ભરૂચ મનરેગા કૌભાંડઃ રાજકીય નેતાઓ અને અધિકારીઓના નામ ફરિયાદમાંથી ગાયબ
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાની રાજ્યપાલ સમક્ષ તટસ્થ તપાસ માટે SITની માગ

આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડની ગેરરીતિની થઈ છે ફરિયાદ

આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડની ગેરરીતિની થઈ છે ફરિયાદ
ગુજરાતમાં મનરેગા યોજનામાં મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લા બાદ શુક્રવારે ભરૂચ જિલ્લામાં કૌભાંડ બહાર આવ્યુ છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ રાજ્યપાલને પત્ર લખીને તટસ્થ તપાસ માટે માગ કરી છે. જ્યારે મનરેગા કૌભાંડ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માત્ર એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવીને રાજકીય નેતાઓ અને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડનો ખુલાસો થયો છે. આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં મનરેગા યોજના હેઠળ રૂપિયા 7.30 કરોડની ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારીએ વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ સવાલ ઉઠાવ્યા છે. રાજ્યપાલને તેમણે પત્ર પાઠવીને રાજકીય નેતાઓ અને અધિકારીઓને બચાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
રાજ્યપાલને લખેલા પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, અમોદ સહિતના તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે. સમગ્ર યોજના 100 ટકા શુદ્ધિ સાથે ગરીબો અને શ્રમિકો માટે અમલમાં મૂકવાની હોય છે. પરંતુ અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલતી યોજનાનો દુરુપયોગ થયો છે. મે તા.18-05-2023ના રોજ તત્કાલિન કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલયને લેખિત રજૂઆત કરી હતી. જેમાં મનરેગા યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટાચારની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ (SIT) રચવાની માગ કરી હતી.
તેમણે ઉમેર્યુ છે કે, દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી સામે આવી છે. તેવી જ રીતે અમોદ તાલુકા સહિતના વિસ્તારોમાં તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને સત્તાધારી પક્ષના કાર્યકરોએ રૂપિયા લઈને લાભાર્થીઓને કામ આપી અધિકારી સાથે મીલી ભગતથી ખોટી કામગીરી બતાવી છે.
તમામ વિગતો હોવા છતાં સરકાર તરફથી અત્યાર સુધી કોઇપણ ગંભીર પગલાં લેવામાં આવ્યાં નથી. કોગ્રેસ દ્વારા લેખિત માંગણી કરવામાં આવી હોવા છતાં SIT રચવામાં કેમ નથી આવી? શું સરકારના ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને ભાજપના નેતાઓની સંડોવણીના કારણે તપાસને અટકાવવામાં આવી છે? ભરૂચ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો મજબૂરીમાં નોંધાવવામાં આવ્યો હોય તેમ એકપણ સરકારી અધિકારી કે ભાજપના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા નથી.
માંગરોલાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, “આ કોભાંડ નેતાઓ અને અધિકારીઓની નજર સામે જાહેરમાં રચાયું હોવા છતાં તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં આવી નથી? તેથી જ સ્પષ્ટ થાય છે કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓની રક્ષા માટે પ્રયત્નશીલ છે”
ગુજરાત કોંગ્રેસે માગણી કરી છે કે, ભરૂચ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે SIT રચવામાં આવે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં અને ગુજરાતમા જે રીતે ભ્રષ્ટાચાર પથરાયો છે તેની વ્યાપક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવાય.
કોંગ્રેસના નેતા હીરા જોટવાની એજન્સીઓની સંડોવણીઃ ચૈતર વસાવા
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડ મામલે રાજકીય નેતાઓ અને અધિકારીઓની મીલીભગતનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ભરૂચમાં મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધવામાં આવી છે તે વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ જૂનાગઢના કોંગ્રેસના નેતા હીરા જોટવાની છે. ભરૂચ જિલ્લામાં બંને એજન્સીઓને 70 કરોડ કરતાં વધારેનું ચુકવણું કરવામાં આવ્યુ છે. પરંતુ ફરિયાદ માત્ર 7.30 કરોડની કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બંને એજન્સીઓને 400 કરોડ રૂપિયાનું ચુકવણું કરાયુ છે. રાજકીય નેતાઓ, અધિકારીઓ અને કર્મચારીઓના આશીર્વાદ અને મેળાપીપળાથી કૌભાંડ આચરાયુ છે. તેથી નેતાઓ અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ. આ કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાશે તો અમે સરકારી કચેરીઓનો ઘેરાવ કરી જન આંદોલન કરીશું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!