કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતા ભાજપ, કોંગ્રેસ અને AAP સક્રિય થયું છે. વિસાવદર બેઠક ઉપર લેઉવા પાટીદાર સમાજના મતદારો નિર્ણાયક હોવાથી પાટીદાર કાર્ડ ખેલાય તેવી શક્યતા છે. કડી વિધાનસભા અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક હોવાથી તમામ પક્ષો માટે ઉમેદવાર શોધવો કઠિન સાબિત થાય તેમ છે. કડી બેઠક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિસાવદર બેઠક જયેશ રાદડિયાનું રાજકીય કદ નક્કી કરશે. વિસાવદર બેઠક ઉપર AAP પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને જાહેર કરી દીધા છે. જ્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે. જો કે, બંને બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાવાની શક્યતા છે.
ભાજપ અને કોંગ્રેસે પ્રભારીઓની નિયુક્તિ કરી
વિસાવદર બેઠક માટે ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીની પ્રભારી તરીકે તેમજ ભરત વડાલીયાને સંયોજક તરીકે તેમજ નરેન્દ્ર કોટીલાને સહ સંયોજક તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે પરેશ ધાનાણી, પુંજા વંશ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વસરામ સાગઠીયાની પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે. વિસાવદર બેઠક માટે AAP પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. 30 મેના રોજ ગોપાલ ઈટાલિયા ફોર્મ ભરે ત્યારે અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી હાજર રહેશે.
કડી બેઠક માટે ભાજપે મણીનગરના પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ અને પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરની પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે. સંયોજક તરીકે વિનોદ પટેલ અને સહ સંયોજક તરીકે હિમાંશુ ખમારને જવાબદારી સોંપી છે. જ્યારે કોંગ્રેસે સાંસદ ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિયુક્તિ કરી છે.
જીજ્ઞેશ મેવાણીએ પ્રભારી પદ નકારતાં કોકડું ગૂંચવાયું
કોંગ્રેસમાં જૂથવાદ અને રાજકીય ડખાં યથાવત છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેમણે પ્રભારી પદની ના પાડી દીધી છે. તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી આપી છે. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હીના નેતાઓને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીમાં દલિત યુવકની હત્યાને લઈ વિરોધ મુદ્દે જીજ્ઞેશ મેવાણી પ્રદેશના નેતાઓથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હર્ષદ રિબડિયાના નિવેદનથી રાજકીય ગરમાવો
વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડીયા, હર્ષદ રિબડીયાને હરાવી AAP ના ધારાસભ્ય બનેલાં અને બાદમાં રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણી સહિત અનેક દાવેદારો મેદાનમાં છે. તમામ દાવેદારોએ પેટાચૂંટણી જાહેર થયા બાદ લોબિંગ શરૂ કર્યુ છે. પક્ષનો મેન્ડેટ મળે તે પહેલાં દાવેદારોના નિવેદનો પણ સામે આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ નિવેદન આપ્યુ હતું કે, પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશ. હું લડવા માટે તૈયાર છું. વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.
કડી બેઠક ઉપર ભાજપના દાવેદારોનો રાફડો
કડી વિધાનસભાની બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે. અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકી, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ સાંસદ રતિલાલ વર્માના પુત્ર દેવેન વર્મા અને કરશન સોલંકીના પુત્ર પિયુષના નામની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રવિણ પરમાર, દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના નામની ચર્ચા ચાલી રહી છે. આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ કડી બેઠક માટે ઉમેદવાર જાહેર કરે તેમ હોવાથી રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા છે.
કડી પેટાચૂંટણી નીતિન પટેલનું રાજકીય કદ નક્કી કરશે
કડી બેઠક વર્ષો સુધી ભાજપનો ગઢ ગણાતી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી બેઠક વર્ષો સુધી ચૂંટાયા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કડી બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બની ગઈ છે. તેથી નીતિન પટેલને વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી મહેસાણા બેઠક ઉપરથી લડવી પડી હતી. જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે નીતિન પટેલની બાદબાકી કરતાં તેમનું રાજકીય અસ્તિત્વ હંમેશા ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2022 બાદ કડીમાં ભાજપનો જૂથવાદ વકર્યો છે. કડી એપીએમસી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જૂથ આમને સામને આવી ગયા હતા. એક સમયે રાજ્યના રાજકારણમાં પોતાનો એક્કો ખરો કરાવતાં નીતિન પટેલનું મહેસાણા જિલ્લાના તેમજ કડી તાલુકાના રાજકારણમાં કદ ઘટી ગયુ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે કડી બેઠકની પેટા ચૂંટણી નીતિન પટેલનું પક્ષમાં તેમનું મહત્વ કેટલું રહ્યુ છે તે બાબતે રાજકીય કદ નક્કી કરશે.
વિસાવદર અને કડી બેઠક કેમ ખાલી પડી?
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP ના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા થયા હતા. ત્યારબાદ પક્ષપલટો કરી તેઓ ભાજપમાં જોડાતાં બેઠક ખાલી પડી હતી. ભાજપના હર્ષદ રીબડીયાએ ગુજરાત હાઈકોર્ટમાં ગેરરીતિની પિટિશન કરતાં વિસાવદરની પેટાચૂંટણી અટકી હતી. રિબડીયાએ પિટિશન પરત ખેચી લેતા પેટાચૂંટણી જાહેર થઈ છે. કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી.
વિસાવદર અને કડી બેઠક માટે 19 જૂને મતદાન
ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદર બેઠકની ચૂંટણીનું 26 મેના રોજ જાહેરનામુ બહાર પડી ગયુ છે. 2 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરાશે. 3 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 5 જૂન સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તે દિવસે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જ્યારે 19 જૂને પેટાચૂંટણી અંતર્ગત મતદાન યોજાશે. જ્યારે 23 જૂને મત ગણતરી કરવામાં આવશે.