મુંબઈમાં 24 કલાકમાં બે મોટી આગ:કુર્લામાં હાહાકાર
વહેલી સવારે આગનું તાંડવ! કુર્લામાં 10 ફાયર બ્રિગેડ દોડી, વરલીમાં રહેવાસીઓનો બચાવ

મુંબઈમાં 24 કલાકમાં બે મોટી આગ

મુંબઈમાં 24 કલાકમાં બે મોટી આગ
મુંબઈમાં સોમવાર, 13 ઑક્ટોબર, વહેલી સવારે કુર્લા પશ્ચિમ વિસ્તારમાં એક મોટી આગ ફાટી નીકળતાં હડકંપ મચી ગયો હતો. કપાડિયા નગર, CST રોડ પર ગુરુદ્વારા નજીક આવેલી મોટરપાર્ટ્સની દુકાનોની હારમાળામાં આ ભીષણ ઘટના વહેલી સવારે લગભગ 2.30 વાગ્યે બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે, જેમાં અનેક દુકાનો સંપૂર્ણપણે ભસ્મ થતી જોવા મળી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની લપેટમાં ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ્સ, ટાયર, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ભંગારના માલસામાનના સ્ટોર્સ આવ્યા હતા. જ્વલનશીલ સામગ્રીને કારણે આગે ઝડપથી મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 10થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આ મોટી ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. BMCએ જણાવ્યું કે સમયસર કાર્યવાહીને કારણે આસપાસની અન્ય ઇમારતોને બચાવી લેવામાં આવી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે. દરમિયાન, ફાયર ફાઇટિંગની કામગીરીમાં અવરોધ ન પડે તે માટે મુંબઈ ટ્રાફિક પોલીસે સાન્ટાક્રૂઝ-ચેમ્બુર લિન્ક રોડ (SCLR) બ્રિજને દક્ષિણ તરફનો માર્ગ થોડા સમય માટે બંધ કરી દીધો હતો અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવી હતી.
વરલીમાં હાઇ-રાઇઝ બિલ્ડિંગમાં પણ આગકુર્લાની આ ઘટના પહેલાં, રવિવારે રાત્રે વરલી સીફેસ વિસ્તારમાં આવેલી ગુલરૂખ નામની રહેણાંક બિલ્ડિંગમાં પણ આગ લાગવાની અલગ ઘટના બની હતી. ખાન અબ્દુલ ગફાર ખાન માર્ગ પરની 10 માળની આ ઇમારતમાં રાત્રે લગભગ 8 વાગ્યે આગ લાગી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓ અનુસાર, આગ છઠ્ઠા માળના એક ફ્લેટ સુધી મર્યાદિત હતી. આ ઘટનાની જાણ થતાં ત્રણ ફાયર એન્જિન, એક ટેન્ડર, ત્રણ જમ્બો ટેન્કર અને એક એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સદનસીબે, ઇમારતના તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા અને કોઈને ઇજા થઈ નહોતી. લગભગ 10 વાગ્યા સુધીમાં આગ સંપૂર્ણપણે ઓલવી દેવાઈ હતી.
સ્થાનિક ધારાસભ્ય અને શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્ય ફાયર અધિકારી રવિન્દ્ર આબુલગેકરે આ ઘટનાને એક એપાર્ટમેન્ટની અંદર બનેલી 'નાની ઘટના' ગણાવી હતી અને જણાવ્યું કે તમામ રહેવાસીઓને તાત્કાલિક બચાવી લેવાયા હતા. આમ, મુંબઈએ ૨૪ કલાકથી ઓછા સમયમાં આગની બે મોટી ઘટનાઓનો સામનો કરવો પડ્યો, જોકે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નહોતી તે રાહતની વાત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...