IRCTC કૌભાંડ: લાલુ, તેજસ્વી અને રાબડી દેવી પર આરોપ
રાઉઝ એવન્યુ કોર્ટનું અવલોકન: ટેન્ડર કાવતરામાં લાલુ યાદવની સંડોવણી હોવાનું કોર્ટનું અનુમાન

બિહાર ચૂંટણી પહેલા લાલુની મુશ્કેલી વધી

બિહાર ચૂંટણી પહેલા લાલુની મુશ્કેલી વધી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહેલા IRCTC કૌભાંડ કેસની સુનાવણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી વિરુદ્ધ ગંભીર આરોપો ઘડવામાં આવ્યા છે.
કોર્ટે ટકોર કરી હતી કે "ટેન્ડર કૌભાંડનું સમગ્ર કાવતરું લાલુ યાદવની જાણકારીથી ઘડવામાં આવ્યું હતું. ટેન્ડરમાં તેમની સીધી સંડોવણી હતી." કોર્ટે લાલુ યાદવને પૂછ્યું હતું કે, "શું તમે આરોપો સ્વીકારો છો? દોષિત માનો છો? કે પછી ટ્રાયલનો સામનો કરશો?"
શું છે IRCTC કૌભાંડ (લેન્ડ ફોર જોબ્સ કેસ)?
આ કેસ 2004 થી 2009ના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો આરોપ છે કે આ દરમિયાન, રેલવેની બે BNR હોટલો (રાંચી અને પુરીમાં) IRCTCને ટ્રાન્સફર કર્યા પછી, તેના જાળવણી અને સુધારાનો કોન્ટ્રાક્ટ ગેરકાયદેસર રીતે સુજાતા હોટેલ્સ નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો.
CBIના મતે, આ સોદાના બદલામાં લાલુ પરિવારને પટનામાં કિંમતી જમીન મળી હતી. માત્ર લાલુ પરિવાર જ નહીં, તત્કાલીન IRCTCના અધિકારીઓ વીકે અસ્થાના, આરકે ગોયલ અને સુજાતા હોટેલ્સના ડિરેક્ટર વિજય અને વિનય કોચર પણ આ કેસમાં આરોપી છે.
ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા
CBIએ કોર્ટને જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા થયા હતા અને તત્કાલીન IRCTCના MD, પીકે ગોયલે કથિત રીતે આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 17 જુલાઈ, 2017ના રોજ CBIએ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને આરોપીઓના 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
નોકરીના બદલામાં જમીન ટ્રાન્સફર
CBIની ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આખું કાવતરું 2004 થી 2009ની વચ્ચે ઘડાયું હતું. લાલુ યાદવના નજીકના સહાયક ભલ્લા યાદવે ગામડાઓમાં જઈને લોકોને તેમના પરિવારના સભ્યોને નોકરી અપાવવાના બદલામાં તેમની જમીન લાલુ પરિવારના નામે ટ્રાન્સફર કરવા કહ્યું હતું. તપાસ એજન્સીના દાવા મુજબ, લગભગ તમામ કેસોમાં નોકરી આપતા પહેલા જ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી અને મોટાભાગના કેસોમાં 'ગિફ્ટ ડીડ' (ભેટપત્ર) તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, જમીન ટ્રાન્સફર કરનારા તમામ આરોપીઓએ દાવો કર્યો છે કે તેમને લાલુ પરિવાર દ્વારા રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી.
આ કેસમાં છેલ્લી સુનાવણી 25 ઓગસ્ટ, 2025ના રોજ થઈ હતી, જેમાં કોર્ટે તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...