Cancer Medicines Trade Margin Reduction: કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે કેન્દ્ર સરકારે દવાઓના ભાવને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે તમામ નોન-શેડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓ પર ટ્રેડ માર્જિન મહત્તમ 30 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આ પગલાનો હેતુ દવાઓની કિંમતમાં રહેલા અતિશય વેપારી માર્જિનને ઘટાડીને કેન્સરની સારવાર દર્દીઓ માટે વધુ સસ્તી બનાવવાનો છે. આ નવા નિર્ણયનો વ્યાપ પણ મોટો છે. ટ્રેડ માર્જિનની 30 ટકાની મર્યાદા બ્રાન્ડેડ અને જેનેરિક, સ્થાનિક અને આયાતી, તેમજ પેટન્ટ અને નોન-પેટન્ટ એન્ટી-કેન્સર દવાઓ પર લાગુ થશે. સરકારનો હેતુ દવાની કિંમત અને દર્દી દ્વારા ચૂકવવામાં આવતી અંતિમ રકમ વચ્ચેનો તફાવત ઘટાડવાનો છે.
કેટલીક દવાઓની MRPમાં 70% સુધી ઘટાડો
સરકારના અંદાજ મુજબ આ નિર્ણય બાદ કેટલીક નોન-શેડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓના મહત્તમ છૂટક ભાવ એટલે કે MRPમાં 70 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આથી કેન્સરની સારવાર પાછળ દર્દીઓ અને તેમના પરિવારો દ્વારા થતો ખર્ચ ઘટવાની આશા છે. સરકારના અંદાજ પ્રમાણે આ પગલાથી દર્દીઓને દર વર્ષે આશરે ₹2,500 કરોડની બચત થઈ શકે છે. ખાસ કરીને મોંઘી કેન્સર દવાઓ ખરીદતા દર્દીઓ માટે આ નિર્ણય મહત્વનો બની શકે છે.
2019માં પણ લેવાયું હતું આવું પગલું
કેન્સરની દવાઓના ભાવ ઘટાડવા માટે સરકાર અગાઉ પણ ટ્રેડ માર્જિનને નિયંત્રિત કરી ચૂકી છે. 2019માં પસંદગીની નોન-શેડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓ પર 30 ટકા ટ્રેડ માર્જિન મર્યાદિત કરવામાં આવ્યું હતું. સરકારી માહિતી મુજબ તે સમયે 526 બ્રાન્ડની કેન્સર દવાઓના ભાવમાં ઘટાડો થયો હતો અને દર્દીઓને વાર્ષિક આશરે ₹984 કરોડની બચત થઈ હતી. હવે નવા નિર્ણયથી નોન-શેડ્યુલ્ડ એન્ટી-કેન્સર દવાઓ માટે ટ્રેડ માર્જિન મર્યાદાને વધુ વ્યાપક બનાવવામાં આવી છે.
સસ્તી દવા સાથે ઉપલબ્ધતા જાળવવાનો પડકાર
સરકારનું ધ્યાન માત્ર કેન્સરની દવાઓની કિંમત ઘટાડવા પૂરતું નથી. જીવનરક્ષક દવાઓની બજારમાં સતત ઉપલબ્ધતા જળવાઈ રહે તે પણ મહત્વનું છે. ભાવ ઘટાડા સાથે દવાઓના સપ્લાય પર અસર ન થાય તે માટે પણ વ્યવસ્થા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્સરની સારવારમાં દવાઓનો ખર્ચ ઘણા દર્દીઓ માટે મોટો આર્થિક બોજ બને છે. ત્યારે 30% ટ્રેડ માર્જિન કેપ, કેટલીક દવાઓની MRPમાં 70% સુધી ઘટાડાની શક્યતા અને ₹2,500 કરોડની અંદાજિત વાર્ષિક બચત સાથે સરકારનો આ નિર્ણય કેન્સરની દવાઓને વધુ સસ્તી અને સુલભ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.