48 કલાકમાં એર ટિકિટનું ફ્રી કેન્સલેશન કરી શકાશે
ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર ફ્રી કેન્સલેશનની સુવિધા આપતા નવા નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડ્યો

એરપોર્ટ

એરપોર્ટ
હવાઈ મુસાફરી કરતા લોકો માટે DGCA ટૂંક સમયમાં જ એક મોટી રાહત લઈને આવી રહ્યું છે. DGCA દ્વારા નવા નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત મુસાફરોને ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની એર ટિકિટ રદ્દ કરવાની અથવા તેમાં ફેરફાર કરવાની સુવિધા મળી શકશે. આ ડ્રાફ્ટ પ્રસ્તાવ પર DGCA એ 30 નવેમ્બર સુધી જનતા પાસેથી સૂચનો માંગ્યા છે. જો આ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, તો ભારતમાં હવાઈ મુસાફરીના નિયમોમાં આ એક ક્રાંતિકારી ફેરફાર સાબિત થશે, જોકે તેના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
કોઈપણ ભૂલ 24 કલાકમાં સુધારી શકાશે
DGCA દ્વારા રજૂ કરાયેલા આ નવા ડ્રાફ્ટ નિયમોમાં મુસાફરોને 3 મુખ્ય બાબતોમાં લાભ થશે. પ્રથમ અને સૌથી મહત્વનો નિયમ છે 'લુક-ઇન પિરિયડ'. આ નિયમ હેઠળ, બુકિંગ કર્યા પછી મુસાફરને 48 કલાકનો લુક-ઈન પિરિયડ મળશે. આનો અર્થ એ છે કે, મુસાફર કાળજીપૂર્વક વિચારી શકે છે અને જો ટિકિટમાં કોઈ ગેરફાયદો જણાય તો વધારાના ચાર્જ વિના રદ્દ કરી શકે છે. આ ઉપરાંત, નામની કોઈપણ ભૂલ પણ 24 કલાકની અંદર મફતમાં સુધારી શકાશે. તબીબી કટોકટીના કિસ્સામાં એરલાઈન રિફંડ પણ આપી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash: AAIBનો પ્રાથમિક અહેવાલ અને DGCAનો કડક નિર્દેશ
રિફંડ માટેની સંપૂર્ણ જવાબદારી એરલાઈનની રહેશે
બીજો મહત્ત્વનો નિયમ રિફંડની જવાબદારી અને સમયમર્યાદા અંગે છે. મુસાફરે ટિકિટ સીધી એરલાઈનની વેબસાઈટ પરથી બુક કરાવી હોય કે ટ્રાવેલ એજન્ટ અથવા પોર્ટલ દ્વારા, રિફંડ માટેની સંપૂર્ણ જવાબદારી એરલાઇનની રહેશે. એરલાઇનને 21 કાર્યકારી દિવસોમાં રિફંડ જારી કરવું ફરજિયાત રહેશે. હાલમાં રિફંડ પ્રક્રિયા ધીમી છે, જેના કારણે મુસાફરોને અસુવિધા થાય છે, ખાસ કરીને ટ્રાવેલ એજન્ટો દ્વારા કરવામાં આવેલા બુકિંગમાં વિલંબ સામાન્ય હોય છે. આ DGCA દરખાસ્તનો હેતુ આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને મુસાફરો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરવાનો છે.
એરલાઈન્સને આવક પર અસર થવાનો ડર
ત્રીજો નિયમ ટિકિટમાં સુધારા માટે લાગુ થશે. જો મુસાફર ટિકિટમાં સુધારો કરી રહ્યો હોય, તો માત્ર નવી ફ્લાઈટના ભાડાનો તફાવત લાગુ થશે, રદ્દ કે ફેરફારની કોઈ ફી લાગશે નહિ. જોકે, આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે ફ્લાઈટ મુસાફરીની તારીખ બુકિંગ ની તારીખથી ઓછામાં ઓછી 5 દિવસ (ડોમેસ્ટિક મુસાફરી માટે) અથવા 15 દિવસ (આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે) દૂર હોય. હાલમાં ભારતમાં એર ટિકિટ રદ્દ કરવા માટે કોઈ પ્રમાણભૂત ગ્રેસ પિરિયડ નથી અને મોટાભાગની એરલાઈન્સ તેમની પોતાની નીતિઓ મુજબ ભારે ફી વસૂલ કરે છે. આ નિયમો અમેરિકા અને યુરોપના નિયમોથી પ્રેરિત હોય એવું માનવામાં આવે છે, જ્યાં 24 કલાક મફત રદ્દ કરવાની સુવિધા પ્રમાણભૂત છે. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે, આ ફેરફાર ગ્રાહકોને સશક્ત બનાવશે અને વિશ્વાસ વધારશે, જોકે કેટલીક એરલાઈન્સને તેમની આવક પર અસર થવાનો ડર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ