોકોએ સરકાર વિરૂદ્ધ છેડેલા આંદોલનથી ભાજપે 31 માંથી 23 જિલ્લા પંચાયત, 231 માંથી 165 તાલુકા પંચાયત અને 56 માંથી 12 નગરપાલિકા ગુમાવવી પડી હતી.
આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે અનુકૂળ પરિસ્થિતિ છે. હાલમાં કોઈપણ પ્રકારનું આંદોલન કે સરકાર વિરોધી ચળવળ નહિવત છે. તેવા સમયે ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે વિધાનસભા અને લોકસભા વખતે મેળવેલો જનાધાર સાચવી રાખવો જરૂરી બન્યો છે. જો કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ ખૂલીને બહાર આવ્યો છે. ભાજપના આંતરિક વિખવાદની અસર ચૂંટણી ઉપર થાય તો ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે વિજય રૂપાણી સરકારે 77 ટકા બેઠકો જીતવાનો કરેલો રેશિયો જાળવવો મુશ્કેલ બની શકે તેમ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે કોઈ અડચણ ન આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ રસપ્રદ બને તેવી શક્યતા છે.