આંધ્રપ્રદેશમાં ટ્રક પલટી જતાં 9 કામદારોના મૃત્યુ, 10 લોકો થયા ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લાના પુલ્લમપેટા વિસ્તારમાં આમ ભરેલી ટ્રક પલટી જતા 9 મજૂરોના મોત થયા અને 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

આંધ્રપ્રદેશમાં અકસ્માત

આંધ્રપ્રદેશમાં અકસ્માત
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં એક ટ્રક પલટી જતાં 9 કામદારોના મોત અને અન્ય 10 ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને રાજમપેટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે કડપ્પા શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર પુલમપેટા મંડળના રેડ્ડી ચેરુવુ કટ્ટામાં આ અકસ્માત થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ટ્રકમાં કેરીની બોરીઓ ઉપર 21 દૈનિક વેતન કામદારો બેઠા હતા. લગભગ 30-40 ટન કેરીઓ ભરેલી ટ્રક રેલ્વે કોડુરુ બજારમાં જઈ રહી હતી. રાજમપેટા મંડળના એશુકાપલ્લી અને આસપાસના ગામડાઓના બગીચાઓમાંથી કેરીઓ લાવવામાં આવી હતી. કેરીઓ ભરેલી ટ્રક તળાવના બંધ પર પલટી ગઈ અને તેની ઉપર બેઠેલા કામદારો તેની નીચે દટાઈ ગયા.
અકસ્માતમાં બચી ગયેલા ટ્રક ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, વિરુદ્ધ દિશામાંથી આવતી કાર સાથે અથડાતા તેણે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક તળાવ કિનારે પલટી ગઈ હતી.
8 કામદારોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. એક કામદારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં 5 મહિલાઓ છે. મૃતકોની ઓળખ મુનિચંદ્ર (38), દુર્ગા (32), લક્ષ્મી દેવી (36), રમના (42), શ્રીનુ (32), રાધા (39), વેંકટ સુબ્બમ્મા (37), ચિત્તમ્મા (25) અને સુબ્બા રત્નમ્મા (45) તરીકે થઈ છે.
અકસ્માતમાં 10 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને રાજમપેટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક કામદારોને ગંભીર હાલતને કારણે કડપા રિમ્સ મોકલવામાં આવ્યા હતા.
આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પરિવહન મંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોની સારી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
તેમણે અધિકારીઓ સાથે અકસ્માતના કારણો વિશે પણ વાત કરી અને આવા અકસ્માતો ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું.
જિલ્લા પ્રભારી મંત્રી બી. સી. જનાર્દન રેડ્ડીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, સરકાર પીડિતોના પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડશે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાય. એસ. જગન મોહન રેડ્ડીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે સરકારને ઈજાગ્રસ્તોને સારી સારવાર અને મૃતકોના પરિવારોને આર્થિક મદદ કરવા વિનંતી કરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...