FASTag માટે KYV પ્રક્રિયા હવે વધુ સરળ
NHAI અને IHMCLએ મુસાફરોની મુશ્કેલી દૂર કરવા KYV પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા

FASTag KYV નવી માર્ગદર્શિકા

FASTag KYV નવી માર્ગદર્શિકા
ટોલ પ્લાઝા પર FASTag બ્લોક થવાના અનેક બનાવો સામે આવ્યા બાદ, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) હેઠળ કાર્યરત ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા FASTagની KYV (Know Your Vehicle) પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. ઑગસ્ટ 2024માં શરૂ થયેલી આ ફરજિયાત પ્રક્રિયાના કડક અમલથી મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા હોબાળા બાદ આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.
KYV પ્રક્રિયામાં થયેલા મહત્ત્વપૂર્ણ ફેરફારો :
NHAI દ્વારા લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ FASTagના દુરુપયોગ અને છેતરપિંડીને રોકવાનો તેમજ ગ્રાહકોની સુવિધા વધારવાનો છે. IHMCL દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપે છે, ખાસ કરીને દસ્તાવેજો અપલોડ કરવાની જટિલ પ્રક્રિયામાં.
ફોટોગ્રાફ અપલોડમાં સરળતા :
અગાઉ KYV માટે વાહનના વિવિધ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા પડતા હતા. હવે કાર, જીપ અથવા વાન માટે માત્ર ફ્રન્ટ-વ્યૂ ફોટો અપલોડ કરવાની જરૂર પડશે, જેમાં નંબર પ્લેટ અને FASTag સ્ટીકર સ્પષ્ટપણે દેખાવા જોઈએ
RC વિગતોનું ઓટોમેટિક વેરિફિકેશન :
આ સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે, જેણે દસ્તાવેજો અપલોડ કરવાની મુશ્કેલી દૂર કરી છે. સિસ્ટમ હવે 'વાહન' પોર્ટલ પરથી RC (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)ની માહિતી આપોઆપ મેળવી લેશે. વાહનચાલકે ફક્ત વાહન નંબર, ચેસિસ નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવાની જરૂર રહેશે. અગાઉ, ડિજિલોકર કે એમપરિવાહન એપ પરથી RCની ડિજિટલ નકલો અપલોડ કરવી ફરજિયાત હતી.
તાત્કાલિક FASTag બ્લોક નહીં થાય :
અગાઉ KYV અપડેટ ન થવા પર FASTags તાત્કાલિક બ્લોક કે નિષ્ક્રિય થઈ જતા હતા, જેના કારણે અનેક ફરિયાદો ઊઠી હતી. જો કે, IHMCLએ સ્પષ્ટતા કરી છે કે KYV અપડેટ ન હોય તેવા વાહનોની FASTag સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવશે નહીં. યુઝર્સને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવશે.
બેંક સહાય અને હેલ્પલાઇન સુવિધા :
બેંકો વાહનચાલકોને KYV વિશે યાદ અપાવવા માટે SMS મોકલશે.
દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલી પડનાર ગ્રાહકોનો બેંક સંપર્ક કરીને પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે.
કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે વાહનચાલકો નેશનલ હાઇવે હેલ્પલાઇન નંબર 1033 પર કોલ કરીને ફરિયાદ અથવા પ્રશ્ન નોંધાવી શકે છે.
KYV (Know Your Vehicle) શું છે?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા લાગુ કરાયેલી KYV પ્રક્રિયા હેઠળ, FASTag યુઝર્સે તેના વાહનના ફોટો અને RCની વિગતો અપલોડ કરવાની હોય છે. સરકારનો હેતુ ટેગના છેતરપિંડી અને દુરુપયોગને રોકવાનો છે. કારણ કે, એવું જોવા મળ્યું હતું કે ઘણાં લોકો અલગ અલગ વાહનો માટે એક જ ટેગનો ઉપયોગ કરે છે અથવા ખોટી વિગતો સાથે FASTags મેળવે છે. KYV દ્વારા આવી અનિયમિતતાઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...