ચૈતર વસાવા મુદ્દે BJPના સાંસદ-ધારાસભ્ય વચ્ચે વિવાદ
ચૈતરને BJPમાં લાવવા દર્શનાબેન 'લોલીપોપ' આપતા હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ

નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શનાબેને સાંસદના આક્ષેપ મામલે ખુલાસો આપવાનો ઈન્કાર કર્યો

નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શનાબેને સાંસદના આક્ષેપ મામલે ખુલાસો આપવાનો ઈન્કાર કર્યો
નર્મદા જિલ્લામાં ભાજપમાં ઘણાં સમયથી ચાલી રહેલો ભડકો શાંત થવાનું નામ લેતો નથી. દૂધધારા ડેરીની ચૂંટણી બાદ હવે ચૈતર વસાવાની પદયાત્રાને લઈ ભાજપમાં ભડકો થયો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોમવારે જૂનારાજ ગામના રોડ મુદ્દે કરેલી પદયાત્રાએ ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો કર્યો છે. જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આમને સામને આવી ગયાં છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ કરીને ભાજપના આંતરિક જૂથવાદનો મોટો ખુલાસો કર્યો હતો. તેમણે નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યાં હોવાનો અને તેમને ભાજપમાં આવવાની 'લોલીપોપ' આપી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
મનસુખ વસાવાએ આરોપ મૂકતાં કહ્યું કે, દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ ઘણી જગ્યાએ એવું બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જ્યારે ચૈતર વસાવાએ કરેલાં 19 જેટલા ગુના અને તેમના માણસોએ સરકારને આપેલી ધમકીને કારણે તેમને જેલમાં રહેવું પડ્યું હતું.
સાંસદે ગંભીર આક્ષેપ કર્યો કે, ઘનશ્યામ પટેલ, પ્રકાશ દેસાઈ અને ઝઘડિયાના ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા જેવા નેતાઓએ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાના અગાઉ પ્રયત્નો કર્યા હતા. હવે દર્શનાબેન દેશમુખ પણ તેમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા ક્યારેય ભાજપમાં આવવાના નથી અને આવશે તો તે ભાજપને જ નુકસાન કરશે.
ચૈતર વસાવા સાથે પદયાત્રામાં જોડાયેલા ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવાને પણ મનસુખ વસાવાએ દર્શનાબેન દેશમુખના માણસ ગણાવ્યા હતા.
આ મામલે નાંદોદનાં ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ચૈતર વસાવાની પદયાત્રાને 'નાટકબાજી' ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સંવેધાનિક પદ પર રહેલા ધારાસભ્યને વન વિભાગના નિયમો ખબર છે. છતાં પણ તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા અને રાજકીય રોટલો શેકવા માટે આવી પદયાત્રા કરી રહ્યા છે.
દર્શનાબેને દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના લોકો રોડનાં કામ માટે RTI કરે છે અને પછી પાછી ખેંચી લે છે. તેમણે AAPના જિલ્લા પ્રમુખે સરકારી જમીન પચાવી પાડી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો અંગે તેમણે મારે કોઈ ખુલાસો આપવાનો ન હોય તેમ કહીને ભાજપના આંતરિક વિખવાદની ગંભીર બાબતને ટાળી દીધી હતી.
ભાજપના નેતાઓએ કરેલા આક્ષેપો બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચૈતર વસાવાએ મનસુખ વસાવાના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતાઓએ મને મદદ કરી નથી. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો જગજાહેર કરવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે, જિલ્લા સંકલનમાં પ્રજાના હિતના પ્રશ્નો હોય ત્યારે બધા પક્ષના નેતાઓ દર્શનાબેન અને મનસુખભાઈ પણ સામેલ હોય છે. અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે. પરંતુ તેને રાજકીય સપોર્ટ કહી શકાય નહીં.
ચૈતર વસાવાએ જૂનારાજના ગામને જોડતા ડામર રોડની કામગીરી માટે તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપી ચેતવણી આપી છે કે, કામ શરૂ નહીં થાય તો તેઓ 31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદીને મળીને રોડ મુદ્દે સીધી રજૂઆત કરશે. જો કે, ભાજપના સાંસદ મનસુખ વસાવાના ગામ જૂનારાજનો રોડનો મુદ્દે યોજેલી પદયાત્રા હવે ભાજપના આંતરિક વિખવાદ અને રાજકીય ટકરાવનો મુદ્દો બની ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?