ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ઓછો થતો જણાય છે. શનિવારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહનું યુદ્ધવિરામ પછીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, "પહેલગામનો બદલો લેવાયો. સિંદૂર ભૂંસનારાઓનો બદલો લેવાયો. આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા."
પાકિસ્તાની આર્મીના મુખ્યાલય સુધી ભારતની ધમક : રાજનાથ
રાજનાથે કહ્યું, "પાકિસ્તાની આર્મીના મુખ્યાલય સુધી ભારતની ધમક છે. અમે રાવલપિંડી સુધી ધમાકો કર્યો છે. પાકિસ્તાનની અંદર આતંકવાદી અડ્ડા ઉડાવી દીધા છે. પાકિસ્તાનની અંદર ઘૂસીને મલ્ટીપલ સ્ટ્રાઈક કરી. જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તેથી હું લખનૌ આવી શક્યો નહીં." તમને જણાવી દઈએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લખનૌમાં બ્રહ્મોસ ઈન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે.
રાજનાથે કહ્યું, "આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે જ 1998 માં પોખરણમાં ભારતે પોતાની તાકાત બતાવી હતી. ચાલીસ મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થયો. આજકાલ જે પરિસ્થિતિઓ છે, તેમાં સમયબદ્ધ કામની જરૂર છે. જે આતંકવાદીઓએ આતંકી હુમલો કરીને આપણી બહેનોનું સિંદૂર ભૂંસ્યું, તેનો જવાબ ઓપરેશન સિંદૂરે આપ્યો."
અમે તેમના નાગરિકોને ક્યારેય નિશાન બનાવ્યા નથી : રાજનાથ
રાજનાથે કહ્યું, "અમે તેમના નાગરિકોને ક્યારેય નિશાન બનાવ્યા નથી. ભારતમાં આતંકી ઘટનાઓનું શું પરિણામ આવે છે, તે આખી દુનિયા જોઈ રહી છે. આ આતંકવાદ સામે નવું ભારત છે. સરહદની આ પાર અને પેલે પાર કડક કાર્યવાહી થશે, તે PM મોદીએ જણાવી દીધું છે. જે પણ ભારતમાં આતંકી ઘટનાઓને અંજામ આપશે, સરહદ પારની જમીન પણ તેને બચાવી નહીં શકે. આખી દુનિયાએ જોયું કે ભારત આતંકવાદને કઈ રીતે ચોટ પહોંચાડે છે."
ઓપરેશન સિંદૂર શરૂ કરવાના હેતુ વિશે જણાવ્યું...
રાજનાથે કહ્યું, "ભારતીય સેનાઓએ પાકિસ્તાનમાં હાજર આતંકી માળખું તોડી પાડવાના ઉદ્દેશ્યથી ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. અમે તેમના સામાન્ય નાગરિકોને ક્યારેય નિશાન બનાવ્યા નથી, પરંતુ પાકિસ્તાને માત્ર ભારતીય નાગરિકોને જ નિશાન બનાવ્યા નથી, પરંતુ મંદિર, ચર્ચ, ગુરુદ્વારામાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ શૌર્ય અને પરાક્રમ સાથે સંયમનો પરિચય આપ્યો. અમે માત્ર સરહદ પર બનેલા સૈન્ય ઠેકાણાઓ પર જ કાર્યવાહી કરી નથી, પરંતુ ભારતની સેનાની ધમક રાવલપિંડી સુધી પહોંચી ગઈ છે, જ્યાં પાકિસ્તાની ફોજનું હેડક્વાર્ટર છે."