ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં એક યુવક ગુપ્ત રીતે ફોટો ક્લિક કરી રહ્યો હતો. યુવક તેની પત્ની સાથે મંદિરે આવ્યો હતો. યુવકે તેના ચશ્માની ફ્રેમમાં કેમેરો ફીટ કર્યો હતો. જોકે, યુવકની શંકાસ્પદ ગતિવિધિ જોઈને સુરક્ષાકર્મીઓને શંકા ગઇ હતી. પોલીસે તેની તલાશી લેતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે રામ મંદિરમાં આ પ્રકારનું કૃત્ય કરનાર યુગલ ગુજરાતના બરોડાનું રહેવાસી છે. પોલીસે બંનેને મંદિરના સિંહ દરવાજા પાસે જ અટકાવ્યા હતા. પત્ની મંદિરમાં ફોટા પડાવી રહી હતી અને સામે પતિ ઉભો હતો. પતિને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ ફોટો ક્લિક કરી રહ્યો છે. જોકે, દંપતી પાસે કોઈ કેમેરા કે મોબાઈલ નહોતો. આ અંગે શંકા ગઈ હતી. આ પછી બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સુરક્ષાકર્મીઓએ બંનેની તલાશી લેતા યુવકના ચશ્માની ફ્રેમમાં એક કેમેરા મળી આવ્યો હતો. આ સાથે તેણે મંદિરની 20 થી 25 તસવીરો ક્લિક કરી હોવાનું પણ જણાયુ હતું. જેથી સુરક્ષાકર્મીઓએ તમામ ફોટો ડિલીટ કર્એયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે પતિ-પત્નીની પૂછપરછ કરવામાં આવી તો બધું સામાન્ય હોવાનું જાણવા મળ્યું. સૂચના આપ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે 6 જાન્યુઆરીના રોજ સિંહ દ્વાર પાસે વોચ ડ્યૂટી પર તૈનાત યુપીએસએફ જવાન અનુરાગની સતર્કતાને કારણે આ દંપતી પકડાઈ ગયું. પૂછપરછ દરમિયાન યુવકે પોતાનું નામ જયકુમાર જાની હોવાનું જણાવ્યું હતું. યુવકને પકડવામાં સતર્કતા દાખવનાર સૈનિકનું વિભાગ દ્વારા સન્માન કરવામાં આવશે. પીએસી અને યુપી પોલીસના કર્મચારીઓને જોડીને સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (SSF)ની રચના કરવામાં આવી છે. હાલમાં SSFના જવાનો અયોધ્યા રામ મંદિરની સુરક્ષા સંભાળી રહ્યા છે.