અત્યારે ચાલી રહેલું ગુજરાત વિધાનસભા સત્ર રીસામણા-મનામણાથી અટવાઇ ગયું છે. અગાઉ કેટલાક કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે બોલાવીને સરકારે સન્માન કરતાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા હતા અને તેમણે બળાપો વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારે ભૂલ સુધારીને તમામ કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા. જો કે આમંત્રણ હોવા છતાં હજું વિક્રમ ઠાકોર વિધાનસભામાં પહોંચ્યા નથી. આ વિવાદ હજું શમ્યો નથી ત્યારે અમદાવાદ શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પોતાને વિધાનસભાની કાર્યવાહી જોવા ના લઇ જવાતા રોષે ભરાઇ છે.
મળેલી જાણકારી મુજબ ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયાની સૂચનાથી ઠક્કરબાપાનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની અને સૈજપુર વોર્ડના કાર્યકર્તાઓ વિધાનસભા જોવા માટે ગયા હતા. ત્યારબાદ અમદાવાદ શહેર લોકસભા 108 નામના ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં આ કાર્યકર્તાઓના વિધાનસભાની મુલાકાતના ફોટા અને મેસેજ મૂકવામાં આવતા જ ગ્રુપમાં રહેલા ભાજપના મહિલા કાર્યકર્તાઓથી લઈને અન્ય કાર્યકર્તાઓએ મેસેજ કરીને રોષ ઠાલવવાનું શરૂ કર્યું હતું
આ ફોટા જોઇને નારાજ થયેલી મહિલા કાર્યકરોએ વોટ્સએપ ગૃપમાં લખ્યું હતું કે ‘બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યાં છે, પ્રમુખસાહેબ આવું ન ચાલે’ તેવું સ્પષ્ટ લખી દીધું હતું. બધાં ગ્રુપમાં મેસેજ જોજો એટલે વોર્ડમાં કેવી રીતે કામ કરવું ખબર પડે. બહેનોને મૂરખ સમજે છે, એવું પણ કહી દીધું હતું.
એક કાર્યકર્તાએ તો મેસેજમાં લખ્યું હતું કે, ‘કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે, આવી રીતે જવાનું હોય તો સૂચના ના આપે, જય હો વહાલાં-દવલાં કરવાવાળા લોક પ્રતિનિધિઓ’ કહી વહાલાં દવલાંની નીતિ અપનાવવામાં આવતી હોવાનું કહીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. મોટેભાગે મહિલા કાર્યકર્તાઓએ મહિલા ધારાસભ્ય ઉપર અને વોર્ડના પ્રમુખ ઉપર પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગુજરાત વિધાનસભા નિહાળવાના કાર્યક્રમમાં પણ ભાજપનો આંતરિક કકળાટ સામે આવી ગયો હતો