જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંકમાં ભયંકર વધારો થયો છે. સૂત્રો દ્વારા મળતી અત્યંત દુઃખદ માહિતી અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આતંકીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
સ્થિતિની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક દિલ્હીથી શ્રીનગર જવા રવાના થઈ ગયા છે અને PM નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી છે.
આટલા મોટા આતંકી હુમલા બાદ આતંકીઓને ઠાર મારવા માટે સુરક્ષા દળો દ્વારા એક વિશાળ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાની વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની SOG અને CRPF ના જવાનોએ સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે ખડેપગે છે અને ઉચ્ચ અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
આતંકી હુમલાના સમાચાર સામે આવતાની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં સેના અને ગુપ્તચર એજન્સીઓના મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હુમલા બાદની પરિસ્થિતિ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ તાત્કાલિક કાશ્મીર જવા રવાના થઈ ગયા હતા.
આટલો મોટો હુમલો કેવી રીતે થયો? મળતી માહિતી મુજબ, બપોરે 2.30 વાગ્યે 2-3 ની સંખ્યામાં આતંકીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે પ્રવાસીઓના ઓળખ કાર્ડ તપાસવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. દુર્ભાગ્યવશ, તે સમયે એક સેના અધિકારી પણ પોતાના પરિવાર સાથે ત્યાં ફરવા માટે આવ્યા હતા. તેમણે પોતાની જાતને જોખમમાં મૂકીને ત્યાં હાજર અન્ય લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો અને આડશ લીધી. આતંકવાદીઓએ લોકોના નામ પૂછીને તેમને ગોળી મારીને હત્યા કરી હતી.
આ સમગ્ર ઘટના જમ્મુ-કાશ્મીરના પહેલગામના બેસરણામાં બની હતી. આ ભયાનક આતંકી હુમલાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે અને PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત દેશના તમામ મોટા નેતાઓએ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે.