AAP-કોંગ્રેસના 5,588 ઉમેદવારોની ડિપોઝીટ થઈ ડૂલ
ભાજપનો વોટ શેર વર્ષ 2021ની સરખામણીએ 2.01 ટકા વધીને 54.70 ટકાએ પહોંચ્યો, સ્ટ્રાઈક રેટ ઘટ્યો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની તાજેતરની ચૂંટણીમાં ભાજપે ફરીથી મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આ વખતે ભાજપનો કુલ વોટશેર 54.70 ટકા સુધી પહોંચ્યો છે. જે વર્ષ 2021ની સરખામણીમાં 2.01 ટકા વધારો દર્શાવે છે. ભાજપનો સ્ટ્રાઈક રેટ થોડો ઘટ્યો છે. તેમ છતાં બેઠકોની સંખ્યામાં ભાજપ આગળ રહ્યું છે.
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની તાજેતરમાં ચૂંટણી સંપન્ન થઈ છે. કુલ 10,005 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 7,502 બેઠકો જીતીને દબદબો યથાવત રાખ્યો છે. જ્યારે ગત ટર્મની ચૂંટણી કરતાં વોટ શેર પણ વધ્યો છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. AAPના 5,269 ઉમેદવારોમાંથી 3,365 ઉમેદવારો એટલે કે લગભગ 68.86 ટકા ઉમેદવારો પોતાના વિસ્તારમાં કુલ મતના ચોથા હિસ્સા જેટલા મત પણ મેળવી શક્યા નથી. જેના કારણે તેમની ડિપોઝીટ જપ્ત થઈ છે.
જ્યારે કોંગ્રેસે 8,441 બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા હતા. તેમાંથી 1,703 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કુલ 6,218 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે. આ પ્રમાણ આશરે 73.67 ટકા થાય છે. આ ચૂંટણીમાં ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે આદિવાસી વિસ્તારોમાં AAPએ કોંગ્રેસની પરંપરાગત મતબેંકમાં આશરે 1.66 ટકા સુધીનું ગાબડું પાડ્યું છે.
ગત ચૂંટણીની તુલનામાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 92.83 ટકાથી ઘટીને 89.82 ટકા થયો છે. નવી મનપાની રચના બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ સહન કરવું પડ્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લા પંચાયત, 31 તાલુકા પંચાયત અને આઠ નગરપાલિકા ભાજપના હાથમાંથી સરકી ગઈ છે.
મજબૂત નેતાગીરીનો અભાવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિ પસંદ કરી છે. જેના પગલે 'પરિવર્તન'ના વાયદા કરનાર આપના ઝાડુના સળિયા વિખેરાઈ ગયા છે. તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદ ચરમસીમાએ છે. કેટલાક નેતા ભાજપની બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે. કોંગ્રેસને સત્તા પર આવવાનો ઉમળકો અને હોંશ નથી પણ ભાજપના સાથેની રાજકીય ભાઇબંધીને લીધે બધું મેળાપીપણું ચાલી રહ્યું છે. મજબૂત નેતાગીરી ઉભરી શકી નથી. જેથી ગુજરાતના મતદારો પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. નબળા વિપક્ષને કારણે ગુજરાતમાં ભાજપનો જયજયકાર છે. કોંગ્રેસને હવે પરાજય જાણે કોઠે પડી ગયો છે.
ભાજપની રણનીતિ સામે વિપક્ષ ભોંય ભેગો
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની ચૂંટણી રણનીતિ અને પ્રચાર સામે આપ અને કોંગ્રેસ ટકી શક્યા નહી. મતદારોને રિઝવવામાં બંને પક્ષો નબળા સાબિત ઠર્યા. પરિણામે પાંચ હજારથી વધુ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ. ચૂંટણી મેદાને ડિપોઝીટ જપ્ત થવી એ ઉમેદવાર અને રાજકીય પક્ષ માટે ચિંતાનો વિષય છે.
ડિપોઝિટ ક્યારે જપ્ત થાય?
રાજ્ય ચૂંટણી પંચનો નિયમ છે કે કોઈ ઉમેદવારને કુલ માન્ય મતોના 1/6 ભાગ (અંદાજે 16.66%) કરતા ઓછા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાંચ હજારથી વધુ ઉમેદવાર 10 ટકા મતોનો આંકડો પણ સ્પર્શી શક્યા નથી. ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતાં આપ અને કોંગ્રેસની આબરૂના ધજાગરા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.