મોરબીના મગફળી ગોડાઉનમાં કૌભાંડની આગ?, ઉઠ્યાં સવાલ
રફાળેશ્વર GIDCમાં ગોડાઉનમાં આગથી 28 કરોડની મગફળી બળીને ખાખ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

મોરબીની રફાળેશ્વર GIDCના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ફાઈલ તસવીરો

મોરબીની રફાળેશ્વર GIDCના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ફાઈલ તસવીરો
Political uproar after Rafaleswar godown fire: મોરબીની રફાળેશ્વર GIDCના ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં લાગેલી આગ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે આ ઘટનાને ગંભીર બેદરકારી સાથે જોડીને રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું કે, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળી આગમાં નાશ પામવી માત્ર અકસ્માત નથી, પરંતુ સમગ્ર સંગ્રહ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
1.59 લાખ ગુણી મગફળી આગમાં ખાખ
કોંગ્રેસના મનહર પટેલના જણાવ્યા મુજબ, 4 જુલાઈ 2026ના રોજ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 1.59 લાખ ગુણી મગફળી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. દરેક ગુણીમાં આશરે 35 કિલોગ્રામ મગફળી સંગ્રહિત હતી. તેમાં કુલ નુકસાન લગભગ ₹28 કરોડ જેટલું હોવાનું જણાવાયું છે. આટલા મોટા નુકસાન માટે જવાબદારી કોની છે તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
વર્ષ 2018માં બનેલી આગની ઘટનાઓ તાજી બની
કોંગ્રેસે દાવો કર્યો કે, વર્ષ 2018 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની હતી. ગાંધીધામ, ગોંડલ, જામનગર અને શાપર-વેરાવળ સહિતના સ્થળોએ રૂપિયા 50.65 કરોડની મગફળીનું નુકસાન થયું હતું. જે તે સમયે કરેલી તપાસમાં કોઈ સ્પષ્ટ પરિણામ સામે આવ્યું નથી. જ્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી પણ થઈ નથી.
2018માં મગફળીના ગોડાઉનમાં બનેલી આગની ઘટનાઓ અને નુકસાન
સ્થળ આગ ક્યારે લાગી મગફળીની કિંમત
ગાંધીધામ 02.01.2018 10 કરોડ
ગોંડલ 30.01.2018 36 કરોડ
જામનગર 19.04.2018 65 લાખ
શાપર-વેરાવળ 06.05.2018 04 કરોડ
તપાસ અને SIT અંગે સવાલ
પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું કે, અગાઉ બનેલી આગની ઘટનાઓ બાદ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી કોઈ અસરકારક પરિણામ બહાર આવ્યું નહીં. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવાને બદલે સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વેર હાઉસિંગ કોર્પોરેશન અને સરકારની કામગીરી સામે સવાલ
વેર હાઉસિંગ કોર્પોરેશનના પોતાના આશરે 1100 ગોડાઉન અને ભાડા પેટે રાખેલા આશરે 1500 ગોડાઉન છે. કાયમી ધોરણે સ્ટાફ માત્ર 4 સુપરવાઇઝર અને 3 પટ્ટાવાળા છે. બાકીના મેનેજર અને કલાર્ક કે વોચમેન આઉટ સોર્સિગથી ભરતી થયેલા છે. જ્યારે 275 કર્મચારીઓની જગ્યા ખાલી છે. નિગમ પાસે પૂરતો સ્ટાફ નહી હોવા છતાં રાજ્ય સરકાર ક્યાં વિશ્વાસથી કરોડો રૂપિયાની કૃષિ જણસો સંગ્રહ કરવા સોપે છે? ભૂતકાળમાં આ નિગમના અનેક કૌભાંડો બહાર આવ્યા છે. તેમ છતા રાજ્ય સરકાર હજુ સુધી કેમ કોઈ શીખ લેતી નથી?, આ કૌભાંડોના નિર્માતા કોંણ?, રાજ્યનું વેર હાઉંસીંગ નિગમ,રાજ્ય સરકાર, નાફેડ, ખરીદ કરનારી મંડળીઓ કે પછી કોઇ અન્ય? આ તમામ સવાલ રાજ્ય સરકારના મોટા કૌભાંડોના સંકેત આપે છે.
સ્ટાફની અછતથી સુરક્ષા પર અસર?
કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, મોટી સંખ્યામાં ગોડાઉન હોવા છતાં મર્યાદિત કાયમી સ્ટાફના આધારે સમગ્ર વ્યવસ્થા સંચાલિત થઈ રહી છે. મેનેજર, ક્લાર્ક અને અન્ય કર્મચારીઓ પૈકી ઘણા આઉટસોર્સિંગથી નિમાયેલા હોવાનું જણાવી સુરક્ષા અને દેખરેખની અસરકારકતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
સરકાર સામે કોંગ્રેસના મુખ્ય સવાલો
કોંગ્રેસે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે કે ખેડૂતો પાસેથી ખરીદેલા કૃષિ પેદાશોના સુરક્ષિત સંગ્રહ માટે જવાબદારી કોની? વેરહાઉસિંગ કોર્પોરેશન, રાજ્ય સરકાર, નાફેડ કે ખરીદી કરતી સંસ્થાઓમાંથી જવાબદાર કોણ, તે અંગે સરકારે ખુલાસો કરવો જોઈએ. આ પ્રકારની પુનરાવર્તિત ઘટનાઓને માત્ર સંજોગો તરીકે જોવી યોગ્ય નથી એવો કોંગ્રેસનો મત છે.
નિવૃત્ત ન્યાયાધીશ હેઠળ તપાસની માંગ
કોંગ્રેસે માંગ કરી છે કે ટેકાના ભાવે ખરીદેલી મગફળી સહિત અન્ય કૃષિ પેદાશોના સંગ્રહમાં થયેલી ગેરરીતિઓ અને આગની ઘટનાઓની નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત બેદરકારી કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ખેડૂતોના હિતોની સુરક્ષા જરૂરી
કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોની મહેનતથી ઉત્પાદિત પાકની ખરીદી બાદ તેની સુરક્ષા વ્યવસ્થા સરકારની જવાબદારી બને છે. આવી ઘટનાઓ ખેડૂતોમાં અવિશ્વાસ પેદા કરી શકે છે. તેથી સરકાર માત્ર જાહેરાતો પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સંગ્રહ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં ભરે.

સુરતના નાનપુરા-લક્કડકોટની ₹3.90 કરોડની ફિશ માર્કેટના નામકરણ પર વિવાદ. ‘નરેન્દ્ર મોદી’ નામનું બોર્ડ સફેદ કવરથી ઢંકાયું, હવે મનપાના નિર્ણય પર નજર.

Punjab Election 2027માં AAP, Congress, BJP, BSP અને SAD વચ્ચે બદલાતા રાજકીય સમીકરણો શું છે? 117 બેઠકો, ચન્ની, રાજા વડિંગ, માયાવતી અને BJPની વ્યૂહરચના જાણો.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.