સંસદના એનેક્સી ભવનમાં આજે વિદેશ મામલાની સ્થાઈ સંસદીય સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ વિરામ (સીઝફાયર) અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થીના દાવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. સમિતિના સાંસદોએ વિદેશ સચિવ વિક્રમ મિસરીને આ મુદ્દે અનેક સવાલો કર્યા, જેના જવાબમાં મિસરીએ સ્પષ્ટ કર્યું કે સીઝફાયરનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સ્તરે લેવામાં આવ્યો હતો અને તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી ન હતી.
વિદેશ સચિવે સમિતિને ઓપરેશન સિંદૂર અને તેને અનુસરતા ઘટનાક્રમની વિગતવાર જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર કેવી રીતે ચોક્કસ હુમલા કર્યા હતા. આ ઉપરાંત, સીઝફાયરની પ્રક્રિયા અને તેની પાછળના દ્વિપક્ષીય પ્રયાસો અંગે પણ સમિતિને માહિતગાર કરવામાં આવી. સાંસદોએ ખાસ કરીને ટ્રમ્પના દાવા અને અમેરિકાની સંભવિત ભૂમિકા અંગે વધુ સવાલો ઉઠાવ્યા.
નોંધનીય છે કે, જે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ, તે જ દિવસે ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થીને કારણે આ યુદ્ધવિરામ શક્ય બન્યો. થોડા દિવસો બાદ વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે વધુ દાવો કર્યો કે, "મારી સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં મદદ કરી. મેં બંને દેશોને કહ્યું કે જો તમે નહીં રોકાશો, તો અમેરિકા તમારી સાથે વેપાર નહીં કરે. આ પછી બંને દેશો રોકાયા." ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમની સરકારે એક સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવ્યું, જેમાં લાખો લોકોના જીવ જઈ શક્યા હોત. તેમણે આ માટે ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ અને વિદેશ મંત્રી રૂબિયોનો આભાર માન્યો.
જોકે, ભારતના સત્તાવાર નિવેદનોમાં અમેરિકાની કોઈ ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંસદીય સમિતિ સમક્ષ પણ આ વાત પર ભાર મૂક્યો કે સીઝફાયર ભારત અને પાકિસ્તાનના દ્વિપક્ષીય સંવાદ અને સમજદારીનું પરિણામ છે. ટ્રમ્પના દાવાઓએ ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જન્માવી હોય, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયામાં ત્રીજા પક્ષની કોઈ જરૂર નહોતી.
આ બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ ભારતની વિદેશ નીતિ, ખાસ કરીને પાકિસ્તાન સાથેના સંબંધો અને આતંકવાદ સામેની લડાઈ અંગે પણ ચર્ચા કરી. ભારતની આક્રમક નીતિ અને દ્વિપક્ષીય સંવાદ દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસોની સમિતિ દ્વારા પ્રશંસા કરવામાં આવી. આ ઘટનાક્રમ ભારતની કૂટનીતિ અને સુરક્ષા નીતિની મજબૂતાઈને દર્શાવે છે.