Cyclone Akvan Odisha: બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'અક્વાન' (Cyclone Akvan) હવે ભારતના પૂર્વીય દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 50 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઓડિશાના 11 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું 20 નવેમ્બરે આંધ્રપ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ચક્રવાત અક્વાનના જોખમને જોતા રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત નીચાણવાળા, પહાડી અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વાવાઝોડા દરમિયાન એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તેવો 'ઝીરો કેઝ્યુઆલિટી' લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.
50 હજાર લોકોનું સ્થળાંતર, 3 હજાર ચક્રવાત રાહત કેન્દ્રો તૈયાર
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બુધવારે વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બચાવ કામગીરી, રાહત વ્યવસ્થા અને સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 50 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગંજમ જિલ્લામાં સૌથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. ગંજમ ઉપરાંત ગજપતિ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાના અનેક ગામોમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. વાવાઝોડા સામે લડવા માટે રાજ્યમાં કુલ 3,000 ચક્રવાત રાહત કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાંથી 448 કેન્દ્રો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાહત અને બચાવ કામગીરી માટે 15 જિલ્લાઓને આશરે રૂ. 20 કરોડની સહાય ફાળવવામાં આવી છે.
11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ભારતીય હવામાન વિભાગે 19 અને 20 નવેમ્બરના રોજ ઓડિશાના 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, કાલાહાંડી, ગજપતિ, ગંજમ, કંધમાલ, બૌધ, પુરી, નયાગઢ અને ખુર્દા જિલ્લામાં વરસાદનું જોખમ વધુ રહેવાની શક્યતા છે. IMDના તાજેતરના ચક્રવાત બુલેટિન મુજબ, વાવાઝોડું 20 નવેમ્બરે નરસાપુરથી પુરી વચ્ચેના ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની મહત્તમ ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝટકાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. તેથી તંત્ર દ્વારા લોકોને દરિયાકાંઠા અને જોખમી વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે.
6 જિલ્લામાં ત્રણ દિવસ શાળાઓ બંધ, સરકારી કર્મચારીઓની રજા રદ
ચક્રવાત અક્વાનના ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે છ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગંજમ, ગજપતિ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા અને કંધમાલ જિલ્લામાં 19થી 21 નવેમ્બર સુધી ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જેથી કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય. સંવેદનશીલ વિસ્તારોમાં વરિષ્ઠ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રને સતત સ્થિતિ પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
સરકારનો ઝીરો કેઝ્યુઆલિટી લક્ષ્યાંક, બચાવ ટીમો એલર્ટ
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર માટે નાગરિકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. વાવાઝોડાની અસર થાય તે પહેલાં જ જોખમી વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને રાહત કેન્દ્રોમાં જરૂરી વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઓડિશા સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે સૌની નજર 20 નવેમ્બરે થનારા સંભવિત લેન્ડફોલ પર છે. વાવાઝોડાની દિશા, પવનની ઝડપ અને વરસાદની તીવ્રતા પ્રમાણે આગામી કલાકોમાં બચાવ અને રાહત કામગીરી વધુ તેજ કરવામાં આવી શકે છે.