મસ્જિદમાં છુપાયો, SSPનો વીડિયો કોલ પણ ન માન્યો... 2:45 વાગ્યે શું થયું કે લતીફ ભટનું એન્કાઉન્ટર થયું?
kulgam-encounter-let-commander-latief-bhat-killed-mosque-surrender-crpf-attack
મસ્જિદમાં છુપાયો, SSPનો વીડિયો કોલ પણ ન માન્યો અને વહેલી સવારે 2:45 વાગ્યે થયો ગોળીબાર! કુલગામમાં લશ્કર કમાન્ડર લતીફ ભટના એન્કાઉન્ટર પહેલાં શું થયું હતું?
કુલગામ એન્કાઉન્ટર, લતીફ ભટ, લશ્કર-એ-તૈયબા, CRPF ચેકપોસ્ટ હુમલો, જમ્મુ-કાશ્મીર આતંકવાદ સમાચાર
કુલગામ એન્કાઉન્ટર, લતીફ ભટ એન્કાઉન્ટર, લતીફ ભટ ઠાર, લશ્કર કમાન્ડર લતીફ ભટ, લશ્કર-એ-તૈયબા આતંકવાદી, કુલગામ આતંકવાદી ઓપરેશન, જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટર, કુલગામ લેટેસ્ટ ન્યૂઝ, મસ્જિદમાં છુપાયેલો આતંકવાદી, લતીફ ભટ સરેન્ડર વીડિયો કોલ, SSP અનાયત અલી ચૌધરી, CRPF ચેકપોસ્ટ હુમલો, અખરાન CRPF હુમલો, CRPFના ત્રણ જવાનો ઘાયલ, ઉમર નિસાર ડાર એન્કાઉન્ટર, કુલગામ CCTV રેકી ફૂટેજ, જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળો, આતંકવાદ વિરોધી ઓપરેશન, જમ્મુ-કાશ્મીર આતંકવાદ સમાચાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સમાચાર, કુલગામ પોલીસ કાર્યવાહી, લતીફ ભટ લેટેસ્ટ અપડેટ, કાશ્મીર આતંકવાદ સમાચાર, જમ્મુ-કાશ્મીર તાજા સમાચાર
જમ્મુ-કાશ્મીર સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઓપરેશન સમાચાર
કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર લતીફ ભટ ઠાર, જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોનું ઓપરેશન
કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર લતીફ ભટ ઠાર.
Latif Bhatt Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ લતીફ ભટને ઠાર કર્યો છે. 18 નવેમ્બર, બુધવારના રોજ વહેલી સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં લતીફ ભટ મસ્જિદની અંદર છુપાયો હતો. સુરક્ષા દળોએ તેને જીવતો પકડવા અને આત્મસમર્પણ કરાવવા અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે હથિયાર મૂકવાનો ઇનકાર કર્યો હતો. અંતે એન્કાઉન્ટરમાં તેનું મોત થયું.
વીડિયો કોલથી સરેન્ડર કરાવવાનો પ્રયાસ, છતાં ગોળીબાર
પોલીસને લતીફ ભટની હાજરી અંગે વિશ્વસનીય ગુપ્તચર માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન લતીફ ભટ એક મસ્જિદમાં જઈને છુપાઈ ગયો હતો. કુલગામના SSP અનાયત અલી ચૌધરીના જણાવ્યા પ્રમાણે, તેમણે પોતે અને 9 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસરે વીડિયો કોલ મારફતે લતીફ સાથે લાંબી વાતચીત કરી હતી. તેને હથિયાર મૂકીને આત્મસમર્પણ કરવા સમજાવવામાં આવ્યો હતો. પોલીસ તરફથી વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં તેણે સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો. SSPના જણાવ્યા પ્રમાણે, વહેલી સવારે લગભગ 2:45 વાગ્યે લતીફે મસ્જિદની અંદરથી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. મસ્જિદને નુકસાન ન થાય તે માટે સુરક્ષા દળોએ અત્યંત સંયમ રાખ્યો અને નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કર્યું હતું. જોકે, અંતે ઓપરેશન દરમિયાન લતીફ ભટ માર્યો ગયો.
CRPF ચેકપોસ્ટ પર હુમલામાં નામ સામે આવ્યું હતું
લતીફ ભટનું નામ 11 નવેમ્બર, 2026ના રોજ કુલગામના અખરાન વિસ્તારમાં CRPF ચેકપોસ્ટ પર થયેલા હુમલામાં સામે આવ્યું હતું. આ હુમલામાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા. તપાસમાં પોલીસને લતીફ ભટ અને તેના સાથી ઉમર નિસાર ડારની શંકાસ્પદ હિલચાલના CCTV ફૂટેજ મળ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલાના એક દિવસ પહેલાં એટલે કે 10 નવેમ્બરે બંનેએ મીર બજાર, અખરાન, હબલિશ અને કિલમ સહિતનાં વિસ્તારોમાં રેકી કરી હતી. આ સ્થળોની તપાસ કરીને સુરક્ષા દળોને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હોવાની આશંકા તપાસમાં સામે આવી હતી.
સાથી ઉમર નિસાર ડાર પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો
લતીફ ભટને પકડવા માટે સુરક્ષા દળોએ કુલગામમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન વધુ તેજ બનાવ્યું હતું. આ દરમિયાન 16 નવેમ્બરે લારૂ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં તેનો સાથી ઉમર નિસાર ડાર માર્યો ગયો હતો. જોકે, લતીફ ભટ તે સમયે સુરક્ષા દળોની પકડમાંથી છટકી ગયો હતો અને તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. પોલીસે લતીફ ભટ પર અનંતનાગમાં 22 જુલાઈના રોજ થયેલા પોલીસકર્મી પરના હુમલા અને 1 ઓગસ્ટે કુલગામમાં બે પરપ્રાંતીય કામદારોની હત્યામાં પણ સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો. આ તમામ કેસોમાં તેની કથિત ભૂમિકાની તપાસ ચાલી રહી હતી.
500થી વધુ લોકોની પૂછપરછ, સુરક્ષા એજન્સીઓની નજર
CRPF ચેકપોસ્ટ પરના હુમલા બાદ કુલગામ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. વિવિધ સ્થળોએ નાકાબંધી, સર્ચ ઓપરેશન અને પૂછપરછ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ કેસની તપાસ દરમિયાન 500થી વધુ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા હતા. લતીફ ભટના એન્કાઉન્ટર સાથે કુલગામમાં CRPF ચેકપોસ્ટ હુમલાની તપાસમાં મહત્વપૂર્ણ કડી સામે આવી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ હવે આ હુમલા પાછળના નેટવર્ક, મદદગારો અને અન્ય સંભવિત આતંકવાદી સંપર્કોની તપાસ આગળ વધારી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન યથાવત્ છે.