પૂર્વ DyCM નીતિન પટેલનો બળાપો, ‘મને પૂર્વ કરી દીધો
કડીના ભાજપ સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલે પોતાની અવગણના સામે હૈયાવરાળ ઠાલવી

મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપના સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલનું સંબોધન

મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપના સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલનું સંબોધન
પાટીદાર સમાજના કદાવર નેતા નીતિન પટેલે વધુ એક વખત પોતાની હૈયાવરાળ ઠાલવી છે. કડીમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પોતે કરેલા કામોને ગણાવી હાલમાં તેમની કરાયેલી અવગણનાને લઈ કાર્યકરો સમક્ષ બળાપો ઠાલવ્યો હતો. તેમણે કટાક્ષમાં કહ્યું કે, તમે મને ઉત્તર(ઉત્તર ગુજરાત)માંથી પૂર્વ કરી નાખ્યો છે. હું કોઈ સસ્તો રાજકારણી નથી કે જે આવ્યુ તે લઈ લો. નીતિન પટેલનું નિવેદન ઉત્તર ગુજરાત સહિત રાજ્યના રાજકારણમાં ચર્ચાસ્પદ બન્યું છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલને ટિકિટ નહી આપીને ભાજપે કોરાણે મૂકી દીધા હતા. ત્યારબાદ તેઓ પક્ષના કાર્યક્રમોમાં પોતાની લાક્ષણિક શૈલીથી બળાપો ઠાલવી રહ્યા છે. જેના કારણે નીતિન પટેલના નિવેદન પક્ષમાં ખાસ્સી ચર્ચા જગાવી રહ્યા છે.
કડીના ભાઉપુરા સ્થિત ઉમિયા માતાજી મંદિરે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પોતે ધારાસભ્ય હતા ત્યારે કડીમાં કરેલાં વિકાસ કામો ગણાવીને કાર્યકરો સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર તેમણે કહ્યું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ છીનવાઈ જાય છે.
તેમણે કહ્યું કે, હું સસ્તો રાજકારણી નથી કે જે આવ્યું એ લઈ લ્યો. કડીમાં ઓક્ટ્રોય ચોરી ના થાય એટલે રાત્રે સ્કૂટર લઈને હું ફરતો હતો. કોઈએ મને કદી પાનના ગલ્લે જોયો હોય તો 50 હજાર ઇનામ આપું. મારી આજુબાજુ નબળા, ખોટા, સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એવા લોકો રાખતો નથી. અમે નીકળી ગયા, તમે મને ઉત્તર(ઉત્તર ગુજરાત)માંથી પૂર્વં કરી નાખ્યો.
વ્યક્તિની આવડત, મહેનત, પ્રતિષ્ઠા, તેની આજુબાજુ બેસનારા લોકો પરથી થાય છે. તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ જાય તો તમને બદનામ કરે. હમણાં બે ત્રણ મંત્રી મંત્રીમંડળમાં ન રહ્યા. આવા મંત્રીના પરિવારમાંથી કોઈએ ખોટું કર્યું. પરિણામ તેમણે ભોગવવું પડ્યું અને મંત્રીમંડળમાં સરકારે ના લીધા. હું બોલું છું એ ઘણાને ગમતું નથી. કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટુ નહીં થવા દઉં. તાલુકા પંચાયતની હું ખાતરી નથી આપતો, કારણકે હું ત્યાં બેસતો નથી.
નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો કે શહેરી વિકાસ યોજનામાંથી દરેક નગરપાલિકાને ગુજરાત સરકાર ગ્રાન્ટ આપશે. કોંગ્રેસના જમાનામાં કંઈ મળતું ન હતું. તેની સામે દર વર્ષે 50-50 લાખ રૂપિયા નગરપાલિકાને ગ્રાન્ટ મળે છે. અત્યારે તો કડી નગરપાલિકાને દર વર્ષે એટલી બધી ગ્રાન્ટ આવે છે કે સભ્યોને ખબર પડતી નથી કે ક્યાં વાપરવી. કડીમાં હું બેઠો છું ત્યાં સુધી કંઈપણ ખોટું થશે નહીં. કોણ નેતાગીરી કરે છે, કોણ વહીવટ કરે છે એ મહત્વનું હોય છે.
તેમણે ઉમેર્યુ કે, આ બધું હું એટલા માટે કહું છું કે, હોદ્દાથી કશું થતું નથી, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિની આવડત, મહેનત, પ્રતિષ્ઠા અને આજુબાજુ બેસતા લોકોથી કામ થતું હોય છે. તમે સારા હોય પરંતુ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. બે ત્રણ પ્રશ્ન થયા. બે મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા. એમણે ખોટું કર્યું કે ના કર્યું એ ખબર નથી. પણ તેમના પરિવાર કે ટેકેદારમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ સરકારમાંથી એમને મંત્રીમંડળમાં લીધા નહીં.
રાજકારણ કેવું હોય કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહે છે, કોની જોડે વાત કરે છે. કોઈએ મને છેલ્લા 40 વર્ષથી પાનના ગલ્લે ઉભો રહેલો જોયો હોય તો આંગળી ઊંચી કરે હું તેને 50 હજાર ઇનામ આપીશ. નીતિન પટેલે કહ્યું કે હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી. આ મોદી સાહેબનું સૂત્ર છે અને મારી આજુબાજુમાં તેવા વ્યક્તિઓ રાખતો નથી.
ભાજપમાં કેવી રીતે હોદ્દા મળે છે તેના ઉપર ફોડ પાડતા તેમણે જણાવ્યું કે, નબળા હોય, ખોટા હોય કે પછી સમાજમાં પ્રતિષ્ઠા ન હોય, એ બધું પક્ષ જોતો હોય છે. આ બધું વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે. હોદ્દો આવે ને જાય. સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે કાર્યકર કોઈ દિવસ પૂર્વ થતો નથી. ધારાસભ્ય, મંત્રી, પ્રમુખ પૂર્વ થાય. પરંતુ કાર્યકર્તા કોઈ દિવસ પૂર્વ થતો નથી.
ઘણા લોકો હોદ્દાની લાલચમાં આવી જાય છે. ભાજપમાં તો સાત ગરણીએ ગળાયા પછી કંઈક મળે છે. હું કંઈ લેતું પણ નથી અને કંઈ અપાતું પણ નથી. અમે મોટા નથી, તમે મોટા છો, તમે લોકોએ અમને મોટા બનાવ્યા છે. નેતાને કાર્યકર્તા અને પ્રજાની ગરજ હોવી જોઈએ. હું કામ કરીશ અને કામ કરાવડાવીશ, અને કોઈ તમને કાળી ટીલી લાગે નહીં એવા લોકોને જોડે રાખીશ નહીં. એક ટોળકી તમને ઘેરી વડે અને તમે બદનામ થઈ જાઓ, એટલે કાર્યકર મહાન છે. નેતા નથી એટલું સમજી લેજો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!