કેદારનાથ ધામમાં ગુજરાતી શ્રદ્ધાળુનો મૃતદેહ રઝળ્યો
હાર્ટ એટેક બાદ તંત્ર તરફથી મદદ ન મળ્યાનો આક્ષેપ, યોગ્ય વ્યવસ્થાઓના દાવાઓની પોલ ખુલી

કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા ત્યારની ફાઈલ તસવીર

કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા ત્યારની ફાઈલ તસવીર
કેદારનાથ ધામના કપાટ ખૂલતાની સાથે દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે એક ગુજરાતી પરિવારને ઉત્તરાખંડ વહીવટીતંત્રની બેદરકારીનો કડવો અનુભવ થયો છે. સારી વ્યવસ્થાઓ પૂરી પાડવાના ઉત્તરાખંડ તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે. વડોદરાના એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારજનોએ અસંવેદનશીલતાનો સામનો કરવો પડ્યો હતો.
કેદારનાથ યાત્રા 2026ના પહેલા જ દિવસે વડોદારાના શ્રદ્ધાળુનું મોત થયું હતુ. વડોદરા સ્થિત ગોરવા સિટીમાં જીએચ બોર્ડ પાસે રહેતા 69 વર્ષીય દિલીપભાઈ માલી પોતાના પરિવાર સાથે કેદારનાથ દર્શને ગયા હતા. ત્યાં તેમને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમને સમયસર તબીબી સુવિધા કે અન્ય કોઈ મદદ મળી નહોતી.
આટલું જ નહીં, મોત બાદ મૃતકનો મૃતદેહ બે કલાક સુધી હેલિપેડ પર તડકામાં પડ્યો રહ્યો હતો. પરિવારજનો હેલિકોપ્ટર મારફતે શબને નીચે મોકલવાની માંગણી કરતા રહ્યા, પરંતુ તાત્કાલિક કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. મૃતકના પુત્ર અંકુરે સવાલ ઉઠાવ્યો કે, જો વીઆઈપી મુવમેન્ટ માટે હેલિકોપ્ટર ઉપલબ્ધ થઈ શકે તો એક શ્રદ્ધાળુના મૃતદેહ માટે કેમ નહીં?
મૃતકના પુત્ર હેમંત માલીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં હેમંત માલીના જણાવ્યા મુજબ મદદ માંગવા પર પરિવારજનોને એમ્બ્યુલન્સનો નંબર આપવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ સંચાલકે શબને દિલ્હી એરપોર્ટ સુધી પહોંચાડવા માટે 16 હજાર રૂપિયાની માંગણી કરી હતી. શોકમાં ડૂબેલા પુત્રએ સવાલ કર્યો કે, શું શ્રદ્ધાળુઓના મોત બાદ તેમના સન્માનજનક અંતિમ પ્રવાસની કોઈ વ્યવસ્થા નથી?
સમગ્ર ઘટના અંગે રુદ્રપ્રયાગ પોલીસે સ્પષ્ટતા કરી કે 22 એપ્રિલના રોજ શ્રદ્ધાળુ દિલીપભાઈ માલીની તબિયત બગડવાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેદારનાથ ખાતે મોત થયું હતું. આ સ્થિતિમાં મૃતકને હેલિકોપ્ટર મારફતે પોસ્ટમોર્ટમ માટે જિલ્લા દવાખાને રુદ્રપ્રયાગ મોકલવાના હતા. પરંતુ કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને DGCA તરફથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના કારણે વિલંબ થયો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે, હેલિકોપ્ટર સેવાઓને NOC મળ્યા બાદ કેદારનાથ માટેની સેવાઓ સુચારુ કરવામાં આવી. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે થંબી હેલિપેડથી શબને જામૂ (ગુપ્તકાશી) મોકલવામાં આવ્યો. જ્યારે મૃતદેહને જિલ્લા દવાખાને રુદ્રપ્રયાગ લાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણના સીઈઓ આશિષ ચૌહાણે કહ્યું કે, કંટ્રોલ રૂમને હેલિપેડ પર મૃતદેહ હોવાની શરૂઆતમાં કોઈ જાણકારી નહોતી. તેમના મતે, બપોરે લગભગ 12 વાગ્યે જાણ થઈ, 10 થી 15 મિનિટની અંદર હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી મૃતદેહને નીચે પહોંચાડી દેવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે યાત્રા દરમિયાન તબીબી સુવિધાઓ અને પરિવહન વ્યવસ્થાની જવાબદારી સ્થાનિક તંત્રની હોય છે.
ચારધામ યાત્રાને લઈને ઉત્તરાખંડનું તંત્ર યોગ્ય વ્યવસ્થાના મોટા દાવા કરતું હોય છે ત્યારે આ ઘટનાએ ઉત્તરાખંડ તંત્રના દાવાની પોલ ખોલી નાખી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે કેદારનાથ પહોંચતા હોય છે. પરંતુ પાયાની સુવિધાઓનો અભાવ અને સંકલનની નિષ્ફળતા વારંવાર ઉજાગર થઈ રહી છે. આ ઘટના એક પરિવારની પીડા નથી. પરંતુ સમગ્ર વ્યવસ્થા માટે એક ચેતવણી છે કે આસ્થાના આ માર્ગ પર સુવિધાઓને પણ એટલી જ મજબૂત બનાવવી પડશે. જેથી ભવિષ્યમાં કોઈ પણ શ્રદ્ધાળુ કે તેના પરિવારને આવી લાચારીનો સામનો ન કરવો પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?