ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલા એક હેલિકોપ્ટરે હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ફાટા બડાસુ નજીક આ ઘટનામાં હેલિકોપ્ટરમાં પાયલટ, કો-પાયલટ સહિત કુલ 7 લોકો સવાર હતા, જેમાં 5 ભક્તો હતા. ટેકનિકલ ખામીને લીધે હેલિપેડ સુધી પહોંચી શક્યા વગર, પાયલટે સાવચેતીપૂર્વક હેલિકોપ્ટરને રસ્તા પર ઉતાર્યું. લેન્ડિંગ દરમિયાન એક વાહનને નુકસાન થયું છે, જ્યારે કો-પાયલટને નાની ઈજાઓ પહોંચી છે.
આ હેલિકોપ્ટર ક્રેસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું અને તે સિરસીથી મુસાફરો લઈ કેદારનાથ જઈ રહ્યું હતું. ટેકનિકલ સમસ્યા જાણાતા પાયલટે તરત નિર્ણય લઇ હેલિકોપ્ટરને હાઇવે પર લેન્ડ કરાવ્યું. આ ઘનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મુસાફરોને સલામત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા.
UCADA એ સમગ્ર મામલે DGCAને માહિતી આપી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે, મે 2025માં પણ એક હેલી એમ્બ્યુલન્સ કેદારનાથ ધામ નજીક લેન્ડિંગ વખતે અકસ્માતનો ભોગ બની હતી. તે ઋષિકેશથી આવતા AIIMS હેલી એમ્બ્યુલન્સ હતી. આ ઉપરાંત 8 મેના રોજ ગંગોત્રી ધામ તરફ જતું એક અન્ય હેલિકોપ્ટર પણ ટેકનિકલ ખામીને કારણે ગંગાની નજીક ક્રેશ થયું હતું, જેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા.
આ બનાવ ફરીથી હેલિકોપ્ટર સુરક્ષા અને ટેકનિકલ ચકાસણીના મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે, ખાસ કરીને પવિત્ર ધામોની યાત્રા દરમિયાન, જ્યાં દર વર્ષે હજારો ભક્તો હેલિકોપ્ટર મારફતે પ્રવાસ કરે છે.