હોલીવુડના સુપરસ્ટાર બ્રેડ પિટની નવી ફિલ્મ F1, જે 27 જૂને રિલીઝ થઈ, તે માત્ર તેની એક્શન માટે જ નહીં, પરંતુ એક ખાસ ભારતીય કનેક્શન માટે પણ ચર્ચામાં છે. ફિલ્મના એક દ્રશ્યમાં બ્રેડ પિટ આપણી પોતાની *ગુજરાતી ફેશન બ્રાન્ડ ‘11.11/eleven eleven’*નું કોટન શર્ટ પહેરેલો જોવા મળે છે, જેમાં પરંપરાગત ટાંગલિયા વણાટનો અદભુત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શર્ટની પસંદગી પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર જુલિયન ડે દ્વારા કરવામાં આવી હતી, અને ત્યારથી જ આ અનોખી ભારતીય હસ્તકળાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે.
બ્રેડ પિટનો શર્ટ: ઓર્ગેનિક અભિગમ અને કુદરતી કારીગરી
ડિઝાઇનર્સ મિયા મોરિકાવા અને હિમાંશુ શાની દ્વારા સ્થાપિત 11.11/eleven eleven બ્રાન્ડ તેના ઓર્ગેનિક અને પર્યાવરણને અનુકૂળ અભિગમ માટે જાણીતી છે. આ બ્રાન્ડ સ્વદેશી કપાસનો ઉપયોગ કરીને, કુદરતી રંગકામ પ્રક્રિયાઓ દ્વારા વસ્ત્રોનું નિર્માણ કરે છે. બ્રેડ પિટે પહેરેલું શર્ટ હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા કપાસમાંથી બનેલું છે, જેમાં ટાંગલિયા વણાટ તકનીકનો સમાવેશ થાય છે. વિશેષ વાત એ છે કે, આ શર્ટ 100% ફ્રુક્ટોઝનો ઉપયોગ કરીને, આથો લાવીને, કુદરતી *‘ગળી’ (ઈન્ડિગો)*થી રંગવામાં આવ્યું છે. આ એક શર્ટને તૈયાર કરવામાં આઠ કુશળ કારીગરોની ટીમને 9.20 કલાકની જહેમત કરવી પડી હતી!
જુલિયન ડે ભારતીય હસ્તકળાના વખાણ કરે છે
‘બોહેમિયન રેપ્સોડી’ અને ‘રોકેટમેન’ જેવી હિટ ફિલ્મોના ડિઝાઈનર રહી ચૂકેલા જુલિયન ડેએ ખુલાસો કર્યો કે, 11.11 બ્રાન્ડના શર્ટની પસંદગી ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી, કારણ કે તે ફિલ્મના કથાતત્વમાં બરાબર ફિટ બેસતી હતી. તેમણે ભારતીય બ્રાન્ડ્સના કુદરતી કાપડ, રંગો અને હાથવણાટની પ્રશંસા કરતા કહ્યું કે આવા વસ્ત્રો પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે પહેરવામાં પણ ખૂબ આરામદાયક હોય છે.
ટાંગલિયા: ગુજરાતનો 700 વર્ષ જૂનો સાંસ્કૃતિક વારસો
ટાંગલિયા વણાટ એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક વિશિષ્ટ અને 700 વર્ષ જૂની હસ્તકલા છે. તેની મુખ્ય વિશેષતા મણકા જેવી પેટર્ન છે, જે રંગીન દોરાઓને વાર્પ યાર્ન પર વાળીને બનાવવામાં આવે છે. આ વણાટકામની અનોખી ખાસિયત એ છે કે તેની ડિઝાઈન કાપડની બંને બાજુ એકસમાન દેખાય છે. પરંપરાગત રીતે, ટાંગલિયા વણાટમાં વૃક્ષો, પક્ષીઓ, તારા જેવા કુદરતી આકારો અને ભૌમિતિક ભાત જોવા મળે છે.
પ્રેમકથાથી લઈને GI ટેગ સુધીની સફર
એક વાયકા મુજબ, 700 વર્ષ જૂની આ હસ્તકળાની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાના ભરવાડ સમુદાયના એક યુવક અને વણકર સમુદાયની યુવતીની પ્રેમકથાથી થઈ હતી. સમાજના વિરોધ છતાં લગ્ન કરનાર આ દંપતીને સમાજમાંથી તગેડી મુકાયા પછી તેમણે જીવનનિર્વાહ માટે વણાટકામ શરૂ કર્યું અને ટાંગલિયા કળાની શોધ કરી. તેમની પેઢી પાછળથી ‘ડાંગસિયા સમુદાય’ તરીકે જાણીતી બની. ‘ડાંગ’ પરથી ઉતરી આવેલા આ સમુદાય દ્વારા બનાવવામાં આવતી આ હાથવણાટની શૈલીને ભારત સરકારે વર્ષ 2009માં GI (ભૌગોલિક સંકેત) ટેગ આપીને સંરક્ષિત કરી છે.
ટાંગલિયા વણાટ પ્રક્રિયા અને પુનરુત્થાન
પરંપરાગત રીતે ઊનમાંથી બનતું ટાંગલિયા વણાટ હવે કપાસ, રેશમ વગેરેમાંથી પણ બને છે. આ કળામાં મશીનનો ઉપયોગ થતો નથી; તે પિટ-લૂમ (ખાડાવાળી સાળ) પર તૈયાર કરવામાં આવે છે. આર્ટિસન્સ દ્વારા દોરાઓને સિફતપૂર્વક ગોળ વણીને ઉપસેલા દાણા જેવી ડિઝાઈન બનાવવામાં આવે છે, જે કાપડની બંને બાજુ એકસરખી દેખાય છે.
એક સમયે જોખમમાં આવેલી આ કળાના પુનરુત્થાન માટે 2007માં NIFTની મદદથી ગાંધીનગરમાં *‘ટાંગલિયા હસ્તકલા એસોસિએશન’*ની રચના કરવામાં આવી. NIFT દ્વારા કૌશલ્ય નિર્માણ, ગુણવત્તા નિયંત્રણ અને ડિઝાઇન વિકાસ માટે વર્કશોપ યોજાતા રહ્યા. આ કળાને વિશ્વફલક પર પહોંચાડવામાં વઢવાણના લવજીભાઈ પરમારનો સિંહફાળો છે, જેઓ છેલ્લા ચાર દાયકાથી તેનું જતન કરી રહ્યા છે. આ બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં દેદાદરા, વસ્તડી, દેરવાડા જેવા ગામો ટાંગલિયા હસ્તકલાનાં મુખ્ય કેન્દ્રો છે. સાડી, દુપટ્ટા, શર્ટ, કુર્તા, ડ્રેસ મટિરિયલ, બેડશીટ અને ઓશિકા કવર જેવા ઉત્પાદનો પર આ કળાનો ઉપયોગ થાય છે.