Shankersinh Vaghela Triggers Row Over Caste Remarks: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં વિવાદ સર્જાયો છે. 2 ઓક્ટોબરે વન અધિકાર સત્યાગ્રહ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓના અધિકાર, અનામત, સરકાર અને અલગ ભીલિસ્તાનના મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ કરીને તેમણે કરેલી ટિપ્પણી સામે વિવિધ સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે.
‘અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે’
નર્મદાના સાગબારાના ખોપી ગામે વન અધિકાર સત્યાગ્રહમાં શંકરસિંહ વાઘેલાએ અનામતના મુદ્દે કહ્યું હતું, “અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે.” આગળ તેમણે કહ્યું હતું, “હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો.” શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે. બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનોએ નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે અને માફીની માંગ કરી છે.
‘આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો’: શંકરસિંહ વાઘેલા
વન અધિકાર સત્યાગ્રહ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જંગલની જમીનના સાચા માલિક આદિવાસીઓ છે. આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલી કાઢવી જોઈએ. તેમણે ખેડૂતોના આગેવાનોને આગામી દિવસોમાં બળદગાડા સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવાની અપીલ કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું, “આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો.”
તેમણે આગળ કહ્યું હતું કે અમે અલગ ભીલિસ્તાન રાજ્યનું સમર્થન જાહેર કરીએ છીએ. આદિવાસીઓ અલગ ભીલિસ્તાન બનાવે એમાં મારું પૂરેપૂરું સમર્થન છે. વાઘેલાએ આદિવાસી સમાજની સ્થિતિ અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આખી દુનિયાને ખબર છે કે સૌથી દુઃખી સમાજ આદિવાસી સમાજ છે. તેમણે દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને અનામતના દુશ્મન ગણાવ્યા હતા.
યજ્ઞેશ દવેનો વળતો પ્રહાર, ‘શરૂઆત પોતાના ઘરથી કરો’
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવેએ વિરોધ નોંધાવ્યો હતો. યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, “મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ.” યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા શરૂઆતથી જ વિવાદિત નિવેદનો અને કાર્યો કરવા માટે ટેવાયેલા છે. તેમના જણાવ્યા મુજબ, ભારતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા વર્ષો પહેલા જ નાબૂદ થઈ ચૂકી છે. તેમણે કહ્યું હતું કે જે સમાજ આ કામ કરતો હતો તેમને સન્માનભેર જીવવા માટે અગાઉની અને વર્તમાન સરકારોએ અનેક કાર્યો કર્યા છે. યજ્ઞેશ દવેએ આક્ષેપ કર્યો હતો કે માત્ર રાજકીય માઇલેજ લેવા માટે કોમ-કોમ કે ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે બાપુએ કંઈ પણ બોલતા પહેલા વિચારવું જોઈએ કે રાજકીય લાભ ખાતર સમાજને ન છંછેડાય.
‘પોતાના સમાજને કેમ બાકાત રાખ્યો?’ યજ્ઞેશ દવેનો સવાલ
યજ્ઞેશ દવેએ સવાલ ઉઠાવ્યો કે માત્ર ત્રણ સમાજ, પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા? તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા પોતે ક્ષત્રિય છે અને સવર્ણ સમાજમાંથી આવે છે, તો તેમણે પોતાના સમાજનું નામ કેમ ન લીધું? યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલો દર્શાવે છે કે શંકરસિંહ વાઘેલા માત્ર વિવાદ ઊભો કરવા માંગે છે. તેમણે કહ્યું કે બ્રહ્મ સમાજ કે અન્ય કોઈ સમાજને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવશે તો બ્રહ્મ સમાજ તે સાંખી લેશે નહીં.
અલ્પેશ કથીરિયાએ પણ નિવેદનનો વિરોધ કર્યો
ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પણ શંકરસિંહ વાઘેલાના નિવેદનનો સખત વિરોધ કર્યો છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે તેમની ઉંમર અને પરિપક્વતાની તદ્દન વિરુદ્ધ આ પ્રકારનું નિવેદન છે. તેમના જણાવ્યા મુજબ, જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરઝેર ફેલાવતી અને ₹50,000 આપીને મેલું ઉપાડવાની વાતો કોઈ ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે કરવામાં આવી છે. કથીરિયાએ કહ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાને આવા નિવેદનો માટે શરમ આવવી જોઈએ અને રાજનેતાઓએ આવી ખુશામતખોરીથી દૂર રહેવું જોઈએ.
‘લાગણી દુભાવવા બદલ શંકરસિંહ માફી માંગે’
અલ્પેશ કથીરિયાએ શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે માફી માંગવી જોઈએ તેવી સ્પષ્ટ માંગ કરી છે. તેમણે કહ્યું કે મોટા મંચ પરથી આવી વાતો કરવાથી સમાજના લોકોની લાગણીઓ દુભાય છે અને આ કોઈ એવી સામાન્ય વાત નથી જેને લોકો હસીને કાઢી મૂકે. કથીરિયાએ વધુમાં કહ્યું કે વડીલોએ આવા નિવેદનોથી બચવું જોઈએ અને તેમની ઉંમર પ્રમાણે કાં તો તેમણે મૌન રહેવું જોઈએ અથવા તો ન બોલવું જોઈએ.
દિનેશ બાંભણિયાએ પણ વિરોધ નોંધાવ્યો
શંકરસિંહ વાઘેલાના નિવેદન પર બ્રહ્મ સમાજ બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદનને વખોડ્યું છે. તેમણે આ પ્રકારની ટિપ્પણીને સમાજો વચ્ચે વર્ગવિગ્રહ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. દિનેશ બાંભણિયાએ આ મુદ્દે કાયદાકીય લડત લડવાની પણ ચીમકી આપી હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે નિવેદનથી રાજકીય ગરમાવો
શંકરસિંહ વાઘેલાના આ નિવેદન એવા સમયે સામે આવ્યા છે જ્યારે ગુજરાતના રાજકીય વર્તુળોમાં તેમની કોંગ્રેસમાં સંભવિત વાપસી અંગે ચર્ચા ચાલી રહી છે. 2 ઓક્ટોબરના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે યોજાયેલા વન અધિકાર સત્યાગ્રહમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરી વચ્ચે વાઘેલાએ આદિવાસી હકો અને સરકાર સામેના આંદોલન અંગે વાત કરી હતી. એક તરફ વાઘેલા આદિવાસી સમાજના અધિકાર, અનામત અને જંગલ જમીનના હકોના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજના આગેવાનો તેમની એક ચોક્કસ ટિપ્પણી સામે વિરોધ કરી રહ્યા છે. હવે શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદન અંગે કોઈ સ્પષ્ટતા કરે છે કે માફી માંગે છે કે નહીં, તેના પર રાજકીય અને સામાજિક વર્તુળોની નજર રહેશે.