IRCTC વેબસાઇટ-એપ ડાઉન: ધનતેરસ પહેલાં મુસાફરો ફસાયા
સવારે 9 વાગ્યાથી સમસ્યા, 6,000 ફરિયાદો; ટિકિટ બુકિંગ અટક્યું, હજારો લોકો પરેશાન

IRCTC વેબસાઇટ-એપ ડાઉન

IRCTC વેબસાઇટ-એપ ડાઉન
દિવાળીના તહેવારોની ખરીદી અને વતન જવાની દોડધામ વચ્ચે શુક્રવાર, 17 ઑક્ટોબરના રોજ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન અચાનક ડાઉન થતાં હજારો રેલ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તહેવારોની સિઝનમાં ટિકિટ બુકિંગની સૌથી વધુ માંગ હોય ત્યારે જ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરવામાં તથા અન્ય સેવાઓનો લાભ લેવામાં યુઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
સવારે 9 વાગ્યાથી સમસ્યા, 6,000 ફરિયાદો નોંધાઈ
આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર અનુસાર, આ સમસ્યા આજે સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ હતી. સવારે 11:00 વાગ્યા સુધીમાં, આશરે 6,000 જેટલા યુઝર્સે IRCTCની સેવાઓમાં અવરોધ અંગે ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદોમાં 49% ફરિયાદો વેબસાઇટ સાથે સંબંધિત હતી, 37% એપ્લિકેશન પર હતી, જ્યારે 14% ફરિયાદો રેલવે સ્ટેશન ટિકિટિંગ સંબંધિત હોવાનું સામે આવ્યું છે. ટિકિટ બુક ન થવાને કારણે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાનો રોષ અને નારાજગી વ્યક્ત કરી છે.
IRCTCએ ટેકનિકલ કારણ જણાવ્યું
આ સમસ્યા અંગે IRCTCના અધિકારીઓનું કહેવું છે કે ટેકનિકલ કારણોસર વેબસાઇટ અને એપ્લિકેશનની સેવાઓમાં આ અવરોધ ઊભો થયો છે. અધિકારીઓએ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટેના પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું છે. જોકે, દિવાળી અને ધનતેરસ જેવા મહત્ત્વપૂર્ણ તહેવારો પહેલાં જ આ સર્વર ડાઉન થવાના કારણે ખાસ કરીને છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરવા માંગતા મુસાફરોની ચિંતા વધી ગઈ છે.
સેવા ડાઉન તો મુસાફરો શું કરી શકે?
જો યુઝર્સ IRCTCની વેબસાઇટ પર 'મેન્ટેનન્સનાં કારણે, ઇ-ટિકિટિંગ સેવાઓ ઉપલબ્ધ નથી. કૃપા કરીને પછીથી ફરી પ્રયાસ કરો' (Due to maintenance, e-ticketing services are unavailable. Please try again later) જેવો મેસેજ જુએ, તો તેઓ વૈકલ્પિક રીતે ગ્રાહક સંભાળનો સંપર્ક કરી શકે છે. યુઝર્સ 14646, 08044647999 અને 08035734999 જેવા ગ્રાહક સંભાળ નંબરો પર કૉલ કરીને અથવા etickets@irctc.co.in પર ઇમેઇલ દ્વારા તેમની બુકિંગ સંબંધિત ચિંતાઓ જણાવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...