નેપાળમાં માર્ગ અકસ્માત: બે ભારતીયોના કરુણ મોત
કાઠમંડુમાં પૂરઝડપે આવતી ખાનગી બસે બે ભારતીય નાગરિકોને કચડ્યા, સારવાર દરમિયાન દમ તોડ્યો

નેપાળમાં ભારતીય નાગરિકોના મોત

નેપાળમાં ભારતીય નાગરિકોના મોત
નેપાળની રાજધાની કાઠમંડુમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. શુક્રવારે મોડી રાત્રે કાઠમંડુના ભોટેભલ વિસ્તારમાં એક પૂરઝડપે આવી રહેલી ખાનગી પેસેન્જર બસે બે ભારતીય નાગરિકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ઘવાયેલા બંને ભારતીયોનું શનિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની વિગત અને ભોગ બનનારની ઓળખ :
નેપાળી પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, મૃત્યુ પામનાર બંને ભારતીય નાગરિકો કાઠમંડુના ટેકુ વિસ્તારમાં રહીને રોજગારી મેળવતા હતા. મૃતકોની ઓળખ 45 વર્ષીય પદમ ઉપાધ્યાય અને 37 વર્ષીય સતીશ કુમાર કુશવાહા તરીકે થઈ છે.
દુર્ઘટના તે સમયે બની જ્યારે ઓમ જનતા ટ્રાન્સપોર્ટની એક બસ કાલીમાટીથી ત્રિપુરેશ્વર તરફ જઈ રહી હતી. ભોટેભલ વિસ્તારમાં બસ ચાલકે કાબૂ ગુમાવતા બંને ભારતીયોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેને તાત્કાલિક નેપાળના રાષ્ટ્રીય ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા.
પોલીસ કાર્યવાહી અને ડ્રાઈવરની ધરપકડ :
કાઠમંડુ ખીણ ટ્રાફિક ઓફિસના નાયબ પોલીસ અધિક્ષક અને પ્રવક્તા નરેશ રાજ સુબેદીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર 35 વર્ષીય બસ ડ્રાઈવર માન બહાદુર બસનેટની ધરપકડ કરી લીધી છે. બસને હાલ પોલીસ કબજામાં લેવામાં આવી છે અને ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દૂતાવાસનો સંપર્ક અને આગળની કાર્યવાહી :
નેપાળ પોલીસ અત્યારે આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને ત્યારબાદ પાર્થિવ દેહને ભારત મોકલવા અંગે નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવામાં આવી શકે છે. કાઠમંડુમાં કામ કરતા અન્ય ભારતીય શ્રમિકો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
નેપાળમાં માર્ગ સુરક્ષા અને બેફામ વાહન ચલાવવાની વધતી ઘટનાઓ વચ્ચે આ દુર્ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ