અનિલ અંબાણી સામે CBIનો વધુ એક છેતરપિંડીનો કેસ
PNB સાથે 1,085 કરોડની છેતરપિંડી બદલ કાર્યવાહી, અત્યાર સુધીમાં 15,000 કરોડની સંપત્તિ જપ્ત

અનિલ અંબાણી

અનિલ અંબાણી
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom)ના પૂર્વ ડિરેક્ટરો સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ છેતરપિંડીનો નવો ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આ મામલે ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.
બેંક ભંડોળના દુરુપયોગનો ગંભીર આરોપ :
પંજાબ નેશનલ બેંકની ફરિયાદ મુજબ, અનિલ અંબાણી અને તેમની કંપનીએ વર્ષ 2013 થી 2017 દરમિયાન બેંક પાસેથી મેળવેલા ભંડોળનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. આરોપ છે કે કંપનીએ લોનની રકમને એવી જગ્યાઓ પર ડાયવર્ટ કરી અથવા રોકાણ કર્યું જેની જાણકારી બેંકને આપવામાં આવી ન હતી.
આ છેતરપિંડીમાં PNB ને 621.39 કરોડ રૂપિયા અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (જે હવે PNB માં વિલીન થઈ ચૂકી છે) ને 463.80 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આમ, કુલ મળીને 1,085 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીનો આંકડો સામે આવ્યો છે.
ફેબ્રુઆરીમાં પણ નોંધાયો હતો મોટો કેસ :
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે અનિલ અંબાણી તપાસના ઘેરામાં આવ્યા હોય. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ CBIએ તેમની સામે બેંક ઓફ બરોડા સાથે 2,220 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે 2013 થી 2017 વચ્ચે રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં મોટા પાયે નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી હતી.
15 હજાર કરોડની સંપત્તિઓ જપ્ત :
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ અનિલ અંબાણીની અનેક કિંમતી મિલકતો જપ્ત કરી છે. જેમાં મુંબઈ ખાતેનો તેમનો આલીશાન બંગલો ‘એબોડ’ પણ સામેલ છે, જેની કિંમત આશરે 3,716 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
અત્યાર સુધીમાં દેશના વિવિધ શહેરો જેવા કે દિલ્હી, નોઈડા, પુણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં આવેલી અંદાજે 15,000 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. આમાં ઓફિસ સ્પેસ, રહેણાંક ફ્લેટ્સ અને જમીનનો સમાવેશ થાય છે.
પુત્ર જય અનમોલ અંબાણી પણ તપાસના ઘેરામાં :
અનિલ અંબાણી ઉપરાંત તેમના મોટા પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ પણ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે 228.06 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
સમગ્ર રીતે જોતા, અનિલ અંબાણી પર કુલ 40 હજાર કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં વિવિધ એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ