ભારતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-1 મેગ્નસ કાર્લસનને હરાવીને ઇતિહાસ રચ્યો છે. 19 વર્ષના ગુકેશ માટે આ તેમની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામેની પ્રથમ જીત છે, જે ચેસનું સૌથી પરંપરાગત અને ગંભીર ફોર્મેટ માનવામાં આવે છે. આ જીતે ગુકેશને ટુર્નામેન્ટના પોઇન્ટ્સ ટેબલમાં 8.5 અંક સાથે ત્રીજા સ્થાને લાવી દીધા, જ્યારે કાર્લસન અને અમેરિકી ગ્રાન્ડમાસ્ટર ફાબિયાનો કારુઆના 9.5 અંક સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
કાર્લસનનો ગુસ્સો અને ગુકેશનો જવાબ
આ હારથી નિરાશ થયેલા કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી મોહરાં વિખેરાઈ ગયાં. તેઓએ મીડિયા સાથે વાત કરવાનો પણ ઇનકાર કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. નોંધપાત્ર છે કે, ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં કાર્લસને ગુકેશને હરાવ્યા હતા. આ ઉપરાંત, ગુકેશના વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી કાર્લસને દાવો કર્યો હતો કે, “હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમતો નથી, ત્યાં મને હરાવી શકે તેવું કોઈ નથી.” જવાબમાં ગુકેશે કહ્યું હતું, “મને તક મળશે તો હું તેની સામે ચેસમાં મારી જાતને પારખી લઈશ.” આ જીતે ગુકેશના આ શબ્દોને સાચા સાબિત કર્યા.
ગુકેશની વર્લ્ડ ચેમ્પિયનશિપની સફર
ગુકેશે ગયા વર્ષે ડિસેમ્બરમાં સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનના ડિંગ લિરેનને 7.5-6.5થી હરાવીને ખિતાબ જીત્યો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ખેલાડી બન્યા, જે રશિયાના ગેરી કાસ્પારોવનો 1985માં 22 વર્ષની ઉંમરે બનાવેલો રેકોર્ડ તોડ્યો. 25 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં ગુકેશે 14મી ગેમમાં ડિંગને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું.
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનું ગૌરવ
ગુકેશે માત્ર વ્યક્તિગત સફળતાઓ જ નથી મેળવી, પરંતુ ટીમ ઇન્ડિયાને પણ ગૌરવ અપાવ્યું. ગયા વર્ષે બુડાપેસ્ટમાં 10થી 23 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા. ઓપન કેટેગરીમાં ગુકેશે અંતિમ રમતમાં જીત સાથે ભારતને ચેમ્પિયન બનાવ્યું.
ચેસના ત્રણ મુખ્ય ફોર્મેટ છે: ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ. ક્લાસિકલ ફોર્મેટમાં ખેલાડીઓને વ્યૂહરચના બનાવવા માટે 90થી 120 મિનિટનો સમય આપવામાં આવે છે, જેમાં 40 ચાલ પછી વધારાનો સમય મળે છે. રેપિડમાં 60 મિનિટથી ઓછો અને બ્લિટ્ઝમાં 10 મિનિટથી ઓછો સમય આપવામાં આવે છે.
ગુકેશની આ જીત ચેસ જગતમાં ભારતની વધતી તાકાતનું પ્રતીક છે. તેમની આગવી શૈલી, શાંત સ્વભાવ અને નિર્ણાયક ચાલોએ તેમને વૈશ્વિક સ્તરે ચેસના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે. નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં કાર્લસન સામેની આ જીત ગુકેશની કારકિર્દીનો મહત્ત્વનો ટર્નિંગ પોઇન્ટ છે, જે દર્શાવે છે કે તેઓ હવે વિશ્વના કોઈપણ ખેલાડીને પડકાર ફેંકી શકે છે.