દેશના 6 એરપોર્ટ પર ફ્લાઇટને 'GPS સ્પૂફિંગ'નો ખતરો
દિલ્હી એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટને ‘GPS સ્પૂફિંગ’નો સામનો કરવો પડ્યાની સંસદમાં કબૂલાત

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ્સને તાજેતરમાં GPS સ્પૂફિંગ (ખોટા સિગ્નલો)નો સામનો કરવો પડ્યો હોવાની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં કબૂલાત કરી છે. આ ગંભીર ઘટનાની જાણકારી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.
દિલ્હી અને દેશના અન્ય પાંચ મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સને GPS સ્પૂફિંગનો ખતરો સામે આવ્યો છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેટલાક વિમાનોને નકલી GPS સિગ્નલ મળ્યા હતા. જેનાથી નેવિગેશન સિસ્ટમ ખોટી માહિતી આપી રહી હતી. આ સ્થિતિમાં પાયલટોએ તરત જ સુરક્ષિત પગલાં લીધાં. ગ્રાઉન્ડ આધારિત પરંપરાગત નેવિગેશન સિસ્ટમ હજુ પણ કામ કરી રહી હતી.
કેસ માત્ર દિલ્હી એરપોર્ટ સુધી મર્યાદિત નથી. કોલકાતા, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ એરપોર્ટ ઉપર પણ GPS માં ખોટા સિગ્નલના અહેવાલ મળી રહ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હસ્તક્ષેપના સ્ત્રોતની તપાસ માટે મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. તેમાં નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અપનાવી રિયલ-ટાઈમ રિપોર્ટિંગ માટે પણ તકેદારી રાખવામાં આવી છે.
GPS સ્પૂફિંગમાં હુમલાખોર નકલી સિગ્નલના ઉપયોગથી વિમાનની નેવિગેશન સિસ્ટમ છેતરવાની કોશિશ કરે છે. આ સિગ્નલ અસલી સિગ્નલ કરતા વધુ મજબૂત હોય છે અને પાયલટને ખોટી ઊંચાઈ, સ્થાન અને ઝડપ બતાવી શકે છે. રેડિયો ફ્રિક્વન્સી અને નેવિગેશન ડેટા મેનિપ્યુલેશન જેવા હાઈટેક હથિયારો દ્વારા આ હુમલો થાય છે.
સ્પૂફિંગનું જોખમ સામાન્ય GPS જામિંગ કરતાં વધારે છે. જામિંગમાં સિગ્નલ અટકાવવામાં આવે છે, જ્યારે સ્પૂફિંગમાં ખોટા ડેટા પ્રાપ્ત થાય છે, જેના કારણે વિમાન અથવા ડ્રોન ખોટી દિશામાં ચાલે શકે છે. ભારત સરકારે આ જોખમને ઓછું કરવા માટે સાયબર સુરક્ષા મજબૂત કરી છે અને આંતરરાષ્ટ્રીય હવાઈ સુરક્ષા ફોરમમાં પણ સક્રિય ભાગ લીધો છે.
શું હતી ઘટના?
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ સંસદમાં જણાવ્યું કે, આ ઘટનાઓ ત્યારે બની હતી, જ્યારે વિમાનો ઈન્દિરા ગાંધી એરપોર્ટના રન-વે 10 પર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS- જીપીએસ) આધારિત લેન્ડિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા. જીપીએ સ્પૂફિંગના કારણે વિમાનોના નેવિગેશન સિસ્ટમને ખોટા સિગ્નલો મળ્યા હતા. પરિણામે પાયલટોએ તાત્કાલિક આકસ્મિક કાર્યવાહી શરૂ કરવી પડી હતી.
GPS સ્પૂફિંગ શું છે?
GPS સ્પૂફિંગ એ એવી પ્રવૃત્તિ છે જેમાં કોઈ હુમલાખોર નકલી GPS સિગ્નલની મદદથી GPS રિસિવરને છેતરી શકે છે. એવિયેશન ક્ષેત્રે વિમાનના નેવિગેશન યુનિટને છેતરવા અને મોટો અકસ્માત સર્જવા આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારનું હેકિંગ GPS રિસિવરને એવું માનવા મજબૂર કરે છે કે તે ખરેખર જ્યાં છે તેના કરતાં જુદા સ્થાન અને સમય પર છે.
GPS સ્પૂફિંગ કેવી રીતે થાય?
રેડિયો ફ્રિક્વન્સી (RF) સિગ્નલ સ્પૂફિંગ: આ પ્રકારની છેતરપિંડીમાં હુમલાખોર અસલી GPS સિગ્નલોની નકલ કરીને નકલી સિગ્નલોનું પ્રસારણ કરે છે. આ નકલી સિગ્નલો ઘણીવાર અસલી કરતા વધુ મજબૂત હોય છે. હુમલાખોર આ સિગ્નલના સમય અને વિષય વસ્તુને કાળજીપૂર્વક નિયંત્રિત કરીને રિસિવરને તેની સ્થિતિ (Position), ઊંચાઈ (Altitude) કે ઝડપ (Velocity)ની ખોટી ગણતરી કરવા મજબૂર કરે છે.
નેવિગેશન ડેટા મેનિપ્યુલેશન: આ પ્રકારના વધુ હાઈટેક હુમલામાં સ્પૂફર નેવિગેશન ડેટા રિસિવ થયા પછી તેને આંતરીને (ઇન્ટરસેપ્ટ) બદલી શકે છે. અથવા તેઓ ડેટા સર્વિસને જ કોમ્પ્રોમાઇઝ કરીને ખોટી માહિતી આપે છે. ટેક્નોલોજિકલ ખતરાને ધ્યાનમાં રાખી સરકારે એરપોર્ટ પર સાયબર સુરક્ષા પગલાં વધારી દીધા છે અને હુમલાના સ્ત્રોતને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
'સ્પૂફિંગ' જામિંગ કરતા વધુ જોખમી
જાણીતા GPS જામિંગ હુમલામાં સિગ્નલોને માત્ર બ્લોક કરાય છે. જેથી રિસિવર કામ કરવાનું બંધ કરી દે છે. પરંતુ સ્પૂફિંગમાં તો સિગ્નલોને બ્લોક કરવાને બદલે સક્રિયપણે ખોટો ડેટા આપે છે. આ કારણે રિસિવરને લાગે છે કે, તે સાચા સિગ્નલ મેળવી રહ્યું છે. રિસિવરને આ રીતે છેતરીને વિમાન કે ડ્રોન જેવી સિસ્ટમને ગેરમાર્ગે દોરી શકાય છે, જે મોટી દુર્ઘટના સર્જી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ