ગૃહ મંત્રાલયમાં મંગળવારે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ, જેમાં દેશની આંતરિક સુરક્ષાને લઈને ગહન ચર્ચા કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામનારા લોકોમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા. આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા ગૃહ સચિવ ગોવિંદ મોહને કરી હતી.
આ બેઠકમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), આસામ રાઇફલ્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના મહાનિદેશક ઉપરાંત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ આતંકવાદ વિરોધી સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં, ઓપરેશનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોઈ વિશેષ માહિતી જાહેર કરવામાં આવી રહી નથી.
આતંકવાદ સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી...
સોમવારે ડોડા જિલ્લામાં આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરવા અને આતંકવાદ સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે 13 સ્થળો પર ધૂમ રેડ પાડી હતી. બીજી તરફ, શ્રીનગર પોલીસે પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) અને સહયોગીઓના ઠેકાણાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા.
શ્રીનગરમાં 63 લોકોના ઘરોની લેવામાં આવી તલાશી...
પોલીસની પ્રેસ અનુસાર, શ્રીનગરમાં કુલ 63 લોકોના ઘરોની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી અભિયાન કાયદેસરની રીતે કાર્યકારી મેજિસ્ટ્રેટો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અધિકારીઓની નિગરાની હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય હથિયારો, દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસીસ વગેરેની રિકવરી દ્વારા પુરાવા અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો છે, જેથી કોઈપણ ષડયંત્રકારી અથવા આતંકવાદી પ્રવૃત્તિને સમયસર નિષ્ફળ બનાવી શકાય.