ભારતમાં વસતી ગણતરી 2027નો આજથી પ્રારંભ
ડિજિટલ જનગણના સાથે પ્રથમ વખત સ્વ-ગણતરીની સુવિધા, ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
દેશમાં આજથી વસતી ગણતરી-2027નો પ્રારંભ થયો છે. દુનિયાની સૌથી મોટી વસતી ગણતરીની પ્રક્રિયા ભારતમાં થાય છે. દેશમાં છેલ્લી વખત વસતી ગણતરીની પ્રક્રિયા 2011માં થઈ હતી. કોરોના મહામારીના કારણે 2021માં વસ્તી ગણતરી થઈ શકી નહોતી.
વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલ, 2026 થી શરૂ થશે. પ્રથમ વખત વસતી ગણતરી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. પ્રથમ વખત 'સ્વ-ગણતરી' નો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં 1 થી 15 એપ્રિલ સ્વ-ગણતરી હાથ ધરવામાં આવશે. મકાન યાદી અને આવાસ ગણતરી 16 એપ્રિલથી 15 મે, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે.
કોઈપણ દેશ માટે લોકોના વિકાસ, યોજનાઓ બનાવવા, બજેટ બનાવવા તથા પ્લાનિંગ કરવા માટે વસતીનો ડેટા ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. તેમાં જ્ઞાતિ આધારિત પણ વસતી થવાની છે.
દેશમાં 16મી વખત વસતી ગણતરી
વસતી ગણતરી અધિનિયમ, 1948 અને વસતી ગણતરી નિયમો, 1990ની જોગવાઈઓ હેઠળ વસતી ગણતરી હાથ ધરવામાં આવે છે. છેલ્લી વસતી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી. વસતી ગણતરી 2027 શ્રેણીની 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસતી ગણતરી હશે.
બે તબક્કામાં વસતી ગણતરી કરાશે
પ્રથમ તબક્કો - ઘરયાદી અને ઘર ગણતરી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સુવિધા અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી 30 દિવસના સમયગાળામાં હાથ ધરવામાં આવશે. ઘરયાદી પ્રક્રિયા પહેલાં 15 દિવસનો સ્વ-ગણતરીનો સમયગાળો પણ ઉપલબ્ધ રહેશે. આ તબક્કામાં ઘરોની સ્થિતિ, પરિવારોને ઉપલબ્ધ સુવિધાઓ અને તેમની માલિકીની સંપત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પ્રશ્નો જાન્યુઆરી 2026 માં સૂચિત કરવામાં આવ્યા છે.
બીજો તબક્કો – વસતી ગણતરી ફેબ્રુઆરી 2027 માં હાથ ધરવામાં આવશે. CCPAના નિર્ણય મુજબ આ તબક્કામાં જાતિ ગણતરી પણ હાથ ધરવામાં આવશે. દરેક વ્યક્તિ પાસેથી વસતી વિષયક, સામાજિક-આર્થિક, શૈક્ષણિક, સ્થળાંતર, પ્રજનનક્ષમતા વગેરે માહિતી એકત્રિત કરવામાં આવશે. વસતી ગણતરી માટે ચોક્કસ તારીખો અને પ્રશ્નાવલીઓ યોગ્ય સમયે સૂચિત કરવામાં આવશે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ, દિલ્હી, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં, ઘરયાદી અને આવાસ ગણતરી 16 એપ્રિલથી 15 મે, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સ્વ-ગણતરી 15 એપ્રિલ, 2026 સુધી ઉપલબ્ધ રહેશે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ અને હરિયાણામાં 1 મે થી 30 મે, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સ્વ-ગણતરી 16 એપ્રિલથી 30 એપ્રિલ, 2026 સુધી કરવામાં આવશે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સ્વ-ગણતરી 5 થી 19 એપ્રિલ સુધી ચાલશે અને આવાસ ગણતરી 20 એપ્રિલથી 19 મે 2026 સુધી ચાલશે.
16 ભાષાઓમાં સ્વ ગણતરી કરી શકાશે
ભારત સરકારે વસતી ગણતરી-2027 માટે ₹11,718.24 કરોડ મંજૂર કર્યા છે. જેમાં ગણતરીકારોના માનદ વેતન, તાલીમ, IT માળખાગત સુવિધાઓ, લોજિસ્ટિક્સ વગેરે માટે પૂરતી જોગવાઈ છે. વસતી ગણતરી 2027 ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. જનગણના અધિકારી મોબાઇલ એપ્લિકેશન દ્વારા સ્માર્ટ મોબાઈલથી સીધો ડેટા એકત્રિત કરશે અને સબમિટ કરશે. બંને તબક્કાઓ માટે ઓનલાઇન સ્વ-ગણતરી ઉપલબ્ધ રહેશે. મોબાઇલ એપ્લિકેશન અને સ્વ-ગણતરી પોર્ટલ હિન્દી અને અંગ્રેજી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.
પોર્ટલ પર મોબાઈલથી સ્વ-ગણતરી કરી શકાશે
સ્વ-ગણતરી માટે, વ્યક્તિઓ તેમના મોબાઇલ નંબર અને અન્ય મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરી શકે છે અને તેમની સુવિધા મુજબ વસતી ગણતરી ફોર્મ ભરી શકે છે. સબમિશન સફળ થવા પર, એક યુનિક સ્વ-ગણતરી ID (SE ID) જનરેટ કરવામાં આવશે. જે જનગણના અધિકારી સાથે શેર કરવાની જરૂર પડશે.
સ્વ-ગણતરીની સુવિધા લોકોને જનગણના અધિકારી આવે તે પહેલાં તેમની સુવિધા મુજબ તેમની માહિતી ભરવાની મંજૂરી આપશે. પહેલાની જેમ, જનગણના અધિકારી તેમના સોંપાયેલા બ્લોકમાં ઘરે-ઘરે જઈને ગણતરી કરશે. પરંતુ આ વખતે સ્વ-ગણતરી એક વધારાની સુવિધા રાખવામાં આવી છે.
વસતી ગણતરીના પ્રથમ તબક્કાનું નવેમ્બર 2025 માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 5 હજાર બ્લોકમાં પૂર્વ-પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં ગણતરી પદ્ધતિ, ભરતી અને તાલીમ, પ્રશ્નાવલી, એપ્લિકેશનો અને પોર્ટલ સહિત ડેટા સંગ્રહથી લઈને પ્રક્રિયા સુધીની બધી પ્રવૃત્તિઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
1 જાન્યુઆરી, 2026 થી 31 માર્ચ, 2027 સુધી તમામ વહીવટી એકમોને સ્થિર કરવામાં આવ્યા છે. 2027 ની વસતી ગણતરી 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, 7092 પેટા-જિલ્લાઓ, 5128 વૈધાનિક નગરો, 4580 વસ્તી ગણતરી નગરો અને આશરે 6,39,902 ગામોમાં હાથ ધરવામાં આવશે.
કેટલા કર્મચારીઓ જોડાશે?
વસતી ગણતરી અધિકારીઓને તાલીમ આપવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. વિષય નિષ્ણાતો દ્વારા 100 રાષ્ટ્રીય ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી છે. જેમણે આશરે 2 હજાર માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપી છે. આ માસ્ટર ટ્રેનર્સ આશરે 45 હજાર ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આપી રહ્યા છે. જેઓ આશરે 80 હજાર બેચમાં આશરે 31 લાખ જનગણના અધિકારી અને સુપરવાઇઝરોને તાલીમ આપશે. પાયાના સ્તરે કામ કરતા ગણતરીકારો અને સુપરવાઇઝર સમયસર ગુણવત્તાયુક્ત ડેટા એકત્રિત કરે તે સુનિશ્ચિત કરવા માટે તમામ તાલીમ સામગ્રી પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવી છે.
11,718 કરોડનું બજેટ ફાળવાયું
વસતી ગણતરી માટે ₹11,718.24 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. 2027ની વસતી ગણતરી માટે સ્થાનિક સ્તરે આશરે 550 દિવસ માટે 18,600 ટેકનિકલ માનવબળ તૈનાત કરવામાં આવશે. વસતી ગણતરી ગામ, શહેર અને વોર્ડ સ્તરે પ્રાથમિક માહિતીનો સૌથી મોટો સ્ત્રોત છે. જે રહેઠાણની સ્થિતિ, સુવિધાઓ અને સંપત્તિ, વસતી વિષયક માહિતી, ધર્મ, SC અને ST, ભાષા, સાક્ષરતા અને શિક્ષણ, આર્થિક પ્રવૃત્તિ, સ્થળાંતર અને પ્રજનનક્ષમતા જેવા વિવિધ પરિમાણો પર સૂક્ષ્મ-સ્તરીય ડેટા પ્રદાન કરે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.