ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી યથાવત છે અને પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જો કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સામાન્ય નાગરિકો પર હુમલો કરવાની વાતને નકારી કાઢી હતી, પરંતુ હવે ખ્વાજા આસિફનો બેવડો ચહેરો સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક CCTV કેમેરામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગોળીબારીની ઘટના કેદ થઈ ગઈ છે. આ વીડિયો સામે આવતા જ ખ્વાજા આસિફનું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે. આ વીડિયો 7 મેના રોજ થયેલા હુમલાનો હોવાનું કહેવાય છે.
ઘરને બનાવ્યું નિશાન...
હકીકતમાં, ભારત પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે તેમના મુલ્કે ભારતમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાની આર્મીએ સિવિલિયન વિસ્તારોમાં ગોળીબાર કર્યો નથી. જો કે, પાકિસ્તાની સંરક્ષણ મંત્રીના તમામ દાવા તે સમયે ખોટા સાબિત થયા જ્યારે પૂંછના એક ઘરમાં લાગેલા CCTV કેમેરામાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગોળીબારીની ઘટના કેદ થઈ ગઈ. આ વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામાન્ય નાગરિકોના ઘરોને કેવી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનને મળ્યો જડબાતોડ જવાબ...
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન દ્વારા ભારત પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જો કે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે. આ ક્રમમાં ગુરુવારે રાત્રે પાકિસ્તાન તરફથી મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાનમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. તે જ સમયે, ગુજરાતમાં પણ કેટલાક ડ્રોન જોવા મળ્યા હતા. ભારતે તેમના ત્રણ લડાકુ વિમાનોને પણ તોડી પાડ્યા છે, જેમાં બે JF-17 અને એક F-16 નો સમાવેશ થાય છે અને તેમનો એક પાયલટ પણ પકડાયો છે.