BJP-Akali Dal Alliance 2027: પંજાબના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો રાજકીય વળાંક આવવાની શક્યતા છે. છ વર્ષ પહેલાં કૃષિ કાયદાના વિરોધમાં એકબીજાથી અલગ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) ફરી એકવાર સાથે આવવાની તૈયારીમાં છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાતને લઈને રાજકીય હલચલ તેજ બની છે. દિલ્હીમાં યોજાનારી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ હાજર રહેવાના છે. આ સંભવિત ગઠબંધન પંજાબના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. ચર્ચા મુજબ, 117 બેઠકો ધરાવતી પંજાબ વિધાનસભામાં ભાજપ આશરે 45 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
6 વર્ષ જૂનો વિવાદ ભૂલી ફરી સાથે આવશે ભાજપ અને અકાલી દળ?
ભાજપ અને શિરોમણી અકાલી દળ લાંબા સમય સુધી પંજાબના રાજકારણમાં એકબીજાના સાથી રહ્યા હતા. બંને પક્ષોએ 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. વર્ષ 2019 સુધી બંને પક્ષો રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)નો ભાગ રહ્યા હતા. પરંતુ 2020માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ ઊભા થયા હતા. ખેડૂત આંદોલન દરમિયાન અકાલી દળે NDAમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. પક્ષના નેતા હરસિમરત કૌર બાદલે પણ કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી બંને પક્ષો અલગ-અલગ રાજકીય રસ્તે આગળ વધી રહ્યા હતા. હવે 2027ની ચૂંટણી પહેલાં ફરી ગઠબંધનની ચર્ચાએ પંજાબના રાજકારણમાં ગરમાવો વધાર્યો છે. બંને પક્ષો માટે આ જોડાણ રાજકીય રીતે કેટલું ફાયદાકારક સાબિત થશે તે આગામી ચૂંટણીમાં સ્પષ્ટ થશે.
2022ની ચૂંટણીમાં બંને પક્ષોની સ્થિતિ કેવી હતી?
2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ 117માંથી 92 બેઠકો જીતીને જંગી બહુમતી સાથે સરકાર બનાવી હતી. પાર્ટીને આશરે 42 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસ 18 બેઠકો અને લગભગ 23 ટકા મત સાથે બીજા સ્થાને રહી હતી. બીજી તરફ, શિરોમણી અકાલી દળે 97 બેઠકો પર ચૂંટણી લડી હોવા છતાં માત્ર 3 બેઠકો જીતી હતી. તેનો મત હિસ્સો આશરે 18.38 ટકા રહ્યો હતો. ભાજપે 73 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને માત્ર 2 બેઠકો જીતી હતી. ભાજપનો મત હિસ્સો આશરે 6.6 ટકા હતો. આ પરિણામો દર્શાવે છે કે અલગ-અલગ ચૂંટણી લડવાથી બંને પક્ષોને બેઠકોના મામલે મોટો ફટકો પડ્યો હતો. હવે ફરી ગઠબંધન કરીને મતદારોના સમર્થનને બેઠકોમાં ફેરવવાનો પ્રયાસ થઈ શકે છે.
2024ની લોકસભા ચૂંટણીનું ગણિત શું કહે છે?
2024ની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં ભાજપને આશરે 18.56 ટકા મત મળ્યા હતા, જ્યારે અકાલી દળનો મત હિસ્સો લગભગ 13.42 ટકા રહ્યો હતો. બંને પક્ષોના મત હિસ્સાને જોડવામાં આવે તો આ આંકડો આશરે 32 ટકા થાય છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીનો મત હિસ્સો ઘટીને આશરે 26.30 ટકા રહ્યો હતો, જ્યારે કોંગ્રેસને લગભગ 26.02 ટકા મત મળ્યા હતા. આ બદલાયેલા મતદાનના આંકડા ભાજપ અને અકાલી દળ બંને માટે ગઠબંધનની રાજકીય સંભાવનાઓને મહત્વપૂર્ણ બનાવે છે.
AAP અને કોંગ્રેસ સામે સંયુક્ત પડકાર ઊભો કરવાનો પ્રયાસ?
રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે ભાજપ અને અકાલી દળનું ગઠબંધન પંજાબમાં AAP અને કોંગ્રેસ સામે સંયુક્ત પડકાર ઊભો કરી શકે છે. બંને પક્ષો પાસે અલગ-અલગ વિસ્તારોમાં રાજકીય સંગઠન અને મતદારોનો આધાર છે. ગઠબંધન દ્વારા આ બંનેની તાકાતનો એકસાથે ઉપયોગ કરવાનો પ્રયાસ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અલગ-અલગ ચૂંટણી લડવાના અનુભવો બાદ બંને પક્ષોને સમજાયું છે કે એકલા લડવાથી રાજકીય નુકસાન થઈ શકે છે. જોકે, ગઠબંધનનું અંતિમ સ્વરૂપ, બેઠકોની વહેંચણી અને ચૂંટણી પ્રચારની રણનીતિ અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળની જોડી ફરી સફળ થશે કે નહીં? છ વર્ષ બાદ થનારી આ રાજકીય પુનઃમિલનથી પંજાબમાં AAPની સરકાર સામે કેટલો મજબૂત પડકાર ઊભો થશે તેના પર દેશભરના રાજકીય નિષ્ણાતોની નજર રહેશે.