જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ CBI એ ભ્રષ્ટાચારના એક મામલે ચાર્જશીટ દાખલ કરી છે. કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત આ કેસમાં તેમના બે પૂર્વ અંગત સચિવો અને અન્ય ચાર લોકો સહિત કુલ છ આરોપીઓને પણ નામિત કરાયા છે. CBI એ આ મામલે એપ્રિલ 2022 માં તપાસ શરૂ કરી હતી.
મલિકના આરોપો CBI તપાસના કેન્દ્રમાં...
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સત્યપાલ મલિકે પોતે વિવિધ ઇન્ટરવ્યુ અને કાર્યક્રમોમાં દાવો કર્યો હતો કે, જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા (23 ઓગસ્ટ 2018 થી 30 ઓક્ટોબર 2019), ત્યારે કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે તેમને મોટી લાંચની ઓફર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને બે ફાઈલો માટે કુલ 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી, જેમાં દરેક ફાઈલ પર 150 કરોડ રૂપિયા મળવાના હતા.
CBI એ 20 એપ્રિલ, 2022 ના રોજ આ દાવાઓના આધારે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એક ખાનગી કંપની અને કેટલાક અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કિરૂ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટના ટેન્ડરમાં નિયત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું, જેના કારણે આ કેસની તપાસ સત્યપાલ મલિક સુધી પહોંચી. મલિકે આ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે કે, ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર વ્યક્તિ સામે જ તપાસ શા માટે થઈ રહી છે, જ્યારે દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
ચાર્જશીટ બાદ સત્યપાલ મલિકની તબિયત લથડી...
CBI દ્વારા ચાર્જશીટ દાખલ કરાયા બાદ તરત જ સત્યપાલ મલિકે ટ્વીટ કરીને પોતાની ખરાબ તબિયત વિશે માહિતી આપી હતી. તેમણે હોસ્પિટલના બિછાનેથી એક તસવીર પણ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, "હાલ મારી હાલત ખૂબ ખરાબ છે, હું હાલ હોસ્પિટલમાં દાખલ છું અને કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી."
પુલવામા હુમલા અને કેન્દ્ર સરકાર પરના આરોપો...
નોંધનીય છે કે, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે 2019 ના પુલવામા હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર લાપરવાહીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સેનાને હેલિકોપ્ટર આપવાનો ઇનકાર કરાયો હતો, જેના કારણે 40 જવાનો શહીદ થયા. આ ઉપરાંત, તેમણે 2020-21 ના ખેડૂત આંદોલનને પણ સમર્થન આપ્યું હતું અને કેન્દ્ર સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. આ કૌભાંડ અને તેના પર ચાલી રહેલી કાર્યવાહી ભારતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચારના આરોપો ખુદ આરોપ લગાવનાર પર જ ઉઠાવવામાં આવ્યા હોય.