ઇ-કોમર્સ લૂંટ: હવે કેન્દ્ર કરશે કાર્યવાહી!
ગ્રાહકોનો આક્રોશ: Amazon, Flipkart પર સરકારે તપાસ માંડી, ગ્રાહક અધિકારનું ઉલ્લંઘન

Amazon, Flipkart પર સરકારે તપાસ માંડી

Amazon, Flipkart પર સરકારે તપાસ માંડી
ભારતના ઇ-કોમર્સની બે સૌથી મોટી કંપનીઓ, Flipkart અને Amazon, ગ્રાહકો પાસેથી મનસ્વી ચાર્જિસ અને 'પ્લેટફોર્મ ફી' વસૂલવાના મુદ્દે કેન્દ્ર સરકારની તપાસના ઘેરામાં આવી ગઈ છે. ગ્રાહકોની વ્યાપક ફરિયાદો બાદ કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આ મામલે સખ્ત કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગ્રાહક બાબતોના વિભાગને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ સામે મનસ્વી ફી વસૂલવા અંગે અનેક ફરિયાદો મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 'કેશ-ઓન-ડિલિવરી' માટે વધારાનો ચાર્જ વસૂલવાની પ્રથાને 'ડાર્ક પેટર્ન' તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને તેમનું શોષણ કરે છે.
સંકલિત તપાસના આદેશ આપતા મંત્રીએ ખાતરી આપી કે, "પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ભારતના વિકસતા ઇ-કોમર્સ સેક્ટરમાં યોગ્ય પ્રથાઓ જાળવવા માટે ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
તહેવારોની સિઝનમાં ધડાકો
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે Amazon અને Flipkart પર ચાલી રહેલા તહેવારોના વેચાણ વચ્ચે સેંકડો ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી. ગ્રાહકોએ આરોપ લગાવ્યો કે ડિસ્કાઉન્ટ બાદ પણ પ્લેટફોર્મ્સ વિવિધ નામે ઊંચા ચાર્જિસ વસૂલી રહ્યા છે.
એક ગ્રાહકે Flipkartના ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં ₹23,999ની વસ્તુ પર કુલ ₹226ની વધારાની ફી વસૂલવામાં આવી હતી. આ ફીમાં ₹99 પ્લેટફોર્મ ફી, ₹48 'પેમેન્ટ હેન્ડલિંગ ફી' અને ₹79 'પ્રોટેક્ટ પ્રોમિસ ફી'નો સમાવેશ થતો હતો. ગ્રાહકે આકરી ટીકા કરતા કહ્યું કે કંપનીઓ 'ઓફર હેન્ડલિંગ ફી' અને 'પેમેન્ટ હેન્ડલિંગ ફી' જેવા તર્કહીન ચાર્જ વસૂલી રહી છે.
માત્ર Flipkart, Amazon નહીં, અન્ય પ્લેટફોર્મ્સ પણ નિશાન પર
ફરિયાદકર્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ સમસ્યા માત્ર Flipkart કે Amazon પૂરતી સીમિત નથી. Zomato (ફેસ્ટિવલ ફી) અને Lenskart (ફિટિંગ ફી) જેવા અન્ય પ્લેટફોર્મ્સ પણ હવે વધારાની અને ગેરવાજબી ફીને સામાન્ય બનાવી રહ્યા છે. આ મુદ્દો ગ્રાહકોમાં મોટો આક્રોશ પેદા કરી રહ્યો છે, કારણ કે ડિલિવરી દરમિયાન પ્રોડક્ટ વેરિફિકેશન જેવી સેવાઓ માટે પણ ગ્રાહકો પાસેથી અનિવાર્યપણે ચાર્જ લેવાઈ રહ્યો છે. ઘણી વખત એવું પણ સામે આવ્યું છે જેમાં હેવી ઓફર્સ સાથે ચીજવસ્તુનો ઓર્ડર આપ્યો હોય પરતું તે આપમેળે જ કેન્સલ થઇ જતી હોય છે.
કેન્દ્ર સરકારની આ તપાસ ભારતમાં ઇ-કોમર્સના નિયમોને વધુ પારદર્શક અને ગ્રાહક-કેન્દ્રિત બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...