રાજપીપળા નગરપાલિકામાં ચીફ ઓફિસર મુદ્દે સાંસદનો રોષ
કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતા વિકાસ અટક્યો, ભાજપ પદાધિકારીઓને મનસુખ વસાવાનો પત્ર

સાંસદ મનસુખ વસાવા અને તેમણે ધારાસભ્ય દર્શના દેશમુખને પાઠવેલો પત્ર

સાંસદ મનસુખ વસાવા અને તેમણે ધારાસભ્ય દર્શના દેશમુખને પાઠવેલો પત્ર
નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતા વહીવટી કામગીરી અને વિકાસકામો ઠપ્પ થઈ ગયા હોવાનો મુદ્દો હવે રાજકીય ગરમાવો પકડી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ભાજપના જ સ્થાનિક પદાધિકારીઓને પત્ર લખી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતા વિકાસકામો ઠપ્પ થઈ ગયા છે. આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના સ્થાનિક પદાધિકારીઓને પત્ર લખીને ગંભીર આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યને પત્ર લખીને સંગઠન અને વહીવટ વચ્ચેના તાલમેલના અભાવ પર આકરા પ્રહારો કર્યા છે.
સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, અગાઉ રાજપીપળાના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરાવાઈ હતી. હવે જ્યારે આખા ગુજરાતમાં બદલીઓ થઈ ત્યારે રાજપીપળામાં કાયમી અધિકારી કેમ નહીં? તેમણે આક્ષેપ કર્યો કે લોકચર્ચા મુજબ, નગરપાલિકાના મહિલા પ્રમુખનો વહીવટ ખરાબ દેખાય તેવા ઈરાદાથી જ નવો ઓફિસર મૂકવામાં આવતો નથી.
સાંસદે પત્રમાં જણાવ્યું છે કે ચીફ ઓફિસરની સહી વગર અનેક વિકાસ યોજનાઓ અટકી પડી છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના નિયમોના કારણસર કરોડો રૂપિયાના બ્રિજ અને રોડ પ્રોજેક્ટો અટવાયા છે, જેનો ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો. આ બાબતે સરકારમાં અસરકારક રજૂઆત ન થવી એ સંગઠન અને વહીવટ વચ્ચેના સંકલનના અભાવને દર્શાવે છે.
મનસુખ વસાવાએ આગ્રહ કર્યો છે કે આવનારી ચૂંટણીઓ પહેલા રાજપીપળા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક માટે સરકાર પર દબાણ બનાવવું જરૂરી છે. જો સમયસર નિર્ણય નહીં લેવાય તો નગરજનોની સુવિધાઓ પર ગંભીર અસર પડશે અને વિકાસકામો માત્ર ફાઈલોમાં જ સીમિત રહી જશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી છે.
આ પત્ર બાદ જિલ્લા ભાજપના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને હવે સરકાર આ મુદ્દે શું પગલું લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?