તાજમહેલ પર તિરંગો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
હિન્દુ સંગઠન દ્વારા તિરંગો લહેરાવવાનો દાવો કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી

તાજમહેલ પર તિરંગો

તાજમહેલ પર તિરંગો
ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે. 26 જાન્યુઆરી, 2026ના રોજ પ્રજાસત્તાક દિવસના પવિત્ર અવસરે અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકરોએ તાજમહેલની અંદર તિરંગો લહેરાવ્યો હોવાનો સનસનાટી ભર્યો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસનિક વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. જોકે, અધિકારીઓ હજુ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરી રહ્યા છે, પરંતુ આ દાવાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
તાજમહેલ વાસ્તવમાં એક શિવ મંદિર
ઘટનાની ગંભીરતાને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને તાજમહેલની સુરક્ષામાં તૈનાત CISF દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજ ઝીણવટ ભરી રીતે તપાસવામાં આવી રહ્યા છે. હિન્દુ સંગઠનના કાર્યકરોએ માત્ર તિરંગો લહેરાવવાનો જ દાવો નથી કર્યો, પરંતુ પરિસરમાં ‘ભારત માતા કી જય’ના જોરશોરથી નારા પણ લગાવ્યા હતા. હિન્દુ મહાસભાનું કહેવું છે કે, તાજમહેલ વાસ્તવમાં એક શિવ મંદિર છે, જેને તેઓ ‘તેજોમહાલય’ તરીકે ઓળખાવે છે.
તાજમહેલના ઈતિહાસને લઈને વિવાદ
સંગઠનના નેતાઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે એવી પણ માંગ કરી છે કે, જે રીતે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તેવી જ રીતે તમામ મસ્જિદો અને મદ્રેસાઓમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ફરજિયાત કરવામાં આવે. આ હેતુ સાથે તેમણે તાજમહેલ ખાતે પણ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક એવો તિરંગો લહેરાવીને પોતાનો વિરોધ અને રાષ્ટ્રભક્તિ દર્શાવી છે. લાંબા સમયથી હિન્દુ સંગઠનો તાજમહેલના ઈતિહાસને લઈને વિવાદ ઉઠાવતા રહ્યા છે. તેમનો દાવો છે કે, આ સ્મારકની નીચે શિવલિંગ દબાયેલું છે અને અહીં જલાભિષેક કરવાની પરવાનગી મળવી જોઈએ.
તાજમહેલ હાઈ-સિક્યોરિટી ઝોન
અખિલ ભારત હિન્દુ મહાસભાનો આરોપ છે કે, પુરાતત્વ વિભાગ ઐતિહાસિક તથ્યોને દબાવી રહ્યું છે. આ અગાઉ પણ તાજમહેલમાં પૂજા અને શિવ સ્તુતિ કરવાના પ્રયાસો સામે આવ્યા છે, પરંતુ 26 જાન્યુઆરીએ તિરંગો લહેરાવવાની આ ઘટનાએ સુરક્ષામાં મોટી ચૂક હોવાના સંકેત આપ્યા છે, કારણ કે તાજમહેલ હાઈ-સિક્યોરિટી ઝોનમાં આવે છે જ્યાં કોઈપણ પ્રકારની રાજકીય કે ધાર્મિક પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ છે.
જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાશે
તાજમહેલની સુરક્ષામાં લાગેલી એજન્સીઓ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે જો આ ઘટના સાચી છે, તો કાર્યકરો ધ્વજ લઈને અંદર કેવી રીતે પ્રવેશ્યા. તિરંગો લહેરાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સ્મારકની સુરક્ષા વધુ કડક કરી દીધી છે અને પ્રવાસીઓના ચેકિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે, જો તપાસમાં સુરક્ષામાં કોઈ ખામી જણાશે તો જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.