તૃષા કૃષ્ણન પર ટિપ્પણી ઉદયનિધિ સ્ટાલિનને પડી મોંઘી
અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી બદલ વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
DMK Leader Udhayanidhi Stalin Detained: તમિલનાડુના રાજકારણમાં મંગળવારે એક અભૂતપૂર્વ અને મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિનની પોલીસે તેમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાનેથી અટકાયત કરી છે. કાવેરી જળ વિવાદ અંગે તંજાવુરમાં આયોજિત એક વિરોધ રેલી દરમિયાન તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી તૃષા કૃષ્ણન અને મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ કથિત રીતે દ્વિઅર્થી અને અશ્લીલ ટિપ્પણી કરવા બદલ તેમની સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ પોલીસે તેમની વિરુદ્ધ અલગ-અલગ 6 કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરી છે. ધરપકડથી બચવા માટે ઉદયનિધિએ મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે પણ અરજી કરી છે.
#WATCH चेन्नई: DMK नेता और तमिल नाडु विधानसभा में नेता प्रतिपक्ष उदयनिधि स्टालिन को पुलिस ने उनके चेन्नई घर से हिरासत में ले लिया।
— ANI_HindiNews (@AHindinews) August 4, 2026
उनके खिलाफ FIR दर्ज की गई है। यह FIR एक्टर त्रिशा और मुख्यमंत्री विजय के खिलाफ उनकी कथित अपमानजनक टिप्पणियों के लिए की गई थी। कल उनकी रैली में… pic.twitter.com/HguHaaSt4c
રેલીમાં શું બન્યું હતું?
આ આખો વિવાદ સોમવારે તંજાવુરમાં કાવેરી જળ વિવાદ અંગે આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો. રેલીને સંબોધિત કરતી વખતે વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન રાજ્યના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય પર નિશાન સાધી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "તમિલનાડુને કાવેરીના પાણીનું એક ટીપું પણ મળ્યું નથી અને કર્ણાટક પાણી છોડવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી આ ગંભીર મુદ્દા પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન રહ્યા છે. તેઓ માત્ર ડીએમકે નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરવાની ચિંતા કરે છે."
કાવેરીના મુદ્દે ભીડમાંથી ઊઠ્યા "તૃષા... તૃષા..." ના નારા
ઉદયનિધિ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ ભીડમાંથી કેટલાક લોકોએ "તૃષા... તૃષા... તૃષા..." ના જોરજોરથી નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ સાંભળીને ઉદયનિધિ હસ્યા અને પોતાનું ભાષણ અટકાવીને અશ્લીલ સ્મિત સાથે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી. વાયરલ વીડિયો મુજબ તેમણે કહ્યું હતું કે, "પાણી ક્યાંય પહોંચે કે ન પહોંચે, ત્યાં તો જરૂર પહોંચવું જોઈએ." આ ટિપ્પણી સાંભળીને ભીડમાંથી લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જોકે, બાદમાં પરિસ્થિતિ વણસતી જોઈને તેમણે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેમનો ઈશારો માત્ર કાવેરીના પાણી તરફ જ હતો.
વાયરલ વીડિયોથી સોશિયલ મીડિયા પર આક્રોશ
સોશિયલ મીડિયા પર આ ભાષણનો વીડિયો વાયરલ થતાં જ ભારે હંગામો મચી ગયો હતો. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જનતા અને સોશિયલ મીડિયા યુઝર્સે ઉદયનિધિના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે, "હજારો લોકોની ભીડ વચ્ચે જાહેર મંચ પરથી એક મહિલા વિશે આવી નીચ અને અશ્લીલ ટિપ્પણી કરવી એ અત્યંત કાયરતાપૂર્ણ કૃત્ય છે." સોશિયલ મીડિયા પર વિપક્ષી નેતાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે ટ્રેન્ડ શરૂ થઈ ગયા હતા. તમિલનાડુના શાસક પક્ષ તમિલગા વેત્રી કઝગમ (TVK) ના કાર્યકર્તાઓમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપી ગયો હતો.
TVK અને ભાજપના આકરા પ્રહાર: "ઉદયનિધિ નહીં, પરંતુ 'વલ્ગર-નિધિ'"
ઉદયનિધિ સ્ટાલિનના આ નિવેદન સામે વિવિધ રાજકીય પક્ષોએ મોરચો માંડ્યો છે. શાસક પક્ષ TVK ના નેતા આધવ અર્જુને ઉદયનિધિ પર તીખો હુમલો કરતા તેમને "વલ્ગર-નિધિ" ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે તમિલનાડુના રાજકીય સંવાદના ધોરણોને નીચલા સ્તરે પહોંચાડી દીધા છે. TVK ના અમેરિકા નારાયણને બદલાના આરોપોને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે, "ઉદયનિધિની ધરપકડ મુખ્યમંત્રી વિજય સામે બોલવા બદલ નહીં, પરંતુ જાહેર મંચ પરથી એક સેલિબ્રિટી અને મહિલાનું ઘોર અપમાન કરવા બદલ કરવામાં આવી છે." ટીવીકેના ધારાસભ્ય રેવંત ચરણે પણ આ ટિપ્પણીને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, "કાવેરી મુદ્દા પર ડીએમકેના વિરોધ પ્રદર્શનને જનતાનું સમર્થન મળ્યું નથી, તેથી સોશિયલ મીડિયા પર ધ્યાન આકર્ષિત કરવા માટે તેઓ સસ્તી અને ઉશ્કેરણીજનક રાજનીતિ કરી રહ્યા છે." બીજી તરફ, એમડીએમકે (MDMK) ના મુખ્ય સચિવ અને રાજ્યસભા સાંસદ દુરઈ વાઈકોએ જણાવ્યું હતું કે ખેડૂતો અને કાવેરીની સમસ્યાઓ વચ્ચે આ પ્રકારની ટિપ્પણી સમગ્ર મહિલા જાતિનું અપમાન છે.
ભાજપની આકરી નિંદા: "કોઈ ગુનેગાર પણ આવી ભાષા ન વાપરે"
તમિલનાડુ ભાજપે પણ ઉદયનિધિ સ્ટાલિનને ઘેરવામાં કોઈ કસર છોડી નથી. તમિલનાડુ ભાજપના મુખ્ય પ્રવક્તા નારાયણન તિરુપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "ઉદયનિધિની આ દ્વિઅર્થી ટિપ્પણી ઘૃણાસ્પદ, અશ્લીલ, અભદ્ર અને અત્યંત શરમજનક છે. સત્ય એ છે કે કોઈ ગુનેગાર કે ચોર પણ કોઈની માતા, પત્ની કે પુત્રી વિશે આવી અભદ્ર વાતો નહીં બોલે. કોઈ મહિલા આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન આ બધું ચુપચાપ જોઈ રહ્યા છે તે વધુ શરમજનક છે. આવા નેતાને જેલમાં ધકેલવાથી જ તમિલનાડુનું સન્માન જળવાશે." ભાજપના મહિલા નેતા ખુશ્બુ સુંદરે પણ ઉદયનિધિના કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને માંગ કરી હતી કે તેમણે અભિનેત્રી તૃષા કૃષ્ણનની જાહેર મંચ પરથી બિનશરતી માફી માંગવી જોઈએ.
પોલીસ સ્ટેશન અને NCW માં ફરિયાદો: ઘરની બહાર સુરક્ષાનો કડક બંદોબસ્ત
આ સમગ્ર મામલે કાનૂની શિકંજો ઝડપથી કસાયો છે. TVK ની તંજાવુર સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ મહિલા વિંગના સંયોજક એસ. બૈરવીએ ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ તંજાવુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, TVK દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ને પણ લેખિત ફરિયાદ મોકલવામાં આવી છે. NCW ને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, "ઉચ્ચ રાજકીય મંચ પરથી ભીડના નારાઓથી પ્રેરાઈને એક મહિલા સેલિબ્રિટી વિશે અશ્લીલ અને દ્વિઅર્થી વાતો કહેવી એ જાહેર સ્થળોએ મહિલાઓનું માનસિક અને મૌખિક ઉત્પીડન કરવા સમાન છે." વિરોધની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ચેન્નાઈમાં ઉદયનિધિના ઘર બહાર ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો, કારણ કે TVK કાર્યકર્તાઓએ તેમના ઘરની ઘેરાબંધી કરવાની જાહેરાત કરી હતી.
DMK ની સ્પષ્ટતા: "કોઈનું નામ લીધું નથી, આ રાજકીય ષડયંત્ર છે"
બીજી તરફ, ડીએમકે (DMK) ના નેતાઓએ ઉદયનિધિનો બચાવ કરતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ડીએમકેના વરિષ્ઠ સાંસદ ટી.આર. બાલુએ જણાવ્યું હતું કે, "ઉદયનિધિએ પોતાના ભાષણમાં કોઈ ચોક્કસ મહિલાનું નામ લીધું જ નથી. આ આખો વિવાદ કાલ્પનિક અને ખોટો ઉભો કરવામાં આવ્યો છે." ડીએમકેના રાજ્યસભા સાંસદ પી. વિલ્સન અને પૂર્વ મંત્રી ટી. મનો થંગરાજે આ કાર્યવાહીની સખત ટીકા કરતા આરોપ લગાવ્યો હતો કે, કર્ણાટક દ્વારા કાવેરીનું પાણી છોડવામાં થઈ રહેલી નિષ્ફળતા અને ડેલ્ટા ક્ષેત્રના ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે શાસક પક્ષ દ્વારા આ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે.
કસ્ટડી બાદ ઉદયનિધિનો પડકાર: "હું આ ધરપકડને મજાક ગણું છું"
પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ પણ ઉદયનિધિ સ્ટાલિનના તેવર નરમ પડ્યા ન હતા. તેમણે મીડિયા સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, "હું આ કાનૂની કાર્યવાહીનો કોર્ટમાં સામનો કરીશ. હું આ ધરપકડને એક મજાક માનું છું. માત્ર હું જ નહીં, પરંતુ ડીએમકેનો નાનામાં નાનો કાર્યકર પણ આવી રાજકીય કાર્યવાહીથી ડરવાનો નથી." કસ્ટડીમાં લીધા બાદ પોલીસ તેમને કાનૂની પ્રક્રિયા માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી.
તૃષા અને વિજયની 20 વર્ષ જૂની કેમિસ્ટ્રી અને રાજકીય અટકળો
તમિલ સિનેમામાં તૃષા કૃષ્ણન અને જોસેફ વિજયની જોડી છેલ્લા 2 દાયકાથી સૌથી સફળ અને લોકપ્રિય ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક રહી છે. બંનેએ 'ઘીલ્લી', 'થિરુપાચી', 'આથી', 'કુરુવી' અને તાજેતરમાં સુપરહિટ આવેલી 'લિયો' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બંનેના વ્યક્તિગત સંબંધોને લઈને તમિલનાડુમાં સતત રાજકીય અને સામાજિક અટકળો વહેતી થઈ રહી છે. તિરુમાલા મંદિરમાં બંનેનું સાથે દેખાવું અને ખાનગી મુલાકાતોના અહેવાલો બાદ આ અટકળોએ વધુ જોર પકડ્યું હતું. જોકે, વિજય અને તૃષા બંનેએ આ વાતોને અફવા ગણાવીને હંમેશા પોતાની મિત્રતા જાળવી રાખી છે. વિજયના રાજકીય પક્ષના શપથ ગ્રહણ સમારોહમાં પણ તૃષાની હાજરીથી વિરોધીઓ નારાજ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં ભાજપ નેતા નૈનાર નાગેન્દ્રને પણ કહ્યું હતું કે વિજયે રાજકારણમાં આવતા પહેલા "તૃષાના ઘરમાંથી બહાર નીકળવું જોઈએ", જેનો તૃષાની કાનૂની ટીમે આકરો જવાબ આપ્યો હતો.
ઉદયનિધિના અગાઉના વિવાદો: સનાતન ધર્મ પર આપેલા વિવાદાસ્પદ નિવેદનો
ઉદયનિધિ સ્ટાલિન માટે વિવાદો કોઈ નવા નથી. આ પહેલા પણ તેઓ પોતાના તીખા અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે દેશભરમાં ચર્ચામાં રહ્યા છે:
2 સપ્ટેમ્બર 2023: એક પરિષદમાં બોલતા તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા, મચ્છર અને કોરોના સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મનો માત્ર વિરોધ જ નહીં, પરંતુ તેને સમાજમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવો જરૂરી છે. આ નિવેદનથી સમગ્ર દેશના રાજકારણમાં ભારે બબાલ મચી ગઈ હતી.
12 મે 2026: તમિલનાડુ વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે પોતાના જૂના નિવેદનનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, "સનાતન ધર્મ લોકોને જાતિના નામે વિભાજીત કરે છે, તેથી તેને નાબૂદ કરવો જ જોઈએ." આ નિવેદનની પણ ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.
તંજાવુરની રેલીમાંથી શરૂ થયેલો આ નવો વિવાદ હવે માત્ર એક નિવેદન પૂરતો સીમિત ન રહેતાં, સમગ્ર તમિલનાડુના રાજકારણને ગરમાવી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ડ્રામા સર્જાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...