ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે બુધવારે (નવમી ઓક્ટોબર) મોડી રાત્રે નિધન થયુ હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાને કોઈ સંતાન નથી, જેના કારણે સવાલ એ ઊભો થાય છે કે તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે. 403 બિલિયન ડોલર (લગભગ 3600 કરોડ)ના ટાટા ગ્રુપના ભાવિનું નિર્દેશન કોણ કરશે તે એક મુખ્ય વિષય બની ગયો છે.
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને ભારતના વેપાર અને પરોપકારી ક્ષેત્રોમાં અગ્રણી વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. રતન ટાટા તેમના સાદા જીવન અને સામાજિક કાર્યો માટે જાણીતા છે. તેમણે ટાટા ટ્રસ્ટ દ્વારા અસંખ્ય સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું છે.
રતન ટાટાના નિધન પછી ટાટા ગ્રૂપની જવાબદારી કોણ સંભાળશે તેમાં ઘણાં નામ સામેલ છે. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા મોખરે છે. ટાટા ગ્રુપની જવાબદારી માત્ર નોએલ ટાટા પર જ નહીં પરંતુ ટાટાની નવી પેઢીના ખભા પર રહેશે. ટાટાની નવી પેઢીમાં લિઆ, માયા અને નેવિલનો સમાવેશ થાય છે. જે રતન ટાટાના સાવકા ભાઈ નોએલ નેવલ ટાટાના બાળકો છે. તે અન્ય વ્યાવસાયિકોની જેમ કંપની દ્વારા આગળ વધીને ટાટા ગ્રૂપમાં પોતાની છાપ બનાવવાનું ચાલુ રાખે છે.
ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બિઝનેસ લીડર પૈકીના એક રતન ટાટા ખૂબ શરમાળ હતા અને તેમને એકલા રહેવાનું પસંદ હતું. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી ‘ટાટા ગ્રુપ’ના ચેરમેન તરીકે સેવા આપી હતી. તેઓ વર્ષ 2012માં 75 વર્ષની વયે નિવૃત્ત થયા હતા. ખાસ વાત એ છે કે તેમનું નામ કોઈ વિવાદ સાથે જોડાયેલું નથી. તેમની દ્રષ્ટિ અને સખત મહેનત દ્વારા, તેમણે એક પારિવારિક વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યો.
દેશના સૌથી લોકપ્રિય ઉદ્યોગપતિ અને અબજોપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ નવલ ટાટા અને સુની ટાટાના ઘરે થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણાં રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ ગ્રુપમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા હતા. આ જ કારણ છે કે દેશમાં દરેક વેપારી તેમજ બિઝનેસ જગતમાં એન્ટ્રી લેનારા યુવકો તેમને પોતાનો આદર્શ માને છે.