CBSE નો પરીક્ષા લક્ષી મોટો નિર્ણય, મોટી રાહત
CBSE દ્વારા કરવામાં આવેલી નિર્ણયથી થશે લાખો વિદ્યાર્થીઓને ફાયદો, જાણો શું છે નિર્ણય...!

વિદ્યાર્થીઓના હિતમાં CBSE નો નિર્ણય

વિદ્યાર્થીઓના હિતમાં CBSE નો નિર્ણય
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ સુગમ બનાવવા અને તેમનો અભ્યાસનો બોજ ઘટાડવા માટે એક ક્રાંતિકારી યોજના પર કામ કરી રહ્યું છે. બોર્ડ ટૂંક સમયમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) વિષયોમાં બે લેવલ – બેઝિક અને એડવાન્સ – લાગુ કરવાનું વિચારી રહ્યું છે. જો બધું આયોજન મુજબ રહ્યું, તો આ ફેરફાર વર્ષ 2026-27 થી અમલમાં આવી શકે છે.
શા માટે આ નવો અભિગમ?CBSE નો આ નિર્ણય વિદ્યાર્થીઓ પરના દબાણને હળવું કરવા અને તેમને તેમની રુચિ અને ભવિષ્યની કારકિર્દી અનુસાર વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાનો છે. અત્યાર સુધી, જે વિદ્યાર્થીઓ STEM વિષયોમાં રસ ધરાવતા હોય પરંતુ ભવિષ્યમાં ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં જવા માંગતા હોય, તેમને પણ ઉચ્ચ સ્તરના ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ કરવો પડતો હતો. હવે, આવા વિદ્યાર્થીઓ બેઝિક સ્તરે આ વિષયોનો અભ્યાસ કરી શકશે.
બીજી તરફ, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, રિસર્ચ અથવા આવા જ કોઈ વિજ્ઞાન-સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, તેઓ એડવાન્સ લેવલ પસંદ કરી શકશે. આનાથી વિદ્યાર્થીઓને બિનજરૂરી દબાણથી મુક્તિ મળશે અને તેઓ પોતાની કારકિર્દીના લક્ષ્યને અનુરૂપ વધુ ફોકસ્ડ અભ્યાસ કરી શકશે.
ધોરણ 10ના ગણિતનો સફળ પ્રયોગઆ પહેલીવાર નથી કે CBSE આવો પ્રયોગ કરી રહ્યું હોય. અગાઉ, બોર્ડે ધોરણ 10ના ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક નો વિકલ્પ રજૂ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં ગણિતનો અભ્યાસ કરવા નહોતા ઈચ્છતા, તેઓ બેઝિક લેવલ પસંદ કરી શકતા હતા. આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, જેણે STEM વિષયોમાં પણ આ જ મોડેલ લાગુ કરવાની પ્રેરણા આપી.
અમલીકરણ અને પડકારોCBSE ની યોજના છે કે સૌપ્રથમ ધોરણ 11માં આ નવો ફેરફાર લાગુ કરવામાં આવે. જોકે, આ યોજનાનો અમલ NCERT ના નવા પુસ્તકોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. હાલમાં, NCERT એ ધોરણ 1 થી 7 સુધીના કેટલાક પુસ્તકો પ્રકાશિત કર્યા છે, અને ધોરણ 9 થી 11 ના પુસ્તકો આ વર્ષના અંત સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે.
જો આ યોજના લાગુ થશે, તો શાળાઓ માટે પણ કેટલાક પડકારો ઊભા થશે. તેમને બેઝિક અને એડવાન્સ લેવલ માટે જુદા જુદા વર્ગો ચલાવવા પડશે, અને તે મુજબ શિક્ષકોને પણ બંને લેવલ માટે ખાસ ટ્રેનિંગ આપવી પડશે. જોકે, લાંબાગાળે આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ સુસંગત અને કારકિર્દીલક્ષી બનાવવામાં મદદરૂપ થશે.
CBSE નો આ નવો અભિગમ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં એક મહત્ત્વપૂર્ણ સુધારાનો સંકેત આપે છે, જે વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવશે અને તેમને ભવિષ્યની વૈશ્વિક જરૂરિયાતો માટે તૈયાર કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...