કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાઓમાં સામેલ રોયલ ટાઈગર ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે અમેરિકા અને કેનેડાના નાગરિકોને નકલી સરકારી એજન્સીઓના નામે ધમકાવી, AI આધારિત વૉઇસ ક્લોનિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટી રકમ પડાવી હતી. સીબીઆઈના ઓપરેશન ચક્ર ફાઈવના ભાગરૂપે મુંબઈ અને અમદાવાદમાં પાડેલા દરોડાઓમાં આ ગેંગની સોફિસ્ટિકેટેડ ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે.
દરોડામાં મળી આવેલા પુરાવા
સીબીઆઈએ મુંબઈ અને અમદાવાદમાં પ્રિન્સ આનંદ અને તેના સાગરિત કૌશલ ભાવસારના ઠેકાણાઓ પર દરોડા પાડીને મહત્ત્વના પુરાવા જપ્ત કર્યા. આમાં 45,000 ડોલરની ક્રિપ્ટો એસેટ્સ, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેનેડા અને અમેરિકાની એજન્સીઓના નકલી આઈડી, નાગરિકોને ફસાવવા માટેની તૈયાર સ્ક્રિપ્ટ્સ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આ ગેંગ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારોને છુપાવતી હતી, જેથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી શકાય નહીં.
પ્રિન્સ આનંદની વૈભવી જીવનશૈલી
દરોડા દરમિયાન જાણવા મળ્યું કે પ્રિન્સ આનંદ એકદમ વૈભવી જીવનશૈલી જીવતો હતો. તેની પાસે લક્ઝરી કાર્સ, ડિઝાઈનર એસેસરીઝ અને મોંઘીદાટ વસ્તુઓ હતી. તે વારંવાર વિદેશ પ્રવાસ પણ કરતો હતો. સીબીઆઈને શંકા છે કે પ્રિન્સે સાયબર ગુનાઓ દ્વારા મોટી બેનામી સંપત્તિ એકઠી કરી હતી, જેની તપાસ હાલ ચાલુ છે.
ગેંગની ગુનાહિત કામગીરી
રોયલ ટાઈગર ગેંગ વિદેશી સરકારી એજન્સીઓ, બેન્કો અને યુટિલિટી કંપનીઓના અધિકારીઓ તરીકેનો ઢોંગ રચીને અમેરિકી અને કેનેડિયન નાગરિકોનો સંપર્ક કરતી હતી. આ ગેંગ AI આધારિત વૉઇસ ક્લોનિંગ ટેક્નોલોજી અને રોબોકોલ્સનો ઉપયોગ કરીને લોકોને ગેરકાયદેસર કોલ્સ કરી, કાયદાકીય બાબતોમાં ફસાવવાની ધમકી આપીને રકમ પડાવતી હતી. આ ગેંગના સભ્યો ભારત ઉપરાંત અમેરિકા, યુકે અને યુએઈમાં પણ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.
કોર્ટનો નિર્ણય અને આગળની તપાસ
મુંબઈની સીબીઆઈ કોર્ટે પ્રિન્સ આનંદના ચાર દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે, જેથી સીબીઆઈ ગેંગની અન્ય પ્રવૃત્તિઓ અને સાગરિતો વિશે વધુ માહિતી મેળવી શકે. અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (એફસીસી)એ અગાઉ રોયલ ટાઈગર ગેંગને 'કન્ઝ્યુમર કમ્યુનિકેશન ઈન્ફર્મેશન સર્વિસિસ થ્રેટ' (C-CIST) તરીકે ઓળખાવી હતી અને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે ચેતવણી જારી કરી હતી. એફસીસીના જણાવ્યા અનુસાર, આ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓથી ગ્રાહકોના કમ્યુનિકેશન નેટવર્ક્સ પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.
સીબીઆઈનું ઓપરેશન ચક્ર ફાઈવ આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાઓ સામેની લડાઈમાં મહત્ત્વનું પગલું છે. રોયલ ટાઈગર ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડથી આ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેવી આશા છે. સીબીઆઈ હવે આ ગેંગના વૈશ્વિક નેટવર્ક અને અન્ય સાગરિતોની શોધખોળ કરી રહી છે, જેથી આવા સાયબર ગુનાઓને સંપૂર્ણ રીતે નાથી શકાય.