બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ પર પ્રતિબંધ!
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કફ સિરપ પર માર્ગદર્શિકા જારી કરી પ્રતિબંધ ફરમાવ્યો

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 બાળકોના મોત થયા બાદ ભારત સરકાર સફાળી જાગી

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 બાળકોના મોત થયા બાદ ભારત સરકાર સફાળી જાગી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે 11 બાળકોના મોત બાદ ભારત સરકાર સફાળી જાગી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા જારી કરીને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઉધરસની સારવાર માટે સૂચવવામાં આવેલા કફ સિરપથી બાળકો પર વિપરીત અસર પડી છે. એક ડઝન બાળકોના મોત બાદ કેન્દ્ર સરકારે આરોગ્ય અધિકારીઓને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાનો નિર્દેશ કર્યો છે.
અસરગ્રસ્ત બાળકોને આપવામાં આવતી દવાઓના નમૂનાઓના પરીક્ષણ અહેવાલોના આધારે આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ આપી છે કે તેમાં ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અથવા ઇથિલિન ગ્લાયકોલ (EG) જેવા હાનિકારક રસાયણો નથી. આ બંને રસાયણો કિડનીને ગંભીર નુકસાન પહોંચાડવા માટે જાણીતા છે. જ્યારે મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેઈલ થવાથી બાળકોના મોત થયાનું સામે આવ્યું છે.
તમિલનાડુ સરકારે "કોલ્ડ્રિફ" ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને બજારમાંથી તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. સરકારી પ્રયોગશાળા પરીક્ષણ પરિણામો ન આપે ત્યાં સુધી ઉત્પાદન બંધ કરાયુ છે. તમિલનાડુ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના જણાવ્યા મુજબ કંપની મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીમાં દવાઓ સપ્લાય કરે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, NCDC, NIV, ICMR, AIIMS નાગપુર અને રાજ્ય આરોગ્ય અધિકારીઓની એક ટીમ બાળકોના મોતનું ચોક્કસ કારણ નક્કી કરવા તપાસ કરી રહી છે. મંત્રાલયે જણાવ્યું કે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) સહિતની સંસ્થાઓની ટીમોએ ઘટના સ્થળેથી નમૂનાઓ એકત્રિત કર્યા છે.
મધ્યપ્રદેશ રાજ્ય ખાદ્ય અને ઔષધ વહીવટ (SFDA)એ પણ ત્રણ નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું. જેમાં DEG/EG ની પુષ્ટિ થઈ ન હતી. દરમિયાન પૂણે સ્થિત NIVએ લોહી/CSF નમૂનાની તપાસ કર્યા બાદ એક કેસમાં લેપ્ટોસ્પાયરોસિસની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પાણી, મચ્છર અને અન્ય નમૂનાઓનું હાલમાં NEERI, NIV પૂણે અને અન્ય પ્રયોગશાળાઓ પરીક્ષણ કરી રહી છે.
જે બાળકોના મૃત્યુ કિડની ફેઈલ થવાના કારણે થયા છે તેવા બાળકોના પરિવારો પરાસીયાના બાળરોગ ચિકિત્સક પાસે લઈ ગયા હતા. ડોક્ટરે જે સિરપ લખી આપી હતી, જેના પર કલેક્ટરે પાછળથી પ્રતિબંધ મૂક્યો હતો. શુક્રવારે, પરાસીયા એસડીએમ શુભમ યાદવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 9 બાળકોના મોત થયા છે. બે સિરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પરીક્ષણ અહેવાલ હજુ સુધી આવ્યા નથી.
આરોગ્ય મંત્રાલયે શું માર્ગદર્શિકા જારી કરી?
બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ/શરદીની દવા ન આપો.
બાળકોમાં ઉધરસ અને શરદી સામાન્ય રીતે પોતાની મેળે જ ઠીક થઈ જાય છે. તેથી આરામ, હાઇડ્રેશન અને સહાયક સારવારને પ્રાથમિકતા આપવી જોઈએ.
સામાન્ય રીતે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
મોટા બાળકોમાં પણ, દવાઓ ફક્ત ડૉક્ટરની સલાહના આધારે યોગ્ય માત્રામાં જ આપવી જોઈએ.
બહુવિધ દવાઓનું મિશ્રણ કરવાનું ટાળો અને શક્ય તેટલા ઓછા સમયગાળા માટે દવા આપો.
આરોગ્ય સંસ્થાઓએ ફક્ત પ્રમાણિત ગુણવત્તાવાળી દવાઓ ખરીદવી જોઈએ.
12 બાળકો સારવાર હેઠળ
છિંદવાડા જિલ્લાના પારસિયા વિસ્તારમાં 9 બાળકોના મોત થયા છે. તમામ બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના છે. 12 બાળકોને નાગપુર અને છિંદવાડાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેઓની હાલત ગંભીર છે. ICMR અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રજૂ કરાયેલા પ્રાથમિક અહેવાલમાં મૃતક બાળકોના ઘરોમાં કોલ્ડ્રિફ અને નેક્ટ્રોલ-DS સિરપની હાજરીનો ખુલાસો થયો હતો. તેના આધારે કલેક્ટરે કફ સિરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે, 12 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ત્રણના પરિણામો સકારાત્મક આવ્યા છે. હાલમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સૂચવી શકાય કે મોત આ દવાઓના કારણે થયા છે. બાકીના નમૂનાઓના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વધુ કંઈ કહેવું અશક્ય છે.
જબલપુરથી દવા છિંદવાડા પહોંચી હતી
ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ વિભાગે સ્ટોકિસ્ટને ત્યાં ચેકિંગ કરી કફ સિરપ ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડની 16 બોટલના સેમ્પલ લીધા. આ દવાની 594 બોટલ છિંદવાડામાં મોકલવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે, જબલપુરના ઓમટીમાં કટારિયા ડિસ્ટ્રિબ્યુટર પાસેથી સિરપ છિંદવાડામાં મોકલવામાં આવી હતી. વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે, સ્ટોકિસ્ટ કટારિયાએ તમિલનાડુના ચેન્નાઈની એક કંપની પાસેથી સીરપની 660 શીશી મંગાવી હતી. તેણે છિંદવાડાના સ્ટોકિસ્ટને 594 શીશી મોકલી હતી. જ્યારે બાકીની 66 બોટલ તેની પાસે રહી હતી. વિભાગની ટીમે નમૂના લેવા 16 બોટલ સીલ કરી હતી. બાકીના 50 બોટલ સિઝ કરવામાં આવી હતી.
દર્દીઓ સુધી કેટલી બોટલ પહોંચી?
અહેવાલ છે કે, આ સિરપ ન્યૂ અપના ફાર્મા, આયુષ ફાર્મા અને છિંદવાડાના અન્ય સ્ટોકિસ્ટને મોકલવામાં આવી હતી. વિભાગ તપાસ કરી રહ્યું છે કે, દર્દીઓ સુધી કેટલી બોટલ પહોંચી. દરમિયાન, છિંદવાડાના સીએમએચઓ ડૉ. ધીરજ દાવંડેએ જણાવ્યું હતું કે, નમૂના પરીક્ષણ રિપોર્ટ હજુ સુધી પ્રાપ્ત થયો નથી. એસડીએમ શુભમ યાદવના જણાવ્યા અનુસાર ચોક્કસ કારણ હજુ સુધી અજ્ઞાત છે. મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી કિડની ફેલ થવાના કારણે 9 બાળકોના મોત પછી દવાના નમૂનાઓના પ્રયોગશાળા પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશ સરકાર મોડે મોડે જાગી
મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, કફ સિરપના વેચાણ પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિરપ બનાવતી કંપનીના અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. સિરપ ફેક્ટરી કાંચીપુરમમાં આવેલી છે. ઘટનાની જાણ થતાં રાજ્ય સરકારે તમિલનાડુ સરકારને તપાસ કરવા કહ્યું છે. તપાસ રિપોર્ટ મળતાં તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. કફ સિરપથી અત્યાર સુધીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 11 બાળકોના મોત થયા છે. બાદમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે.
તમિલનાડુ સ્થિત કંપનીમાંથી સેમ્પલ લેવાયા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત બાદ તમિલનાડુ સરકારે "કોલ્ડ્રિફ" કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ચેન્નાઈની ઉત્પાદક કંપનીના પ્લાન્ટમાંથી સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપી છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, તમિલનાડુમાં "કફ સિરપ"ના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે પડોશી કાંચીપુરમ જિલ્લામાં સુંગુવરચત્રમમાં ફાર્માસ્યુટિકલ કંપનીના ઉત્પાદન એકમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બે દિવસમાં સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, કંપની રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પુડુચેરીમાં દવાઓ સપ્લાય કરે છે. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ડાયથિલિન ગ્લાયકોલની હાજરી નક્કી કરવા માટે નમૂનાઓ સરકારી પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવશે.
બાળકોના મોતની નોંધ લેતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગદર્શિકા જારી કરીને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ ન આપવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, કિડની ફેલ્યોરનો પહેલો કેસ 24 ઓગસ્ટના રોજ નોંધાયો હતો. પહેલું મૃત્યુ 7 સપ્ટેમ્બરના રોજ નાગપુરમાં થયું હતું. બાળકોના પરિવારે એક મેડિકલ સ્ટોરમાંથી સીરપ ખરીદ્યું હતું. જ્યાં ડ્રગ ઇન્સ્પેક્ટરે સ્ટોક ફ્રીઝ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...