પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર તાત્કાલિક અને આક્રમક કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે. ભારતે આ હુમલાના જવાબમાં સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત, વાઘા-અટારી બોર્ડરને પણ બંધ કરી દેવામાં આવી છે અને પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતા વિઝા પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.
ભારત સરકારના આ સખત પગલાંથી પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. PM નરેન્દ્ર મોદી દ્વારા આ હુમલાને લઈને આપવામાં આવેલી આકરી ચેતવણી બાદ પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પાકિસ્તાનમાં તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. PM મોદીની ચેતવણી બાદ પાકિસ્તાનના PM શહેબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની તાત્કાલિક બેઠક બોલાવી છે.
આ મહત્વની બેઠકમાં પાકિસ્તાની સેનાના ત્રણેય શાખાના વડાઓ હાજર રહ્યા હતા. પાક આર્મી ચીફ અસીમ મુનીર, નૌસેના પ્રમુખ એડમિરલ અને પાકિસ્તાનના એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર આ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભારત સરકાર દ્વારા કાર્યવાહીની ચેતવણી આપવામાં આવ્યા બાદ પાકિસ્તાને તાત્કાલિક અસરથી પોતાના એરસ્પેસને ભારતીય વિમાનો માટે બંધ કરી દીધું છે. એટલું જ નહીં, ભારતીયોને આપવામાં આવતા વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા છે અને વાઘા બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, ભારતે સિંધુ જળ સંધિ પર પણ રોક લગાવી દીધી છે, જેના કારણે પાકિસ્તાન સરકાર તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે પાણી રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે.
ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ગંભીરતાને દર્શાવે છે. આ હુમલામાં 28 ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, ત્યારબાદ તેમણે આ હુમલાને લઈને કડક ચેતવણી જારી કરી હતી. બુધવારે વિદેશ મંત્રાલયે પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ભારત સરકારે આ હુમલા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે, જેમાં સિંધુ નદી જળ સમજૂતી પર રોક, સાર્ક દેશો દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતા વિઝા પર પ્રતિબંધ અને પાકિસ્તાનમાં આવેલું ભારતીય દૂતાવાસ પણ બંધ કરવાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની NSC બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યો છે, ભારત સાથેનો તમામ વ્યાપાર અટકાવી દેવામાં આવ્યો છે અને ભારતીય વિઝાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પગલાં દર્શાવે છે કે, પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.