સાણંદથી શરૂ થશે ભારતની ચિપ ક્રાંતિ, PM કરશે લોન્ચ
₹7600 કરોડના રોકાણ સાથે સાણંદના OSAT પ્લાન્ટથી ભારતના સેમિકન્ડક્ટર યુગને મળશે નવી દિશા

AI જનરેટેડ

AI જનરેટેડ
India's chip revolution will start from Sanand: ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે 4 જુલાઈ 2026નો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદ ખાતે CG સેમિની અત્યાધુનિક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધામાં સેમિકન્ડક્ટર ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે. વડાપ્રધાનના હસ્તે લૉન્ચ થયા બાદ કંપની દેશ વિદેશમાં તેમના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચીપ્સ મોકલશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી.
CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા ₹7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ ભાગીદારીમાં છે. પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિ કન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.
સેમિકન્ડક્ટર મિશનને મળ્યો મોટો વેગ
કેન્સ સેમિકોન અને હવે CG સેમિ દ્વારા OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. CG સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. આ બન્ને OSAT સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરશે.
OSAT પ્લાન્ટમાં શું થાય છે?
OSAT પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચીપ્સનું એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે. ચીપ્સને અંતિમ સ્વરૂપ આપીને બજારમાં મોકલવાની આખી પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે. CG સેમિ દ્વારા બીજી OSAT સુવિધાનું પણ નિર્માણ ચાલી રહ્યું છે. બંને પ્લાન્ટ કાર્યરત થયા બાદ દરરોજ અંદાજે 1.5 કરોડ ચીપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસશે.
ઓટોમોબાઇલથી સેમિકન્ડક્ટર હબ તરફ સાણંદનો સફર
એક સમયે ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે જાણીતું સાણંદ હવે ઝડપથી ભારતના સેમિકન્ડક્ટર કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. માઇક્રોન ટેક્નોલોજી અને કેન્સ સેમિકોન બાદ CG સેમિનો પ્લાન્ટ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. આ વિકાસના કારણે સાણંદની સરખામણી વિશ્વના અગ્રણી સેમિકન્ડક્ટર શહેરો સાથે થવા લાગી છે.
આધુનિક ટેક્નોલોજીની ચીપ્સનું થશે ઉત્પાદન
આ પ્લાન્ટમાં QFN, QFP જેવી પરંપરાગત ચીપ્સ ઉપરાંત FC-BGA અને FC-CSP જેવી અદ્યતન ચીપ્સનું પણ ઉત્પાદન થશે. આ ચીપ્સનો ઉપયોગ ઓટોમોબાઇલ, ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, 5G ટેક્નોલોજી અને પાવર એપ્લિકેશન જેવા અનેક ક્ષેત્રોમાં થશે.
રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને મળશે પ્રોત્સાહન
હાલમાં CG સેમિમાં 300થી વધુ લોકો કાર્યરત છે. કંપનીના અંદાજ મુજબ આગામી પાંચ વર્ષ દરમિયાન લગભગ 5,000 સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. સાથે સાથે સ્થાનિક સપ્લાય ચેઇન, નાના ઉદ્યોગો, લોજિસ્ટિક્સ અને ટેક્નિકલ સર્વિસ સેક્ટરને પણ મોટો લાભ મળશે.
વડાપ્રધાનનો સ્પષ્ટ સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ ભારતનું લક્ષ્ય માત્ર સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવાનું નથી, પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ડિઝાઇન, ઉત્પાદન, પેકેજિંગ, મશીન મેન્યુફેક્ચરિંગ, સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સહિત સમગ્ર મૂલ્ય શ્રેણીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ દિશામાં 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' મહત્વપૂર્ણ સાબિત થશે.
ગુજરાત બન્યું સેમિકન્ડક્ટર ક્ષેત્રનું કેન્દ્ર
ગુજરાતે દેશમાં સૌથી પહેલાં સેમિકન્ડક્ટર માટે સમર્પિત નીતિ જાહેર કરી હતી. હાલમાં રાજ્યમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG સેમિ, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ સહિત કુલ છ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. આ તમામ પ્રોજેક્ટ્સમાં મળીને લગભગ 14.7 બિલિયન ડોલરનું રોકાણ થઈ રહ્યું છે, જે ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવશે.
ગુજરાતનું ઔદ્યોગિક ભવિષ્ય વધુ મજબૂત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત માત્ર રોકાણનું કેન્દ્ર નહીં પરંતુ ઉત્પાદન, સંશોધન, ડિઝાઇન, કૌશલ્ય વિકાસ અને નવીનતાનું સંપૂર્ણ ટેક્નોલોજી હબ બની રહ્યું છે. સરળ નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગમૈત્રી ગવર્નન્સના કારણે વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા સતત આગળ આવી રહી છે.
માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત
ગુજરાતમાં મંજૂર થયેલા 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, કેઇન્સ સેમિકોન, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ કાર્યરત થઈ ચૂક્યા છે. માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોને સાણંદ GIDC ખાતે તેમની OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ) સુવિધાઓ સ્થાપિત કરી છે. સુચી સેમિકોનનો OSAT પાયલટ પ્લાન્ટ સુરતમાં પહેલેથી જ કાર્યરત છે. જે ભારતની સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટિંગ ક્ષમતાના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. સુચી સેમિકોનની OSAT ફેસિલિટીને તાજેતરમાં ISM દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (Fab) સુવિધાનું નિર્માણ તેના એડવાન્સ્ડ સ્ટેજમાં છે અને આ સુવિધા ભારતની પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી બનશે. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન હેઠળ ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ મંજૂરી આપવામાં આવી છે. જે ભારતનું પ્રથમ વ્યાવસાયિક મિની અને માઇક્રો-LED ડિસ્પ્લે ફેબ તથા પેકેજિંગ યુનિટ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ટુંક સમયમાં ધોલેરા SIR ખાતે શરૂ થવાની અપેક્ષા છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઇકો સિસ્ટમનો વિકાસ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. ઘણી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ રાજ્યમાં કાર્યરત થઈ ચૂકી છે. જેમાં લિન્ડે, તાઇવાનની TSMT, જાપાનની TNSI , ફુજીફિલ્મ અને નિપ્પોન એક્સપ્રેસ, જર્મનીની ઇન્ફિનિયોન ટેક્નોલોજીસ, મલેશિયાની હોતાયી તેમજ ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આવા ભાગીદારોની હાજરી સંકલિત સેમિકન્ડક્ટર ક્લસ્ટર બનાવી રહી છે. જે મોટાપાયે ફેબ્રિકેશન અને પેકેજિંગ કામગીરીને ટેકો આપી શકે છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે તાજેતરમાં ISM 2.0 માટે ₹1.25 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. જેને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જે ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાને વધુ ઊંડી બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વર્ષોની મહેનત બાદ પરીક્ષા પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે અસર કરી શકે છે? પુણેમાં થનારા વિરોધથી લઈને ઉમેદવારોની તમામ માગણીઓ સુધી જાણો સમગ્ર મામલો...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ 6E 225 સાથે બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણો ઘટના કેવી રીતે બની અને તપાસમાં કયા પાસાં પર ધ્યાન અપાઈ રહ્યું છે.

અભિનંદન વર્તમાન IAFમાંથી નિવૃત્તિ બાદ FLY91માં જોડાયા, હવે કોમર્શિયલ પાયલટ બનશે.